Comments

આવતા શિયાળા (૨૦૨૩) સુધીમાં ઘણું બદલાશે– શું ભારત બિનજોડાણ નીતિને સો એ સો ટકા વફાદાર રહી શકશે?

આવતા શિયાળામાં આજે થઈ રહ્યું છે તેના પરિપાકરૂપે યુરોપ મહામંદીનો સામનો કરતું હશે. આના માટેનું મુખ્ય કારણ ઓઇલ અને ગેસની પરિસ્થિતિ હશે. આ બધાની સાથે સાથે કાં તો એમણે અમેરિકાના હાથ નીચે આવીને અત્યંત ખર્ચાળ સિક્યુરિટી છત્ર અથવા પોતાના સંરક્ષણ ખર્ચમાં સાધનોની તંગી હોવા છતાં પોતાની અર્થવ્યવસ્થાના ભોગે વધારો કરવો પડશે. આવનાર એક વરસમાં વિશ્વનો સંરક્ષણ ખર્ચ બે ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલો વધશે તેવાં સ્પષ્ટ એંધાણ છે. બરાબર તે જ સમયે વિશ્વ અર્થવ્યવસ્થામાં મોટા ઘટાડાનો સામનો કરશે.

બીજી બાજુ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા આગામી બે વરસમાં મંદીમાં ધકેલાઇ જવાની ૩૫ ટકા શક્યતાનો અંદાજ જાણીતી આર્થિક વિશ્લેષણ કંપની ગોલ્ડમેન સેચ દ્વારા મૂકવામાં આવ્યો છે. અમેરિકન અર્થવ્યવસ્થા સામે આજે બેરોજગારી ઘટાડવી તેમજ ફુગાવા ઉપર કાબૂ રાખો તે મોટો પડકાર છે. બ્લૂમ્બર્ગ પણ લગભગ આ જ એનાલિસિસને ટેકો આપે છે. બ્લૂમ્બર્ગ દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જે સરવે હાથ ધરાયો તેમાં ૨૭.૫ ટકા અર્થશાસ્ત્રીઓએ મંદીની શક્યતા વ્યક્ત કરી હતી, જે આ અગાઉની આગાહી મુજબ ૨૦ ટકાએ વ્યક્ત કરી હતી.

રશિયાની વાત કરીએ તો યુદ્ધ અને આર્થિક પ્રતિબંધોને કારણે તેના પર પણ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે. પશ્ચિમના પ્રતિબંધોને કારણે રશિયાનું અડધોઅડધ ફોરેક્સ રિઝર્વ નિષ્ક્રિય થઈ ગયું છે. રશિયા વિદેશી મુદ્રા ભંડોળને મામલે વિશ્વમાં ચોથા ક્રમે આવે છે. રશિયા પર પાંચ લાખ કરોડનું દેવું છે. પ્રતિબંધોને પગલે રશિયાની આવકના સ્રોત ધીરે-ધીરે ઓગળી રહ્યા છે. ઉપરાંત રશિયામાંથી ભણેલગણેલ બુદ્ધિધન બહાર જઇ રહ્યું છે. આ ‘બ્રેઇન ડ્રેઇન’માં ૫૦ હજારથી ૭૦ હજાર કોમ્પ્યુટર નિષ્ણાતો દેશ છોડીને ભાગી ચૂક્યા છે.

એક રશિયન ટેક જૂથના અહેવાલ મુજબ એપ્રિલમાં બીજા એક લાખથી વધુ લોકો દેશ છોડી દેશે. આ બધાને પરિણામે રશિયાની અર્થવ્યવસ્થા આ વરસે ૮.૫ ટકાથી ૧૫ ટકા સુધી સંકોચાશે. રશિયા અને ચીન ખતરનાક લાંબા ગાળાની રમત રમી રહ્યા છે, જે થકી તેઓ અમેરિકા અને યુરોપને સુધારી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિમાં ઘસડી જશે. આ સામે અમેરિકા પોતાની રીતે સોગઠાં ગોઠવીને રશિયાને નબળું પાડવા બધી જ તાકાત લગાવી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેન જીતી જાય અને એ રીતે રશિયાને એ હદે નબળું પાડી દેવાય કે એ ફરી વાર આ રીતે કોઈ પાડોશી દેશ સામે આક્રમણ ન કરી શકે. પુતિનને હરાવવા માટે અમેરિકા અને એની સાથે જોડાયેલાં નાટો રાષ્ટ્રો શસ્ત્રો અને દારૂગોળાનો ધોધ યુક્રેનમાં વહાવી રહ્યા છે જે આશ્ચર્યજનક ઝડપથી યુક્રેન પહોંચી રહ્યો છે.

આ પરિસ્થિતિમાં અત્યાર સુધી આપણે જેને ખૂબ જ જહેમતપૂર્વક જાળવી રાખી છે તે બિનજોડાણની નીતિને અસર ન પહોંચે એવું નહીં બને. ભારત પ્રભાવિત બન્યા વગર ન રહે – હવે સમય આવી ગયો છે કે જ્યારે એક બાજુ આપણે વધુ ને વધુ જીઓપોલિટિકલ એટલે કે ભૂરાજકીય પરિસ્થિતિની વાતો કરીશું ત્યારે આપણે વૈશ્વિક કેનવાસ પર પણ જીઓસ્ટ્રેટેજીક એટલે કે ભૂ-વ્યૂહાત્મક પરિસ્થિતિ અને આપણા હિતોથી પણ માહિતગાર રહેવું પડશે.

આમ આવતા શિયાળે યુરોપ મહામંદીમાં સપડાશે. રશિયા અને ચીન પોતાની વ્યૂહાત્મક વ્યૂહરચના થકી અમેરિકાને થકવી નાખવા માટે પ્રયત્નશીલ હશે અને અમેરિકા એના પોતાના આયોજન મુજબ આ બંને દેશોને લાંબા ગાળાના યુદ્ધમાં સંડોવવા પ્રયત્ન કરશે. આ બધા વચ્ચે ભારત વૈશ્વિક પ્રવાહોથી સંપૂર્ણ અલિપ્ત અને બિનજોડાણની નીતિને સો એ સો ટકા વફાદાર રહી આ આખાય ઘમસાણમાંથી ક્યાં સુધી અલિપ્ત રહેશે તે જોવું રાજનીતિ અને ઇતિહાસના વિદ્યાર્થીઓ તેમ જ સંશોધકો માટે રસપ્રદ બની રહેશે. -ડૉ. જયનારાયણ વ્યાસ

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top