Charchapatra

દેશ વેચે, દેશ જાય

દેશમાં ખાનગીકરણ અને વેપારીકરણનો પવન ફૂંકાયો છે. સરકારી કંપનીઓ, સંસ્થાઓ, એરપોર્ટ, રેલ્વે, બંદરો એમ અનેક ક્ષેત્રે વેચાણ કરી દઇ, કમાણી કરી લેવાની રીત ચાલી છે. હવે રેલ્વે સ્ટેશનના નામને પણ વેચી તંત્ર કમાણી કરશે. ઊંચી ઓફર આપનાર કંપનીનું નામ જે તે રેલ્વે સ્ટેશન સાથે જોડી દેવાશે. માત્ર બે શબ્દમાં બ્રાન્ડનું નામ અથવા કંપનીના લોગોનો ઉપયોગ કરવા દેવાશે. દેશભરમાં પહેલી વખત રેલ્વે સ્ટેશનના નામની સાથે બ્રાન્ડ નેમ જોડવા નિર્ણય લેવાયો છે. સરકારી કે જાણીતી કોર્પોરેટ કંપનીઓ રેલ્વે સ્ટેશનના નામની આગળ કે પાછળ પોતાની કંપનીનું નામ લગાડી શકશે. નામ અથવા તો પોતાની કંપનીના લોગોનો ઉપયોગ કરી શકશે. બ્રાન્ડીંગના માધ્યમથી રેલ્વેતંત્ર આવક ઊભી કરશે. એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ, ઓપન બીડ અથવા રિઝર્વ કિંમત નકકી કરી બ્રાન્ડીંગ માટે કોન્ટ્રાકટ અપાશે. સ્ટેશનના નામની આગળ કે પાછળ માત્ર ને માત્ર બે શબ્દોમાં જ કંપનીના બ્રાન્ડ નેમનો ઉપયોગ કરી શકશે. બ્રાન્ડીંગ માટે ઓછામાં ઓછું એક વર્ષ અને વધુમાં વધુ ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવશે.

આ રીતે નામ સાથે દામની કમાણી થશે. બ્રાન્ડનેમમાં કોઇ વ્યકિત કે કોમ્યુનિટી, જાતિ કે ધર્મના નામનો ઉપયોગ કરી શકાશે નહીં. સિગારેટ, તમાકુ, ડ્રગ્સ કે આસ્કોતેલ જેવી વસ્તુનું પણ બ્રાન્ડીંગ કરાશે નહીં. આજપર્યંત શહેરનાં નામ બદલાતાં રહ્યાં છે. હવે રેલ્વે સ્ટેશનોનાં નામે સાથે છેડતી થવાની છે. જમશેદજી તાતાનું તો ઔદ્યોગિક વિકાસ સાથે દેશસેવાનું કામજ એટલું મહાન હતું કે જેને પરિણામે તેમના નામ સાથે તે ઉદ્યોગધામ શહેરનું નામ ‘તાતાનગર’ સ્થાપિત થઇ ગયંુ. હવે ચિંતા એ વાતની છે કે આગળ જતા કંપનીઓ પોતાની બ્રાન્ડ નેમનો રેલ્વે ટિકિટ, રેલ્વે રિઝર્વેશન સેન્ટર, વેબસાઇટ, રૂટ કે રેલ્વેનો મેપ પર તો ઉપયોગ નહીં કરે ને? કેતન મહેતાની ફિલ્મ ‘ઓહ ડાર્લિંગ યહ હૈ ઇન્ડિયા’માં ક્રમે ક્રમે દેશને વેચી મારવાની દિશાનો નિર્દેશ થયો હતો. વેપારીવૃત્તિ અને સોદાબાજી પર રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી નિયંત્રણ રખાય તોજ દેશનું સ્વમાન સચવાય.
સુરત     -યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top