વલસાડ: વલસાડ તાલુકાના કુંડી ઓવરબ્રિજ પાસે આવેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આજરોજ શનિવારે બપોરે અચાનક આગ લાગી જતા ભારે દોડધામ મચી ગઇ છે. આગને કાબૂમાં લેવા માટે વલસાડ અતુલના ફાયર બિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે, જ્યારે આગને લઈને વલસાડ ડુંગરી પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે. અગાઉ ૮ મહિના પહેલા કુંડી ફાટક પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું હતું તે કંપનીમાં આગ લાગી છે. છેલ્લા આઠ મહિનાથી કંપની બંધ હતી હાલમાં આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના કુંડી ઓવરબ્રિજ પાસે આવેલી કંપની જેના સંચાલક શરદભાઈ પટેલ તેઓ ગોલ્ડન કેમિકલ નામની કંપની ચલાવે છે આઠ મહિના અગાઉ આ કંપનીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. પોલીસ દ્વારા આ કંપનીને સીલ મારવામાં આવ્યું હતું. છેલ્લા આઠ માસથી આ કંપની બંધ હતી. શનિવારના રોજ બપોરે અચાનક કંપનીમાં આગ લાગી જતા ભારે દોડધામ મચી ગઇ હતી આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકોએ પહેલા પાણીનો છંટકાવ કર્યો હતો પણ આગ કાબુમાં ન આવતા સ્થાનિકોએ વલસાડ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગ કાબુમાં ન આવતા વલસાડ અને અતુલના ફાયર બિગેડ મંગાવવામાં આવ્યા હતા. બે કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ ની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે.
આઠ મહિના અગાઉ આ કંપનીમાંથી એમ ડી ડ્રગ્સ પકડાયું હતું. કેમિકલ સાથે જ પોલીસે કંપનીને સીલ કરી દીધી હતી. આજરોજ બપોરે અચાનક આગ લાગી જતા કેમિકલ પણ બળીને ખાખ થઇ ગયું હતું અને પતરા તૂટી ગયા હતા. આગના કયા કારણોસર લાગી તે જાણવા નથી મળ્યું, જ્યારે કંપનીના સંચાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાને લઇને ડુંગરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે