SURAT

દિલ્હીના મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી સુરતના લોકો સાથે આ રીતે કરી કરોડોની છેતરપિંડી

સુરત: શહેરના અલગ અલગ લોકોને વીમા કંપનીના નામે ફોન કરી વીમામાં ફસાયેલા રૂપિયા કઢાવી આપવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લેતી ટોળકીના મહિલા સહિત બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. પકડાયેલો આરોપી અગાઉ ફાયનાન્સ કંપનીમાં કામ કરતો હતો. લોકોની સાથે વાતચીત કરવાની કળા ધરાવતા આ યુવકે પોતાનું કોલ સેન્ટર શરૂ કરી કરોડો રૂપિયા ઉસેટી લીધા હતા અને પોતાની સ્કૂલ પણ શરૂ કરી દીધી હતી. પકડાયેલા બંને આરોપી ભીમ યુપીઆઇના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નામથી ફેક લેટર મોકલી ઠગાઇ કરતા હતા.

  • ભીમ એપનું સુપરવિઝન કરતી સંસ્થાના નામે ફેક લેટર મોકલી રૂપિયા ખંખેરતો હતો
  • જેવા એકાઉન્ટમાં રૂપિયા આવી જાય કે તરત જ રૂપિયા વિથ-ડ્રો કરી લેવાતા હતા
  • ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવકે રૂપિયા કમાવવા કોલ સેન્ટર શરૂ કરી સ્કૂલ બનાવી દીધી

પ્રાપ્ત વિગતો મુજબ કોઇપણ પોલિસીની પાકતી મુદતે બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા લોકોને ફોન કરી લોભામણી વાતો કર્યા બાદ પ્રોસેસિંગ ચાર્જ અને સર્વિસ ચાર્જના નામે ડિજિટલ વોલેટ (પ્લેટફોર્મ)ના આધારે લાખો રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના અનેક ગુનાઓને લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ડિંડોલી ફાયર સ્ટેશનની બાજુમાં તિરૂપતિ રો હાઉસમાં રહેતા વિલાસભાઈ ઓમકારભાઈ પટેલ (ઉં.વ.૫૨)ને અજાણ્યાએ 16.50 લાખના વીમાની રકમ અપાવવા માટે પ્રોસેસિંગ ચાર્જના નામે રૂ.1.65 લાખ પડાવી લીધા હતા. આ મામલે ડિંડોલી પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન વિલાસભાઇ ઉપર જે ફોન આવ્યો હતો તે દિલ્હીથી આવ્યો હોવાની માહિતી મળી હતી.

ડિંડોલી પોલીસના સ્ટાફે દિલ્હી જઇ દિલ્હીના વસુંદરા ઇન્કલેવ, અશોકનગરમાં રહેતા અને મૂળ યુપીના વતની મો.અર્શદ રઝા જમીદાર મો.ખાન (ઉં.વ.31) તેમજ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને નોઇડાના બાલાજી ઇન્કલેવમાં રહેતા મધુ મહેશ શર્માને પકડી લેવાઇ હતી. પોલીસ આ બંનેને ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી સુરત લઇ આવી હતી. પોલીસની પૂછપરછમાં આ ટોળકીએ અનેક લોકો પાસેથી અંદાજિત 2થી 3 કરોડ જેટલી રકમ ઉસેટી લીધી હોવાનું પણ કહેવાય છે. જો કે, આ આંકડો અંદાજિત સાતથી આઠ કરોડ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. આ બાબતે ડિંડોલી પોલીસે બંને આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

દિલ્હીમાં એમએઆર નામથી કોલ સેન્ટર ચલાવતાં હતાં
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મો.અર્શદ સને-2015ના અરસામાં ફાયનાન્સ કંપનીમાં કામ કરતો હતો. મો.અર્શદ લોકોને ફોન કરી રૂપિયા ઉઘરાવવા માટે અલગ અલગ વાતો કરી કંપનીનાં બાકી નાણાં ઉઘરાવવાનું કામ કરતો હતો. લોકોની સાથે વાત કરવાની સારી કળા જોઇ મો.અર્શદે પોતાનું કોલ સેન્ટર શરૂ કરવા વિચાર્યું હતું અને સને-2016માં કોલ સેન્ટર શરૂ કરી મો.અર્શદે મહારાષ્ટ્ર-પુણે વિસ્તારના લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી કરોડો રૂપિયા ઉસેટી લીધા હતા. આ દરમિયાન સને-2020ના અરસામાં મો.અર્શદની મુલાકાત નોઇડાના બાલાજી ઇન્કલેવમાં રહેતી મધુ મહેશ શર્મા સાથે થતાં તેની સાથે મળી નોઇડાના ઇન્દ્રાપુરમમાં ઓફિસ ભાડે રાખી બીજું કોલ સેન્ટર શરૂ કરી દીધું હતું. મધુ શર્મા શરૂઆતમાં ફોન કરતી હતી અને બાદમાં મો.અર્શદ અધિકારી તરીકે વાત કરી વીમો પકવવા માટે લોકોને અલગ અલગ બહાનાં બતાવી વિવિધ ચાર્જીસના નામે રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતી હતી. આ બંનેએ રૂપિયા ઉઘરાવવા માટે ભીમ યુપીઆઇ અને ફોન પેનું સુપરવિઝન કરતી સંસ્થા એનપીસીઆઇ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના નામે ફેક લેટર બનાવતા હતા અને લોકોને મેઇલ મારફતે મોકલાવી ઠગાઇ કરતાં હતાં.

પોલીસને જસ્ટ ડાઇલમાંથી મેળવેલો 32 હજાર લોકોનો ડેટા મળી આવ્યો
લોકો સુધી પહોંચવા માટે સીધો અને સરળ રસ્તો જસ્ટ ડાયલ હતો. મધુ અને મો.અર્શદે જસ્ટ ડાયલની પાસેથી 32 હજાર લોકોનો મોબાઇલ નંબર સાથેનો ડેટા લીધો હતો. આ ડેટા મોબાઇલ તેમજ લેપટોપમાં અલગ અલગ ડોક્યુમેન્ટમાં સેવ કરી મુકાયા હતા. પોલીસને માઇક્રોસોફ્ટ એક્સેલની અલગ અલગ 10 એક્સેલ સીટમાં આ ડેટા મળ્યો હતો. પોલીસે આ ડેટા પણ કબજે લીધો છે.

પોલીસ મધુ શર્મા પાસે કેવી રીતે પહોંચી ?
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ડિંડોલી પોલીસને એક ફરિયાદ મળી હતી, જેમાં એક આધેડની સાથે 1.65 લાખની ઠગાઇ થઇ હતી. પોલીસે આ આધેડની ઉપર જે મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો તે મોબાઇલ નંબર ટ્રેસમાં નાંખીને તપાસ કરતી હતી. આ મોબાઇલ દિલ્હીના નોઇડામાં હોવાનું બહાર આવતાં ડિંડોલી પોલીસના પીએસઆઇ ડી.એ.બથવાર સહિતના સર્વેલન્સ સ્ટાફે દિલ્હીમાં એક મહિનાથી ધામા નાંખ્યા હતા. પોલીસે આ મોબાઇલ નંબરની નાનામાં નાની વસ્તુઓની ઉપર નજર રાખી હતી. અંતે પોલીસે મધુ શર્મા સુધી પહોંચી ગઈ હતી. મધુએ શરૂઆતમાં પોલીસને કચરા-પોતા કરવા માટે જતી હોવાનું કહી વાતને ગોળ ફેરવી હતી. ત્યારબાદ પોલીસે મધુનાં લોકેશનો બતાવતાં મધુ રડવા લાગી હતી અને તેણીએ મો.અર્શદની સાથે ભાગીદારીમાં કોલ સેન્ટર ચલાવતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ પોલીસે મો.અર્શદને પણ પકડી પાડ્યો હતો. આ બંનેને દિલ્હીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લવાયાં હતાં.

મધુ શર્માનો ક્લાઇન્ટ હોય તો તેને 100 ટકા પેમેન્ટ મળતું હતું
પોલીસના કહેવા પ્રમાણે શરૂઆતમાં મધુ શર્મા ફોન કરતી હતી. સામેવાળી વ્યક્તિ મધુની વાતમાં આવી ગયા બાદ મો.અર્શદ ફોન કરીને ફસાવતો હતો. જો સામેવાળી વ્યક્તિ ફસાય અને વિવિધ ચાર્જીસના નામે રૂપિયા ટ્રાન્સફર કરતો ત્યારે તે તમામ રૂપિયા મધુ શર્માના ખાતામાં જતા હતા. મધુ શર્માનો પોતાનો ક્લાઇન્ટ હોય તો તેને 100 ટકા કમિશન મળતું હતું. આ ઉપરાંત જો કોઇ બીજા વ્યક્તિનો ક્લાઇન્ટ હોય તો મધુ શર્મા પોતાના બેંક એકાઉન્ટના ઉપયોગ માટે 20 ટકા કમિશન પણ લેતી હતી.

કઈ કઈ વસ્તુ કબજે લેવાઈ
ડિંડોલી પોલીસે જસ્ટ ડાયલમાંથી 10 એક્સેલ સીટમાં 34252 નામોના ડેટા, સાત બેંકની પાસબુક, 16 ચેકબુક, ચાર અલગ અલગ કંપનીનાં સિમ કાર્ડ, 15 બેંકનાં ડેબિટ કાર્ડ, 9 મોબાઇલ ફોન, એક લેપટોપ અને એક ડોંગલ પણ કબજે લીધું હતું.

Most Popular

To Top