કોઇપણ ધર્મ અને ધર્મગ્રંથ ઇશ્વરકૃત નહીં પરંતુ મનુષ્યકૃત છે પ્રકૃતિદત્ત માનવ સંસ્કૃતિ પરિવર્તનશીલ હોવાથી મનુષ્યકૃત એવા ધર્મ અને ધર્મગ્રંથો પણ પરિવર્તનશીલ છે. આજે સ્થળ, કાળ અને સંજોગ પ્રમાણે વિવિધ દેશોના બંધારણોમાં પરિવર્તન, સુધારા – વધારા શકય છે, તેમ આજે કાલગ્રસ્ત ધર્મગ્રંથો તો ફકત સંગ્રહસ્થાનોની શોભા સિવાય કશું જ નથી. ‘આકાશી કિતાબ’ શબ્દ વાંચીને આઘાત લાગ્યો. આજના આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ આપણા ઉચ્ચ શિક્ષિત વિદ્વાનો હજી કોઇ ધર્મગ્રંથને આકાશી કિતાબ માને છે. તેમાં આપણા પ્રાકૃતિક જગતને અને તદજન્ય માનવ સંસ્કૃતિને ધરાર નહીં સમજવાની અજ્ઞાન અથવા અંધશ્રદ્ધાયુકત ઝનૂની માનસિકતા સિવાય કશું જ નથી. જે માનવ સમાજ માટે આત્મઘાતક છે. યુદ્ધો એવી માનસિકતાની જ નીપજ છે.
કહેવાતી ઇશ્વરકૃત આકાશી તમામ કિતાબો માનવને શ્રેષ્ઠ માનવ બનાવવામાં આજે સદંતર નિષ્ફળ ગઇ છે. કારણ તે કિતાબો આકાશી અને અકૂર છે. ચમત્કારો ફકત પુસ્તકના પાનાઓમાં જ બને છે, કોઇએ આજના સમયમાં ભૂતકાલીન ભગવાન કૃષ્ણ સાથે વાત કરી હતી એવું કોઇ પુસ્તકમાં લખ્યું હોય તેથી તેને સાચું માની લેવામાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા સિવાય કશું જ નથી. કૃષ્ણ માનવ હતા અને માનવ માત્ર મૃત્યુને પાત્ર છે, કૃષ્ણ આજે જો હયાત હોય તો હજારો વર્ષની આપણી ગુલામીમાં કયાં ગયાં હતાં? નિર્બળ લોકો તથા નિર્દોષ અને માસુમ બાળકીઓ અને સ્ત્રીઓ પર અનરાધાર અમાનુષી અત્યાચાર જો કૃષ્ણ જોઇ જ રહેવાનાં હોય અને અટકાવવાના ન હોય તો એવા કૃષ્ણ હોય કે ન હોય શું ફેર પડે છે? અાવી નિરાધાર કાલ્પતિક અને અપ્રાકૃતિક માન્યતામાં સબડવામાં જ જો અધ્યાત્મ હોય તો એવા અધ્યાત્મનો સમાજને શો ફાયદો છે?
કડોદ – એન.વી. ચાવડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે