Madhya Gujarat

ખેરડામાં ભૂમાફિયા ગેરકાયદે માટી ઉલેચી રહ્યા છે!

આણંદ : આણંદ જિલ્લાના કુદરતે આપેલી લખલૂંટ સંપત્તિને ભૂમાફિયાઓનું ગ્રહણ લાગી ગયું છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી ખાણ – ખનિજ વિભાગના ધૃતરાષ્ટ્ર નીતિના કારણે બદી વધી છે. જેમાં ખેરડા ગામે કોઇ પણ જાતની મંજુરી ન હોવા છતાં રાત પડતાં ડમ્પરના ધાડા ઉતરી પડે છે અને આડેધડ ખોદકામ કરી લખલૂટ સંપત્તિની રોકડી કરી રહ્યાં છે. આણંદ નજીકના ખેરડા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓના ત્રાસથી ગ્રામજનો પરેશાન થઇ ગયાં છે. અહીં મહી નદીના કોતર વિસ્તાર, નદીના પટ અને સરકારી પડતર, ગૌચર જમીન પર જેસીબી ગોઠવાઇ ગયા છે અને દિવસ – રાત 24 કલાક સતત માટી અને રેતી ઉલેચી રહ્યાં છે.

તેમાંય રાત પડતાં તીડના ટોળાની ડેમ ડમ્પરના ધાડેધાડા ઉતરી પડે છે. આડેધડ દોડતા આ ડમ્પરમાં કેટલાયને નંબર પ્લેટ પણ લાગેલી નથી. આ ઉપરાંત બેફામ હાંકતા માટી અને રેતી જ્યાં ત્યાં રસ્તા પર વેરછેરણ થઇ જાય છે. જેના કારણે ગામના રસ્તા ધૂડીયા બની ગયાં છે. આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા તાજેતરમાં ખાણ – ખનિજ વિભાગ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

આણંદ જિલ્લામાં મહી નદીના પટમાંથી રેતી કાઢવા કોઇ પરવાના આપવામાં આવ્યા નહોવાનું જણાવ્યું હતું. તેવી જ રીતે રેતી – ખનીજની લીઝની રોયલ્ટી કાઢવાનો સમય સવારના 6થી સાંજના 6 સુધીનો છે. જ્યારે ખેરડા ગામે રેતી કાઢવા કોઇ પરવાના આપ્યા ન હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. આ જવાબોના પગલે ગ્રામજનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે જો કોઈને પરવાનગી આપવામાં આવી નથી. તો ખેરડા ગામે લાંબા સમયથી ચાલતા ખોદકામ કોણ કરી રહ્યું છે ? કરોડોની કુદરતી સંપત્તિ કોણ લૂંટી રહ્યું છે ? આ બાબતે ખાણ – ખનિજ વિભાગ કેમ પગલાં ભરી રહ્યું નથી.

માહિતી અધિનિયમ હેઠળ ખાણ – ખનિજ વિભાગે આપેલા જવાબો
પ્રશ્ન -1 આણંદ જિલ્લામાં મહી નદીના પટમાંથી રેતી કાઢવા માટે ક્યાં ક્યાં ગામે કોને કોને પરવાના આપવામાં આવ્યાં છે ?
જવાબ: આણંદ જિલ્લામાં મહી નદીના પટમાંથી રેતી કાઢવા કોઇ પરવાના આપવામાં આવ્યાં નથી.
પ્રશ્ન – 2 આણંદ જિલ્લામાં મહી નદીના પટમાંથી રેતી કાઢવા પરવાનેદારને ઇસ્યુ કરેલા તમામ પરવાના હુકમોની સર્ટીફાઇડ નકલ
જવાબ:આણંદ જિલ્લામાં મહી નદીના પટમાંથી રેતી કાઢવા કોઇ પરવાના આપવામાં આવ્યાં નથી.
પ્રશ્ન –3 મહી નદીના પટમાંથી રેતી કાઢવા માટે પરવાનેદાર પાલન કરવાની તમામ શરતો માહિતી આધાર પુરાવા સાથે આપવી.
જવાબ:આણંદ જિલ્લામાં મહી નદીના પટમાંથી રેતી કાઢવા કોઇ પરવાના આપવામાં આવ્યાં નથી.
પ્રશ્ન – 4 આણંદ જિલ્લામાં વહેતી મહી નદીમાંથી હોડી મારફતે રેતી કાઢવાનું કૃત્ય કાયદેસર છે કે ગેરકાયદેસર જે અંગેની માહિતી આધારપુરાવા સાથે આપશો.
જવાબ: લીઝના પ્રવર્તમાન નિયમો કચેરીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
પ્રશ્ન -5 આણંદ જિલ્લાના મહી નદીના પટમાંથી લીઝની કામગીરી શરૂ કરવાનો અને બંધ કરવાનો સમય જણાવશો.
જવાબ:અન્વયે સાદી રેતી ખનીજની લીઝની રોયલ્ટી કાઢવાનો સમય સવારના 6થી સાંજના 6 કલાક સુધીનો છે.
પ્રશ્ન -6 આણંદ જિલ્લામાં ખેરડા ગામે ક્યાં ક્યાં સ્થળ પર આણંદ ખાણ – ખનિજ વિભાગે રેતી કાઢવા પરવાના ઇસ્યુ કરવામાં આવ્યાં છે.
જવાબ:આણંદ જિલ્લામાં ખેરડા ગામે રેતી કાઢવા કોઇ પરવાના આપવામાં આવ્યાં નથી.

Most Popular

To Top