બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના પલસોદથી સુરત (Surat) જિલ્લા એલ.સી.બી.ની ટીમે દારૂનો (Alcohol) જથ્થો સપ્લાય કરવા જનાર બુટલેગર સહિત ત્રણને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ બારડોલી ગ્રામ્ય પોલીસમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ફોર વ્હીલ કાર નં.(જીજે 5 સીએસ 3335)નો ચાલક પોતાની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગ્રાહકોને પહોંચાડવા ફરી રહેલો છે અને તે કડોદથી પલસોદ થઈ સાંકરી તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે પલસોદની સીમમાં નહેર પાસે ખોજથી પલસોદ રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ કાર આવતાં પોલીસની નાકાબંધી જોઈ કાર મૂકી ભગવા જતાં ચાલકને પોલીસે પકડી લીધો હતો અને કારમાં તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા કારચાલક નિરંજન ઉર્ફે ટીનકો નટુ ગામીતએ જણાવ્યું હતું કે, તે આ દારૂનો જથ્થો બારડોલીના હરિપુરા અને કડોદ ગામે ગ્રાહકોને આપી બીજા ગ્રાહકોને આપવા જતો હતો. પોલીસે હરિપુરા અને કડોદમાં તપાસ કરતાં ત્યાંથી પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હરિપુરાથી સરોજ સંતોષ ચૌધરી અને કડોદ મહાદેવ દેસાઇ ફળિયામાંથી હેતલ દિવ્યેશ ઉર્ફે દેવો પરમારની અટક કરી હતી. જ્યારે બીપીન રાઠોડ, ઉષા હરસિંગ ચૌધરી, મનોજ લાલસિંગ ચૌધરી, વિજય શૈલેષ રાઠોડ અને જીતુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે કુલ 417 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ.38,550, એક ફોર વ્હીલ કાર કિં.રૂ.3 લાખ, ત્રણ મોબાઇલ ફોન કિં.રૂ.15 હજાર અને અંગઝડતીના રોકડા રૂ.930 મળી કુલ 3,54,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચમાં કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો વલસાડનો બુટલેગર ઝડપાયો
ભરૂચ: વલસાડના એક ઇસમને ટવેરા ગાડીમાં ચોરખાનામાં દારૂ સંતાડી લાવતાં ભરૂચ LCB પોલીસે આબાદ રીતે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીએ દમણ વાઈન શોપમાં દારૂનો જથ્થો બોટલો ટવેરા ગાડીમાં ભરી “વિરલ” નામના બુટલેગરે ભરૂચ બોલાવતાં તે હાજર ન હોવાનો પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો.
ભરૂચ LCB પોલીસ ખાનગી વાહનોમાં નગરમાં પેટ્રોલિંગમાં હતી. એ વેળા ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટવેરા ગાડી નં.(GJ-૨૧ M-૩૦૩૫)માં ચોરખાનામાં ગેરકાયદે વિદેશી દારૂ લઈ ભરૂચ સેવાશ્રમ રોડ પરથી પાંચબત્તી તરફ જાય છે. જેના પગલે પોલીસે વોચ ગોઠવી શક્તિનાથ તરફથી આવતી ટવેરા ગાડી કોર્ડન કરી રોકી હતી, જેમાં ડ્રાઈવિંગ સીટ પર ચેતન ઈશ્વર પટેલ બેઠેલો હતો. પોલીસે ટવેરા ગાડી ચેક કરતાં ચોરખાનામાંથી ગેરકાયદે વિદેશી દારૂ ૭૨ બોટલો કિંમત રૂ.૩૬,૦૦૦, એક મોબાઈલ રૂ.૩૦૦૦ અને ટવેરા ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૩૯,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. વલસાડના ઇસમની ધરપકડ કરી A ડિવિઝને વોન્ટેડ સહિત બે જણા સામે ગુનો નોંધ્યો હતો.