સુરત: આજે વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) છે. વિશ્વભરમાં (World) દમના રોગની (Asthma) જાણકારી આપી આજના દિવસની ઉજવણી (Celebration) કરવામાં આવે છે. દમ એ ફેફસાની બિમારી છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કોઈ વિશેષ સંવેદનશીલ તત્વના સંપર્કમાં આવવાથી વ્યક્તિની શ્વાસ નળીમાં સોજો આવે છે. જેના કારણે શ્વસન માર્ગ સંકોચાઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જે સમયની સાથે ઓછી-વધારે થાય છે. અસ્થમા એ એક લાંબા સમય સુધી રહેતી બિમારી છે. પણ યોગ્ય સારવાર અને કાળજી રાખવાથી નિયંત્રિત કરી શકાય છે. અસ્થમાનાં મુખ્ય કારણોમાં, વાયુ પ્રદૂષણને લઈને એર પાર્ટિકુલેટ મેટર્સ, ધુમ્રપાન અને બાળપણમાં યોગ્ય સારવારના અભાવે મોટા ભાગે અસ્થમાની બિમારીનાં મુખ્ય કારણ હોય છે.
- એલર્જીને લીધે થતો અસ્થમા ઘણી વખત આજીવન રહી શકે
- સામાન્ય શ્રમ પછી પણ શ્વાસ ચઢતો હોય તો ડોક્ટર પાસે તપાસી લેવું જોઈએ
- વધતા પ્રદૂષણને લીધે બાળકોમાં ઘણા વધતા અસ્થામાના કેસ
- અસ્થમાને પગલે ગેરમાન્યતા દૂર કરવા થીમ ઉપર ઉજવણી કરાશે
શ્વાસની તકલીફના એપિસોડના સંચાલનમાં ફિઝિયોથેરાપી મહત્વપૂર્ણ
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કાર્ડિયોપલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ અને નર્મદ યુનિવર્સિટીના પીએચડી સ્કોલર ડૉ.નિલમ ગોહિલ પટેલ અને તેમની ટીમ અસ્થમાના દર્દીના જીવનની ગુણવત્તા સુધારવા માટે યોગ્ય સારવાર પૂરી પાડે છે. શ્વાસની તકલીફના એપિસોડના સંચાલનમાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને વિવિધ પ્રકારની શ્વાસ લેવાની કસરતો અસ્થમાના દર્દીની શ્વસન ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે.
બાળકોમાં દર વર્ષે અસ્થમાના કેસ વધી રહ્યા છે
નવી સિવિલના ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, અસ્થમાના દર્દીઓના 60 ટકાથી વધારે પુરૂષો હોય છે અને દર વર્ષે હવે બાળકોમાં અસ્થમાના કિસ્સામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓપીડીમાં આવતા 7 ટકા કેસ અસ્થમાના હોય છે.