વલસાડ: (Valsad) મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે જીવનમાં આવો ટર્નિંગ પોઇન્ટ આવશે, ઘુંઘટમાંથી બહાર આવી મોડલિંગની (Modeling) દુનિયામાં આવી જઈશ. જીવનમાં (Life) ગમે ત્યારે શરૂઆત થઈ શકે છે, એવું 17 વર્ષના પુત્રની માતા એવી રૂઢીચૂસ્ત રાજસ્થાની પરિવારની પરિણીતા અને મિસિસ ઈન્ડિયાનો (Mrs. India) ખિતાબ મેળવ્યા બાદ દુબઈમાં યોજાનાર ઇન્ટરનેશનલ એસ.આર. કવીન મિસિસ ઇન્ડિયા પહેચાન મેરી કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરનારી સુનિતા રાવલે વલસાડમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.
- લગ્ન બાદ પણ સતત ઘુંઘટમાં રહેતી સુનિતાને બે વર્ષ પૂર્વે વલસાડમાં સાઉથ ગુજરાત ટોપ મોડલ સ્પર્ધા યોજાવાની જાણ થઈ
- મિસિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યા બાદ દુબઈમાં યોજાનાર ઇન્ટરનેશનલ કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કર્યુ
વલસાડના સર્કિટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા સુનિતા રાવલે પોતાની સફળતાની યાત્રા સંદર્ભે જણાવ્યું કે, ૧૯૮૬માં તેનો જન્મ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સિરોહી શહેરમાં થયો હતો. સામાન્ય રીતે મારવાડી સમાજ રૂઢિચુસ્ત અને પરંપરાઓમાં પરોવાયેલો સમાજ હોય નાનપણથી જ તેને પરંપરાઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. 15 વર્ષની થઈ ત્યારે મોટી બહેન સાથે સુનિતાના લગ્ન વલસાડમાં રહેતા રવિ રાવલ સાથે કરાવી દેવાયા હતા. લગ્ન બાદ પણ સતત ઘુંઘટમાં રહેતી સુનિતાને બે વર્ષ પૂર્વે વલસાડમાં સાઉથ ગુજરાત ટોપ મોડલ સ્પર્ધા યોજાવાની જાણ થતાં તેણે પતિની પરવાનગી લઇ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પોતાનામાં રહેલા ટેલેન્ટને કારણે તેણી વિજેતા થતાં મધ્યપ્રદેશમાં યોજાયેલી ઇન્ડિયાઝ ટોપ મોડલ સ્પર્ધામાં ભાગ લેતા મિસિસ ઈન્ડિયાનો ખિતાબ તેને મળ્યો હતો. ત્યારબાદ હવે દુબઈ અને મુંબઈમાં યોજાનાર ઇન્ટરનેશનલ લેવલના એસ.આર કવીન મિસિસ ઈન્ડિયા પહેચાન મેરી કોમ્પિટિશનમાં ગુજરાતમાંથી એકમાત્ર સ્પર્ધક તરીકે તેણે ભાગ લીધો છે. આ શોમાં તા. ૨૯ મે થી ૧ જૂન સુધી દુબઈમાં ગૃમિંગ અને ફોટો શૂટ રાઉન્ડ યોજાશે. જે બાદ તા. 3 જૂને મુંબઈમાં યોજાનારી સ્પર્ધાની ફાઇનલમાં શિલ્પા શેટ્ટી અને ઈશા કોપીકર નિર્ણાયકની ભૂમિકા ભજવશે. સુનિતા રાવલે જણાવ્યું હતું કે, આગામી મહિનામાં યોજાનારી સ્પર્ધાનો ટાસ્ક હોઈ એસ.આર. ક્વીન મિસિસ ઇન્ડિયાના ઇંસ્ટાગ્રામ પેજ પર જઇને સુનિતા રાવલના ઓફિસિયલ આઈડી પર જઇ ફોલો કરવા વલસાડવાસીઓને અપીલ કરી હતી.
કમ્યૂનિકેશન સ્કીલ ડેવલપ કરવાની મોટી ચેલેંજ હતી
મિસિસ ઇન્ડિયા ફેશન સ્પર્ધામાં આગળ આવવા માટે દેખાવ સાથે વાક ચાતુર્ય (કમ્યુનિકેશન સ્કીલ) અને જનરલ નોલેજ ખૂબ જરૂરી હતી. દેખાવ સારો હતો અને તેને મેકઅપથી પણ સારો કરી શકાય છે, પરંતુ વાક ચાતુર્ય મોટી ચેલેંજ હતી. સતત ઘુંઘટમાં જીવન વ્યતિત કરતી સુનિતા માટે આ મોટી ચેલેંજ હતી અને જેમાં તેણી ખરી ઉતરી અને સફળતાના શિખરો સિદ્ધ કર્યા છે.