વાપી : વાપીમાં (Vapi) છેલ્લા કેટલાક સમયથી એટીએમ (ATM) બુથમાં પૈસા લેવા જનારની સાથે મદદના (Help) બહાને જઈને પાસવર્ડ (Password) જાણી લઈ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેનાર ગેંગ સક્રિય બની હતી. રવિવારે (Sunday) વાપીમાં બે જગ્યાએ એટીએમ બુથ પરથી છેતરપિંડી કરીને કાર્ડ બદલીને પાસવર્ડ જાણી રૂપિયા ઉપાડી લીધા હોવાના ગુના નોંધાયા હતા. વાપી ટાઉન તેમજ ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલા આ બંને ગુનાને એસઓજીની ટીમે ઉકેલી કાઢી એક ગઠીયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજો મુખ્ય માસ્ટરમાઈન્ડને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી એસઓજીના પીઆઇ વી.બી.બારડ તથા તેમના બે પીએસઆઇ કેજી રાઠોડ તથા એલજી રાઠોડ સાથે સ્ટાફના માણસોએ ટીમ બનાવી તપાસ હાથ ધરતા છીરી નહેર પાસે એસબીઆઈ બેંકના એટીએમ મશીન પાસે એક શખ્સ શંકાસ્પદ લાગતા તેને પકડીને પૂછપરછ કરતા વાપી ગીતાનગર ટાંકી ફળિયામાં રહેતો અરવિંદ રામઅભિલાષ પાઠક એટીએમમાં છેતરપિંડી કરતી ગેંગનો સભ્ય હોવાનું બહાર આવ્યું હતું. અરવિંદનો કાકાનો દીકરો સંતોષ ભૈયાલાલ પાઠક સાથે મળીને વાપી ટાઉન તથા ડુંગરા પોલીસ મથકની હદમાં રવિવારે બનેલા બંને ગુના તેમણે કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ બંને ગઠીયાઓ છેલ્લા એક મહિનાથી વાપી સ્ટેશન, બસ સ્ટેશન, વાપી બજાર,ગુંજન, ડુંગરા તેમજ પારડી, સલવાવ, દમણ વિસ્તારમાં એટીએમ બુથ પર જઈ એટીએમમાં રૂપિયા ઉપાડવા આવનારની પાછળ ઊભા રહી પીન નંબર જાણી લઇ તેમજ નાણાં ઉપાડવા મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરતા હતા. આ બંને શખ્સો કાર્ડ લઈને તાત્કાલિક રૂપિયા ઉપાડી લેતા હતા. તેમજ કાર્ડથી ખરીદી કરી લેતા હતા. આ બંને શખ્સોએ વાપી બજારમાંથી સોનીની દુકાનમાંથી ખરીદી કરી હતી. તેમજ ગુંજન વિસ્તારમાં શોરૂમમાંથી સ્પ્રે તેમજ કપડા તથા ચપ્પલ પણ શોપિંગ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એસઓજીની ટીમે અરવિંદ પાઠકને હાલ ડુંગરા પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.
માસ્ટર માઈન્ડ સંતોષ પોલીસની પકડથી દૂર
વાપીમાં એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા જનારા બેંકના ગ્રાહકોને છેતરીને એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતી ગેંગનો માસ્ટરમાઇન્ડ સંતો ભૈયારામ પાઠક યુપીના પ્રતાપગઢ જિલ્લાના રાયપુરનો રહેવાસી છે. છેલ્લા એક માસથી વાપીમાં આવી તેના કાકાના દીકરા અરવિંદ પાઠકને સાથે લઈને એટીએમ મશીન પર રૂપિયા લેવા આવતા લોકોને છેતરીને તેમનો કાર્ડ બદલી લઈને પીન નંબર જાણી લઈ છેતરપિંડી કરતો હતો. સંતોષ રીઢો ગુનેગાર છે. બે વર્ષ પહેલા મધ્યપ્રદેશના રીવામાં તથા અન્ય જિલ્લામાં એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડવાના ૧૭ ગુનામાં ઝડપાયો હતો. વાપીમાં એક માસ પહેલા આવ્યા બાદ હાલ તો તેનો ભાઇ ઝડપાઈ ગયો છે. હવે સંતોષ પાઠકને પોલીસ કયારે પકડે છે તે જોવું રહ્યું.
વાપીમાં બે જગ્યાએ એટીએમની ઠગાઈ
વાપી મોરાઈ કંપનીમાં નોકરી કરતા સંદીપ છોટેલાલ નટ વાપી ટાઉનમાં પત્ની અને બાળકો સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. વાપી બજારમાં એચડીએફસીના એટીએમમાં રૂપિયા ઉપાડવા જતા ત્યાં બે જણાએ તેમને વાતમાં નાંખીને એટીએમ કાર્ડ બદલી લઈ એટીએમ મશીન બંધ છે કહીને ત્યાંથી જતા રહ્યા હતા. ત્યાર બાદ સંદીપે બેંકનો સંપર્ક કરતા જણાયું હતું કે તેના ખાતામાંથી રૂ.૧,૧૩,૫૦૦ ગઠીયાઓએ ઉપાડી લીધા હતા. જ્યારે બીજો બનાવ વાપીના ડુંગરામાં યુનીકનગરમાં રહેતા દાદરામાં કંપનીમાં નોકરી કરતા હરેન્દર નોથની ગૌરીશંકર ઠાકુર ડુંગરામાં પીરમોરા નાકા પાસે એક્સીર બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા જતા પૈસા નહીં નીકળતા એટીએમમાં ઊભા બે જણાએ કાર્ડ ચેક કરવાના બહાને લઈને કાર્ડ બદલી લઈ ત્યાંથી નીકળી જઈ રૂ.૭૮,૬૫૦ ઉપાડી લીધા હતા. આ અંગે હરેન્દરે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ બંને ગુનામાં સંડોવાયેલી ગેંગના બે શખ્સો પૈકી પોલીસે એક આરોપી અરવિંદ પાઠકને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.