સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ‘ટેક્સટાઇલ વીક’ના ભાગરૂપે શટલલેસ લૂમ્સમાંથી બનતા નવા ફેબ્રિક્સ’ વિષય પર યોજાયેલા સેશનને સંબોધતાં અલ્ટ્રા ડેનિમના જીએમ જી.એસ.કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ડેનીમના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં અમદાવાદ અને સુરત અનુક્રમે પહેલા અને બીજા ક્રમાંકે છે. ડેનીમ કપડું ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ પોપ્યુલર છે. પહેલા યુરોપિયન દેશોમાં તેનું વધારે ઉત્પાદન થતું હતું, પણ હવે ભારત, બાંગ્લાદેશ અને ચાઇના ડેનીમનું (Denim) હબ બની ગયા છે. અલ્ટ્રા ડેનિમ કંપની પણ 60થી 65 ટકા ડેનીમનું એક્સપોર્ટ કરે છે. ડેનીમ ઇન્ડસ્ટ્રી કોટન બેઇઝ હોય છે. પરંતુ નોર્મલ પોલિએસ્ટર, ફિલામેન્ટ, લાયકરા વેસ્ટમાં ચાલે છે.
- ડેનિમ ઇન્ડસ્ટ્રીમાં એક એરજેટ લૂમ્સ પર રોજ 700થી 800 મીટર પ્રોડક્શન લઈ શકાશે : જી.એસ.કુલકર્ણી
- ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘ટેક્સટાઇલ વીક’ અંતર્ગત ‘શટલલેસ લૂમ્સમાંથી બનતા નવા ફેબ્રિક્સ’ વિશે સેશન યોજાયું
ડેનિમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ એરજેટ લૂમ્સ ચાલે છે. એરજેટ લૂમ્સ થકી હાઇએસ્ટ પ્રોડક્શન લઇ શકાય છે. એક લૂમ્સ ઉપર દરરોજ 700થી 800 મીટર પ્રોડક્શન લઇ શકાય છે. ઓછી વીજળી વપરાય છે અને અવાજ પણ ઓછો આવે છે. કારીગરોની જરૂરિયાત પણ ઓછી પડે છે. એક કારીગર સરળતાથી આઠ મશીન ઓપરેટ કરી શકે છે. મિકેનિકલ બ્રેકડાઉન ઓછો આવે છે અને વધારે વર્કિંગ એફિશિયન્સીની સાથે સક્સેસ રેશિયો ૯પ ટકા આવે છે. તેમણે શેડિંગ મિકેનિઝમ, વેફટ ઇન્સર્શન મિકેનિઝમ અને એર નોઝલ્સ વિશે ઉદ્યોગકારોને વિસ્તૃત સમજણ આપી હતી.
સુરતમાં વોટરજેટ લૂમ્સ ઉપર વેસ્ટર્ન લેડીઝ ગારમેન્ટ ફેબ્રિક્સ બને છે
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સિન્થેટિક ટેક્સટાઇલ સુરતની સ્ટ્રેન્થ છે. સુરતમાં દરરોજ ઓછામાં ઓછી 10 હજાર નવી ડિઝાઇનો બને છે. નેચરલ યાર્ન વોટરજેટ લૂમ્સ પર ચાલતાં નથી. જ્યારે પોલિએસ્ટર, નાયલોન, પોલિએસ્ટર સ્પન અને પોલિએસ્ટર સ્ટેપલ યાર્ન વોટરજેટ લૂમ્સ પર ચાલે છે. સુરતમાં હાલ 60 હજાર જેટલાં વોટરજેટ લૂમ્સ છે અને આગામી પાંચ વર્ષમાં વધુ 1.20 લાખ વોટરજેટ લૂમ્સ આવશે. આથી વોટરજેટ લૂમ્સની સંખ્યા 1.80 લાખ સુધી પહોંચી જશે. જ્યારે ચાઇનામાં હાલ 8 લાખ વોટરજેટ લૂમ્સ ચાલી રહ્યાં છે.