SURAT

ટ્યુશન જવા નહીં માંગતો બાળક ઘાબા પર સંતાયો ને પછી તેની લાશ મળી

સુરત : ગોડાદરામાં ટ્યુશને જવા બાબતે માતાએ મીઠો ઠપકો આપ્યા બાદ છ વર્ષનું બાળક ટ્યુશને જવાને બદલે પાડોશી ઘરમાંથી ટેરેસ ઉપર ગયો હતો, એક ધાબા ઉપરથી બીજા ધાબામાં જતા સમયે આ બાળક 2 હજાર લીટરની પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને પાણીમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. જો કે, બાળકની બેગ અને ચપ્પલ બહાર મળી આવ્યા હોય પોલીસ પણ અચંબામાં પડી છે. આ બાબતે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરાના સાંધીપણી સ્કૂલની નજીક ધીરજનગરમાં રહેતા વિષ્ણુભાઇ કમલેશભાઇ પટેલ (ઉ.વ.33) પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેમનો છ વર્ષનો પુત્ર સ્મીત માનસિક બિમાર છે અને છેલ્લા ઘણા દિવસથી તેની સારવાર પણ ચાલુ છે. સ્મીત ઘરની નજીક જ ધો.1માં ભણે છે અને ઘરની નજીક 100 થી 200 મીટરના અંદરે ટ્યુશન ક્લાસ જતો હતો. એક દિવસ પહેલા સ્મીતને તેની માતાએ ટ્યુશન ક્લાસ જવા માટે કહ્યું હતું. પરંતુ સ્મીતે ટ્યુશને જવાની ના પાડી દીધી હતી. માતાએ થોડી કડકાઇની સાથે પુત્રને ટ્યુશન તો જવું જ પડેને તેમ કહીને ટપાર્યો હતો. ત્યારબાદ સ્મીત બેગ લઇને ટ્યુશને જવા માટે નીકળ્યો હતો. સાંજે પાંચ વાગ્યે નીકળેલો સ્મીત સાત વાગ્યા સુધી પણ ઘરે નહીં આવતા તેની માતા નયનાબેનએ વિષ્ણુભાઇને ફોન કરીને કહ્યું કે, આપણો સ્મીત હજુ ઘરે આવ્યો નથી. વિષ્ણુભાઇએ પાડોશીઓને ફોન કરીને તપાસ કરવા માટે કહ્યું પરંતુ લાંબા સમય છતાં તે ઘરે આવ્યો ન હતો. નયનાબેનએ સ્મીતના ટ્યુશને જઇને તપાસ કરી હતી પરંતુ ત્યાં પણ તે મળી આવ્યો ન હતો.

આખરે ગોડાદરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા સમગ્ર ગોડાદરા પોલીસનો સ્ટાફ તપાસમાં જોતરાયો હતો. ચારથી પાંચ કલાકની જહેમત બાદ પાડોશીઓને સ્મીતની સ્કૂલબેગ અને ચપ્પલ ધાબા ઉપર પાણીની ટાંકી પાસેથી મળી આવ્યા હતા. તપાસ કરતા સ્મીત પાણીમાં પડ્યો હતો. સ્મીતને હોસ્પિટલ લઇ જવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે શરૂઆતમાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાદમાં બાળકની ડેડબોડી મળી આવતા અકસ્માત મોતનો ગુનો નોંધી પીઆઇ અશ્વિન ગામીતે તપાસ શરૂ કરી છે.

કેવી રીતે સ્મીત મળી આવ્યો..?
રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ગોડાદરા પોલીસને માહિતી આપતા પોલીસે અપહરણની ફરિયાદ લીધી હતી. પોલીસે બાળક જે સોસાયટીમાં રહેતો હતો તેની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ ફૂટેજમાં સ્મીત સોસાયટીની બહાર નીકળ્યો ન હતો. ત્યારબાદ પોલીસે રાત્રે જ સોસાયટીના અન્ય સભ્યોની મદદ લઇને તપાસ શરૂ કરી હતી. વિષ્ણુભાઇ જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં બે મકાન વચ્ચે એક સીડી જોઇન્ટ છે, એક ધાબા ઉપરથી બીજા ધાબામાં આસાનીથી જઇ શકાય તેમ છે. ત્યારે વિષ્ણુભાઇની પાડોશમાં જ રહેતા લોકોએ ધાબા ઉપર જઇને તપાસ કરી ત્યાં રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં પાણીની ટાંકી પાસે સ્મીતનું સ્કૂલબેગ મળી આવ્યું હતુ, આ ઉપરાંત ચપ્પલ પણ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાં કાણું પડી ગયુ હતું. સ્મીત ભુસ્કો મારીને ટાંકીમાં પડી ગયો હોય અને પાણીમાં ડુબી જવાથી તેનું મોત થયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

સ્મીત સંતાવવા ગયો અને અકસ્માતે ડુબી ગયો હોવાનુ અનુમાન
સ્મીત જ્યાં રહે છે તેના પાડોશીઓના જણાવ્યા પ્રમાણે સ્મીતને ટ્યુશને જવું ન હોવાથી તેને સંતાવવા માટે ધાબા ઉપર ગયો હશે. પાળી ઉપરથી બીજા ધાબામાં જવા માટે તેને ભુસ્કો માર્યો હશે પરંતુ પાણીની ટાંકીનું ઢાંકણુ તૂટી જતા તે ટાંકીમાં પડ્યો હોવાનું પણ અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે. બીજી તરફ સ્મીતના ચપ્પલ અને સ્કૂલબેગ પાણીની ટાંકીની બહાર મળી આવ્યા છે તે એક મોટો પ્રશ્નાર્થ છે. આ બાબતે પણ પોલીસે પરિવારના સભ્યોના નિવેદનો લઇને તપાસ શરૂ કરી છે.

નાના બાળકોને એકલા સ્કૂલે અને ટ્યુશને મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
શહેરમાં અનેક જગ્યાએ એક જ શેરીમાં અને સોસાયટીમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય છે. માતા-પિતા બાળકોને નજીકમાં જ ટ્યુશન ક્લાસીસે મોકલી દે છે, ટ્યુશન ક્લાસ ઘરની નજીકમાં જ હોવાથી ક્યારેક વાલીઓ જતા નથી અને બાળક હાથે જ જતુ રહે છે. પરંતુ આવું કરવું વાલીઓને બહુ નુકસાન કરે છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સ્મીતના માતા-પિતા સાથે બન્યો હોવાની ચર્ચા છે. સ્મીત જીદ્દી અને ગુસ્સાવાળા સ્વભાવનો હતો, માનસિક બિમાર હતો અને તેની સારવાર પણ ચાલતી હતી. ઘરથી માત્ર 200 મીટરના અંતરે જ ટ્યુશન ક્લાસ હોવાથી સ્મીત ક્યારેક એકલો જતો રહેતો હતો અને આવી જતો હતો. મંગળવારે સ્મીતની માતાએ તેને મીઠો ઠપકો આપીને ટ્યુશને જવા માટે કહ્યું હતું, પરંતુ રાત્રે ખબર પડી કે, સ્મીતની ડેડબોડી ધાબા ઉપરની પાણીની ટાંકીમાં છે, ત્યારે નયનાબેનના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઇ હોય તેવુ થઇ પડ્યું હતું.

Most Popular

To Top