SURAT

આજે ગ્રીષ્માની આત્માને મળી હશે શાંતિ: કોર્ટની આ વાત સાંભળી તેના પરિવારજનોના મનનો ભાર..

સુરત: ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસમાં (GrishmaMurderCase) આજે બુધવારે તા. 21 એપ્રિલના રોજ કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યો છે. ફેનિલને દોષિત જાહેર કરતા પહેલાં કોર્ટે ગ્રીષ્માની હત્યાનો વિડીયો 35 વાર જોયો હતો. કોર્ટે કહ્યું, વિડીયો જોતા ક્યાંય એવું જણાતું નથી કે બંને વચ્ચે પ્રેમ હોય. માત્ર બંનેના સાથે ફોટા હોઈ તેનો અર્થ એ નથી કે બંને વચ્ચે પ્રેમસંબંધ હોય. આ સાથે જ કોર્ટે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમસંબંધ હોવાનો અને ગ્રીષ્માએ છોડી દેતાં ઘવાયેલા પ્રેમી ફેનિલે હત્યા કરી હોવાના બચાવ પક્ષની દલીલને નકારી દીધી હતી.

  • ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધ હતો એ ફોટા પરથી માની લેવાય નહીં: કોર્ટ
  • ગ્રીષ્માની હત્યાનો વિડીયો કોર્ટે 35 વાર જોયો, કહ્યું.. આમાં ક્યાંય પ્રેમ દેખાયો નહીં

આજે સવારે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે ફેનિલને ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું કે, ડિજીટલ પુરાવા આરોપીનો ગુનો સાબિત કરે છે. ગ્રીષ્માની હત્યાનો વિડીયો જોવો કોર્ટ માટે પણ મુશ્કેલ હતો, પરંતુ ન્યાય માટે તેને 35 વાર કોર્ટે જોયો છે. વ્યક્તિ ખોટું બોલે પરંતુ પુરાવા નહીં. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપીની માનિસકતા ક્રુર હતી. પ્રેમ હોય તેવું ક્યાંય દેખાતું નથી.

કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે, વિડીયો ઉતારનાર ફેનિલ કે ગ્રીષ્માને ઓળખતો ન હતો, પરંતુ આ કુદરતની ઈચ્છા હતી કે યોગ્ય ન્યાય તોળાય. તેથી જ વિડીયો અનાયાસે ઉતારી લેવાયો છે. જે આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો સાબિત થયો છે. વળી, બચાવ પક્ષની દલીલ છે કે ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધ હતો. ફેનિલને ઘવાયેલા પ્રેમી તરીકે રજૂ કરાયો છે, પરંતુ કોર્ટે બંનેના ફોટા જોયા છે. માત્ર તે ફોટાના આધારે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત માની લેવાય નહીં.

આમ, કોર્ટે ગ્રીષ્માના ચરિત્ર પર ઉઠતા સવાલોનો પણ અંત આણ્યો હતો. ગ્રીષ્માની હત્યા થઈ ત્યારથી જ તેના ચારિત્ર્ય પર આંગળીઓ ઉઠતી રહી હતી, જેના લીધે તેના પરિવારજનો દુ:ખી હતા. કોર્ટની આજના આ નોંધના પગલે ગ્રીષ્માની આત્માને શાંતિ મળશે જ્યારે તેના પરિવારજનોના મનનો ભાર ઘટવા સાથે દુ:ખ થોડું હળવું થશે. આ સાથે જ હત્યા જેવા ગંભીર ગુનામાં મૃત દીકરીના ચારિત્ર્ય પર કાદવ ઉછાળનારા સમાજની આંખ પણ કોર્ટે ખોલી નાંખી છે.

કોર્ટે ફેનિલને પૂછ્યું, તમને ‘સજા એ મોત’ કેમ નહીં આપવી?
આજે સવારથી જ ખીચોખીચ ભરેલા કોર્ટ રૂમમાં ભારે તણાવભર્યું વાતાવરણ હતું. સૌ કોઈ ફેનિલ અને કોર્ટ પર નજર માંડીને ઉભા હતા ત્યારે કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યો હતો અને પૂછ્યું હતું કે ‘તમને મૃત્યુદંડ કેમ નહીં આપવો?’ કોર્ટે આ સવાલ પૂછતાં જ સૌ કોઈની નજર ફેનિલ પર મંડાઈ હતી. કોર્ટે ફેનિલને પૂછ્યું, ‘નિ:સહાય હથિયાર વગરની યુવતી સામે મર્દાનગી બતાવી હત્યા કરી છે. તમે હથિયાર વિનાની યુવતીની હત્યા કરી તો કોર્ટ કલમથી તમારો વધ કેમ નહીં કરે?’ કોર્ટે આ સવાલ પૂછતાં જ કોર્ટરૂમમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ તરફ ફેનિલ નિરુત્તર થઈ ગયો હતો, તેણે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યાર બાદ કોર્ટે ફેનિલને પોતાની વાત કોર્ટ સમક્ષ મૂકવા અંતિમ તક આપી હતી. કોર્ટે વારંવાર ફેનિલને કહ્યું કે, તમારે છેલ્લી વખત કંઈ કહેવું હોય તો કહી શકો છે, છેવટે ફેનિલે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. તેની બોલતી બંધ થઈ ગઈ હતી. ચૂકાદો આવતીકાલ પર મુલત્વી રહ્યો છે. સરકાર પક્ષ દ્વારા આવતીકાલે ફેનિલને ફાંસીની સજા સંભળાવાય તેવી કોર્ટ સમક્ષ માંગણી કરવામાં આવશે. ગુનાની ગંભીરતા જોતા ફેનિલને આજીવન કેદ અથવા ફાંસીની સજા સંભળાવાય તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.

Most Popular

To Top