સુરત: રાજ્ય સરકારે એકસાથે મોટાપાયે ઈલેકટ્રિક બસો(electric bus)ની ખરીદી કરી લેતા સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation)ને અગાઉની 300ને બદલે હવે કુલ 450 ઈ-બસ મળશે. અત્યારે સુરતમાં 49 ઈ-બસ દોડી રહી છે.
- કેન્દ્ર સરકારે મોટાપાયે સસ્તામાં ખરીદી કરતાં સુરતમાં 300 નહી 450 ઇ-બસો દોડશે
- ભારત સરકારે પાંચ મોટા શહેરોની ઈ-બસની ડિમાન્ડના ટેન્ડરો એકસાથે બહાર પાડતા સૌથી નીચા ભાવના ટેન્ડરો આવ્યા
- હાલમાં સુરતમાં 49 ઈ-બસ દોડી રહી છે, આગામી દિવસોમાં અન્ય નવી ઈ-બસ પણ આવશે
દેશમાં સસ્ટેનેબલ લિવિંગના ભાગરૂપે વિવિધ શહેરોમાં હવે ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં 49 ઈ-બસ દોડાવવામાં આવી રહી છે અને પ્રથમ તબક્કામાં 150 ઈ-બસ દોડાવવાનું આયોજન મનપા દ્વારા કરાયું હતું પરંતુ રાજ્ય સંચાલિત કન્વર્જન્સ એનર્જી સર્વિસિસ (CESL) એ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ દેશમાં ઇલેક્ટ્રિક બસોની અત્યાર સુધીની સૌથી મોટી માંગ માટે અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતો શોધી કાઢવામાં આવી છે જેથી સુરત શહેરમાં હવે કુલ 450 ઈ-બસ દોડાવવાનું આયોજન સુરત મનપા દ્વારા કરવામાં આવશે.
આ રીતે મહાનગરપાલિકાઓને આર્થિક લાભ થશે
ભારત સરકાર દ્વારા “ગ્રાન્ડ ચેલેન્જ ટેન્ડરમાં ભારતના પાંચ મોટા ભારત શહેરો – કોલકાતા, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને સુરતમાં 5,450 બસોની માંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારત સરકારને સૌથી લોએસ્ટ ટેન્ડરો મળ્યા છે. જેથી તમામ મહાનગરપાલિકાઓને આર્થિક લાભ થશે અને ઈ-બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અગાઉ દેશની જે-તે મહાનગરપાલિકાઓ દ્વારા પોતપોતાની રીતે ટેન્ડર બહાર પાડવામાં આવતા હતા પરંતુ હવે ભારત સરકાર દ્વારા પાંચ શહેરોની ડિમાન્ડ માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડતા તમામ શહેરોને તેનો સીધો આર્થિક લાભ મળશે. 12-મીટર બસની સૌથી ઓછી કિંમત 43.49 પ્રતિ કિમી મળી છે, અને 9-મીટરની બસ 39.21 પ્રતિ કિમી મળી છે. આમાં બસોને ચાર્જ કરવા માટે વીજળીનો ખર્ચ પણ સામેલ કરી દેવાયો છે.
મનપાને એક બસના એક કિ.મી પાછળ સીધી 14 રૂા. ની બચત
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારસુધી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિ ઈ-બસને પ્રતિ કિ.મી માટે ઓપરેટરને 55 રૂા. ચુકવવામાં આવતા હતા પરંતુ હવે આ લોએસ્ટ ટેન્ડરની રકમ પ્રમાણે પ્રતિ ઈ-બસને પ્રતિ કિ.મી માટે ઓપરેટરને રૂા. 41 રૂા. ચુકવવાના થશે. એટલે કે, સુરત મનપાને એક બસના એક કિ.મી પાછળ સીધી 14 રૂા.ની બચત થશે. આ કિમતોમાં ઘટાડો થતા સુરત શહેરમાં હવે 300 ઈ-બસની જગ્યાએ 450 ઈ-બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં શહેરમાં પ્રથમ તબક્કાની 150 ઈ-બસ પૈકી 49 ઈ-બસ દોડાવવામાં આવી રહી છે અને ટુંક સમયમાં 101 બસો પણ આવી જશે તેમજ બાકીની 150 ઈ-બસ નવેમ્બર માસમાં આવશે તેમજ આ કિમતો ઘટતા આવનારા એકથી બે વર્ષમાં વધુ 150 ઈ-બસ સુરત શહેરમાં દોડતી થશે.