વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના પારનેરા ગામમાં લીમડા ચોક ફળિયાના એક ઘરમાં ગતરાત્રે તસ્કરો (Smuggler) ત્રાટક્યા હતા. જેઓ પરિવારના સભ્યોને રૂમમાં પુરી દઈ રોકડા રૂ. 12,500 અને ઘરેણાંની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા રૂરલ પોલીસ (Police) ત્યાં પહોંચી હતી, પરંતુ પીએસઆઈએ આવી ઘટના બની જ ન હોવાનું જણાવ્યું હતું.
- વલસાડના પારનેરા ગામમાં તસ્કરી, ક્રાઈમ રેટ નીચો રાખવા અરજી લઈ ગુનો દાખલ થયો ન હોવાની ચર્ચા
વલસાડ પારનેરા લીમડા ચોક ખાતે રહેતા છગનભાઈ નાનુભાઈ પટેલનું ઘર ફળિયાનું છેલ્લું ઘર છે. જેને કેટલાક તસ્કરોએ ગતરાત્રે ટાર્ગેટ કર્યું હતું. પરિવારના સભ્યો રાતે પોતાના રૂમમાં સુઈ ગયા હતા. દરમિયાન મુખ્ય દરવાજો અંદરથી નહીં ખુલતાં તસ્કરો એક રૂમની ગ્રીલ છૂટી પાડી બારીમાંથી રૂમમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન પરિવારજનો જાગી જતા રૂમના દરવાજાને બહારથી કડી મારી પરિવારના સભ્યોને પોતાના રૂમમાં બંધક બનાવી તસ્કરોએ એક રૂમમાં મુકેલા લોખંડની કબાટ અને તિજોરીનું તાળું તોડી કબાટમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ. 12,500ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તસ્કરીમાં તેઓ કબાટમાં મુકેલા નવા કપડાં પણ ચોરી ગયા હતા. જેમાં એક યુવકનો અને એક બાળકનો શૂટ પણ તસ્કરોએ છોડ્યો ન હતો. તસ્કરી કર્યા બાદ નજીકમાં આવેલી આંબાવાડીમાં મૂકેલી આરામ ખુરશી પણ તસ્કરોની નજરે આવી જતા તસ્કરોએ તેની પણ ચોરી કરી લીધી હતી. પરિવારના એક સભ્ય રાત્રે ઊઠી પાણી પીવા જતા રૂમનો દરવાજો બંધ જણાયો હતો. પરિવારના અન્ય સભ્યોને ફોન કરી ચેક કરવા જણાવતા તેમનો પણ દરવાજો પણ બંધ હોવાનું જણાવ્યું હતું.
તેમણે ડોશીને ફોન કરી રૂમના દરવાજા ખોલાવી ચેક કરતાં ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા ઘટનાની જાણ ગામના સરપંચ સહિત અગ્રણીઓ અને તેમજ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી હતી, પરંતુ મોડીસાંજ સુધી આ ઘટના સંદર્ભે કોઈ ગુનો દાખલ થયો ન હતો. ઘટના સંદર્ભે રૂરલ પી.એસ.આઇ રાજદીપસિંહ વનારે જણાવ્યું કે, આવી કોઈ ઘટના બની જ નથી. બીજી તરફ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. ત્યારે પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.