Madhya Gujarat

બોરસદ પાસે અકસ્માતમાં 11 ઘવાયાં

આણંદ : બોરસદના આણંદ રોડ પર શુક્રવારની વ્હેલી સવારે એસટી બસ અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા તેમાં સવાર 11 જેટલા મુસાફરોને નાની – મોટી ઇજા પહોંચી હતી. આ તમામને સારવાર માટે બોરસદ અને આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ તપાસમાં ટેમ્પો ટ્રાવેલર સામે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. બોરસદથી અમદાવાદ ઇન્ટર સીટી બસ શુક્રવાર સવારે સવા પાંચેક વાગ્યાના સુમારે બોરસદ ડેપોમાંથી દસ જેટલા મુસાફરોને લઇ અમદાવાદ જવા નીકળ્યાં હતાં.

તે વખતે આણંદ ચોકડી તથા વ્હેરા બ્રીજ પસાર કરી આશરે સાડા પાંચેક વાગ્યે બોરસદ વાણીયાકુવા પાસે પહોંચ્યા તે સમયે સામેથી રોંગસાઇડે પુરપાટ ઝડપે ધસી આવેલી ટેમ્પો ટ્રાવેલરના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે બન્ને વાહનમાં રહેલા કુલ 11 જેટલા મુસાફરોને નાની – મોટી ઇજા પહોંચી હતી અને તેમની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ અંગે 108માં જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને તમામને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક બોરસદ અને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રવિણસિંહ અમરસિંહ પરમારની ફરિયાદ આધારે બોરસદ ગ્રામ્ય પોલીસે ટેમ્પો ટ્રાવેલરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં 108ની પાંચ જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી.

કર્ણાટકથી મણીલક્ષ્મી તિર્થ ખાતે જઇ રહ્યા હતા
ટેમ્પો ટ્રાવેલરમાં સવાર મુસાફરો મુળ કર્ણાટકના રહેવાસી હતાં. તેઓ પેટલાદ નજીકના મણીલક્ષ્મી તિર્થ ખાતે દિક્ષા પ્રસંગે હાજરી આપવા જવા નિકળ્યાં હતાં. દરમિયાન રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘવાયેલા મુસાફર
મંજુલાબહેન જૈન (ઉ.વ.42), કૃનાલભાઈ જૈન (ઉ.વ.24), કેતનભાઈ બાદલ (ઉ.વ.45), સોભાબહેન મુકેશભાઈ કોલેરી (ઉ.વ.40), રાજુભાઈ (ઉ.વ.40), કિંજલબહેન (ઉ.વ.24), જીયાબેન (ઉ.વ.19), બાબુભાઈ (ઉ.વ.50),  મંજુલાબહેન પ્રકાશભાઈ (ઉ.વ.50), અંજનાબહેન કોઠારી (ઉ.વ.40), સંગીતાદેવી રાજેશભાઈ કોઠારી (ઉ.વ.45)

Most Popular

To Top