Columns

ધારી લો કે તમને એક કરોડની લૉટરી લાગે તો..?!

એક જાણીતી હિંદી કહેવત છે: ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ..’ અચાનક દલ્લો મળે- લક્ષ્મીની તમારા પર કૃપા વરશે તો કેવો આનંદ આનંદ થઈ જાય! આવો અસીમ આનંદ આપણને અણધારી લૉટરી લાગે ત્યારે મળે અથવા તો કોઈ વસિયતમાં આપણા નામે મોટી રકમ મૂકી જાય. અકસ્માતે લૉટો-લૉટરી કે રેસના શોખીન હો તો એમાં જેકપોટ લાગે તો તમે ન્યાલ થઈ જાવ. જો કે ક્યારેક આ રીતે આવેલી લક્ષ્મી જલદી રીસાઈ પણ જતી હોય છે.

તાજેતરની આવી બે-ત્રણ સાવ વિરોધાભાસી ઘટના જાણવા જેવી છે. લોસએન્જિલસમાં રહેતી લાક્વેડ્રા નામની એક લેડી સુપરમાર્કેટમાં શોપિંગ માટે ગઈ હતી. ત્યાં એણે લૉટરીનું વેન્ડિંગ મશીન જોયું. જસ્ટ નસીબ અજમાવવા એણે 10 ડોલરની ટિકિટ લેવી હતી. એ મુજબ મશીનની કી-કળ દબાવવા ગઈ ત્યાં પાછળથી કોઈ વ્યક્તિ એને ધક્કો મારીને આગળ ચાલી ગઈ. આ રીતે ધક્કો વાગતા 10 ડોલરને બદલે લેડીનો હાથ 30 ડોલરની લૉટરીની કી પર અકસ્માતે દબાઈ ગયો. પેલી લેડીએ મોં મચકોડી 30 ડોલરની લૉટરી ખરીદવી પડી. એ ઈન્સ્ટંટ સ્ક્રેચ લૉટરી હતી. લેડીએ ટિકિટનો નંબર સ્ક્રેચ કર્યો-ઘસ્યો તો એ 10 મિલિયન ડોલર – આશરે 76 કરોડ રૂપિયાનો વિજયી નંબર હતો! આમ એક અજાણ્યાનો ધક્કાએ પેલી લેડીને કરોડો જીતાડી દીધા!

આવો જ એક કિસ્સો ગયા મહિને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેસ્ટ રાજ્યના સિડની શહેરની એક મહિલા સાથે થયો. એણે ‘ઑઝૉ લોટો’તરીકે જાણીતી લૉટરી ખરીદી. પછી એને અજાણ્યા લોકોના ફોન કૉલ્સ આવ્યા. થોડા E-Mails પણ આવ્યાં કે મૅમ, તમે આ લોટોનું પ્રથમ ઈનામ જીત્યા છો…. ઢીંકણી જગ્યાએ તમારી ઓળખ આપી- લૉટરીની વિગત પૂરી પાડી ઈનામની રક્મ મેળવી લો…. પેલી મહિલાને લાગ્યું કે કોઈ મજાક કરે છે-આવું તગડું ઈનામ મને થોડું લાગે? એણે ફોન કે E-Mail પર શરૂઆતમાં ખાસ ધ્યાન ન આપ્યું, પણ પાછળથી થયું : ‘ચેક તો કરવા દે. વારંવાર ઈનામ લઈ જવા માટે મારું માથું ખાતા આ લોકો છે કોણ?’ એણે પેલા લોકોને સામેથી ફોન કર્યો પછી એને ખબર પડી કે આ કોઈ મજાક નહોતી. ‘ઑઝો લોટો’ની એ ખરેખર વિજેતા હતી. …એ લોટરીની ઈનામી રકમ હતી 73 હજાર ડોલર એટલે કે આશરે 56 લાખ રૂપિયા!

ગયા પખવાડિયે લંડનની માર્ગરેટ મિશેલ નામની લેડીએ આશરે 350 કરોડ રૂપિયાના જેકપોટની લૉટરી ટિકિટ ખરીદી પછી એનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે એ ચેક કરવાનું યાદ ન આવ્યું. આમેય એને કંઈ ઈનામ મળશે એવી આશા પણ નહોતી. થોડા દિવસ પછી યાદ આવતા એણે લૉટરી વિક્રેતાને ફોન કર્યો તો એ આશ્ચર્યથી અવાક થઈ ગઈ. ‘એને 350 કરોડનો જેકપોટ લાગ્યો છે’ એવા સમાચાર મળ્યા. હરખની મારી માર્ગરેટ લૉટરી આયોજકની ઑફિસે પહોંચી તો બીજો આંચકો લાગ્યો. જેકપોટ એની ટિકિટને નહીં પણ એના નંબર જેવી સામ્ય ધરાવતી બીજી કોઈની ટિકિટને મળ્યું હતું!

આ બધાની વચ્ચે એવા તો અનેક કિસ્સા છે કે લૉટરી જીત્યા પછી કાં તો બેદરકારીથી વિજેતા ટિકિટ ફગાવી દે – ખોઈ નાખે કે પછી અકસ્માતે કપડાંની સાથે વૉશિંગ મશીનમાં ધોઈ નાખે! આવી ઘટનામાં અલ્લાહતાલા તો છાપરું ફાડીને દલ્લો આપે છે પરંતુ પછી એવું કંઈક બને કે પેલું ફાડી નાખેલું છાપરું રિપેર કરવાની રકમના ફાંફાં પડી જાય…. અહીં આપણા જીવનમાં અચાનક આવતી લક્ષ્મી કે સમૃદ્ધિને કઈ રીતે સાચવવી-એની જાળવણી કરવી એ મહત્ત્વનો મુદ્દો છે. પત્રકારોનો એક માનીતો પ્રશ્ન છે, જે આપણને ઘણી વાર પૂછાય છે : ‘ધારી લો કે તમને 1 કરોડ રૂપિયાની લૉટરી લાગે તો શું કરો?’ એ વખતે તો મોટાભાગના લોકો આવા ‘ધારી લો’ પ્રકારના પ્રશ્નનો જે જવાબ આપે છે એ મોટાભાગે આદર્શવાદી વધુ હોય છે પરંતુ વાસ્તવમાં એનો અમલ ભાગ્યે જ થાય છે. છેલ્લામાં છેલ્લા એક વૈશ્વિક સર્વેક્ષણ અનુસાર: લોટરીની રકમ 1 મિલિયન (10 લાખ) હોય કે પછી 500 મિલિયન, 70 % વિજેતા એ બધી જ રકમ 5 વર્ષમાં આડેધડ ખર્ચમાં કે પછી ખોટા રોકાણમાં વેડફી નાખીને પૈસેટકે પાયમાલ થઈ જાય છે. હવે ધારી લો કે ખરેખર તમને રૂપિયા એકાદ કરોડ કે એથી વધુ રકમનો દલ્લો મળી જાય ત્યારે હકીકતમાં શું કરવું જોઈએ?

આર્થિક નિષ્ણાતો અને કુશળ ફાઈનાન્શલ પ્લાનર્સ એક બરછટ છતાં સચોટ સલાહ એ આપે છે કે ‘લૉટરી વિજેતા કંઈ આપોઆપ સ્માર્ટ – અચ્છો રોકાણકાર નથી બની જતો! માથા પર બરફની પાટ મૂકીને એણે શાંતિથી અચાનક આવેલી તગડી રકમ- મૂડી ક્યાં રોકવી એનો વિચાર કરવો પડે અને એ મુજબ આયોજન પણ કરવું પડે…’. મોટી રકમ હાથમાં આવે એટલે સહેજે છે કે કોઈને પણ વિચાર આવે કે એને કોઈ સારી સ્કિમમાં રોકીને રકમનો ગુણાકાર કરીએ પણ સારી બચત કે રોકાણ યોજના એટલે શું? આવી યોજના ન મળે તો બની શકે કે કોઈ ખોટી સ્કિમમાં તમારું રોકાણ અટવાઈ જાય ને તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ ગુમાવો. કેટલાક આર્થિક નિષ્ણાત કહે છે કે આવી તાજી ધનપ્રાપ્તિ વખતે શ્રેષ્ઠ માર્ગ એ છે કે એ નાણાંનો ગુણાકાર કરવાની લાલચ બાજુએ ધકેલીને એને બૅન્કના ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટમાં અમુક નિયત સમય સુધી મૂકી દો આથી નવાં નાણાંને તાબડતોબ કામે લગાડવાની લાલચથી બચશો ને અમુક સમય પછી બની શકે બચત બમણી કરવાની તમને સારી ને ઉપયોગી સ્કિમનું માર્ગદશર્ન પણ મળી આવે….

લક્ષ્મીજીની આવી આકસ્મિક પ્રાપ્તિ પછી બીજું ભયસ્થાન, જે મોટાભાગનાને નડે છે એ છે રાતોરાત ફૂટી નીકળતા તમારા કહેવાતા નજીકનાં સગાં-વહાલાં ને ‘બાળપણ’ના મિત્રો…! એમની ‘કટોકટી’ માટે તમે ‘લાઈવ– જીવંત ATM’ છો. સાચુકલી તકલીફમાં હોય એવા સંબંધી-મિત્રને મદદ કરવી ગમે ને કરવી પણ જોઈએ પણ તાત્કાલિક અને આડેધડ આર્થિક સહાય કરવા જતાં તમને થયેલી ધનપ્રાપ્તિ ખોટી દિશામાં ખેંચાઈ જશે. આવા સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય શું? સિમ્પલ… આંખની શરમ રાખ્યા વગર એ બધાને સિફતથી સારા શબ્દોમાં કહી દો: ‘હમણાં તો એ રકમમાંથી અમુક તો ચોકકસ સમય સુધી ફિક્સમાં મૂકી છે ને બાકી ઈન્વેસ્ટ કરી દીધી છે એટલે એને તો હમણાં ‘અડી’ પણ શકાય તેમ નથી…’ આ પછી મોટાભાગના કહેવાતા સ્વજન- મિત્રો ખરી જશે… અને હા, તમને લાગે કે આ ચોક્કસ જણને ખરેખર આર્થિક રીતે ઉપયોગી થવા જેવું છે તો એમને જરૂર મદદરૂપ થજો. અહીં બે વાત જરૂર યાદ રાખવા જેવી છે. એક: મોટાભા થવા જતાં ભંડાર તો કુબેરનાય ખૂટી જાય. અને બે: ખરે સમયે કામ ન લાગીએ તો મિત્ર-સ્વજન શાના? આપણી સમયસરની સહાયતા બની શકે કે એમના માટે અમિતાભના પેલા KBC શો જેવી ‘લાઈફલાઈન’ પણ બની જાય…!

આ બધા વચ્ચે હકીકત કે વાસ્તવિકતા એ છે કે મની અર્થાત પૈસા સાથે આપણી લાગણીઓ સંકળાયેલી હોય છે, જે અચાનક મળેલાં નાણાં કે અનાયાસ થયેલી આવકને કઈ દિશામાં લઈ જવી એ પરોક્ષ રીતે નક્કી કરે છે. આવું તારણ ગયા વર્ષે ‘જર્નલ ઑફ ઈકોનોમિક્સ ઈશ્યુઝ’એ રજૂ કર્યું છે. એના અનુસાર,જે લોકો પહેલેથી બચત કરતા હતા એને આવી અણધારી આવક થાય તો એ સૌ પ્રથમ બચત પર જ ધ્યાન આપશે. જેમને સેવિંગ-બચતની આદત જ નથી એ અચાનક મળેલી વધારાની રકમ ખોટી દિશામાં વાપરી નાખશે. કુદરતી આફ્ત પછી મળતી સરકારી સહાય મોટેભાગે આડીઅવળી જ વેડફાઈ જતી હોય છે. વર્ષો પહેલાં મહારાષ્ટ્રના લાતુર ભૂકંપની સહાયતા ગામલોકોએ આવી જ રીતે ગેરવલ્લે વાપરી-વેડફી નાખી હતી.

આમ લૉટરી-જેકપોટ કે પછી વારસામાં મળેલી અણધારી આવકનો સદુપયોગ કઈ રીતે કરવો એ મુંબઈના ગૌરવ મશરુવાળા પાસેથી જાણવા જેવું છે. ગૌરવભાઈ ભારતના ફર્સ્ટ બેચના સર્ટિફાઈડ ફાઈનાન્શયલ પ્લાનર તરીકે પંકાયેલા છે. અચાનક તમારા પર મા લક્ષ્મીની અમીદ્રષ્ટિ થાય ત્યારે યોગ્ય આયોજન દ્વારા કઈ રીતે સંપત્તિનું વિશેષ સર્જન કરી એને સુરક્ષિત રાખવી એનું સચોટ અને મુદ્દાસર માર્ગદર્શન ગૌરવભાઈ આપે છે. એ કહે છે: ‘અણધારી સંપત્તિ મળે ત્યારે આપણી ધરબાયેલી ઈચ્છાઓ આળસ મરડીને બેઠી થાય. એમાં કશું ખોટું નથી. વૈભવી કાર લેવાની ઈચ્છા થાય – મોટો ફ્લેટ લેવાનું મન થાય-વિદેશ પ્રવાસનું અધૂરું સપનું પૂરું કરવાની પણ લાલચ જાગે.. આ બધું સહજ છે પણ પહેલું કામ તમારી કોઈ પણ પ્રકારની લૉન હોય કે તેના હપ્તા ચાલતા હોય તો એને વહેલી તકે પરત કરી એના વિષચક્રમાંથી બહાર આવી …યોગ્ય જગ્યાએ મૂડીરોકાણ કરો.

આવે વખતે ‘તમારા પૈસાનો ટૂંક સમયમાં અનેક ગણો ગુણાકાર કરી દેશું’ એવાં સપનાં દેખાડતાં લોકો તમને ઘેરી વળશે. એને તરત કોઠું ન આપો. …આર્થિક આઝાદી મળે એટલે ભલભલાને શેરબજારમાં શૂરવીર થવાનું ભૂત ભરાય. સ્ટોક માર્કેટની આંટીઘૂંટીથી તમે માહિતગાર હો તો ઠીક, બાકી તેજીવાળા શેરની લે-વેચમાં ચીલઝ્ડપ બતાવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો. ત્યાં તમારાથી વધુ અનુભવી ને નિષ્ણાત લોકો બેઠા છે. તમારો પોર્ટફોલિયો એમને સોંપી દો અને તમારી નવી સંપત્તિના આયોજનમાં કોઈ સારા ફાઈનાન્શયલ પ્લાનરનું માર્ગદર્શન લો…’-અને આની સાથોસાથ ગૌરવ મશરુવાળા એ પણ તાકીદ કરે છે કે તમે જો કાર્ય-નિવૃત્તિકાળ તરફ આગળ વધી રહ્યા હો તો આગામી એ વર્ષોની નિયમિત આવક તેમ જ વૃધ્ધાવસ્થાની માંદગીને ધ્યાનમાં રાખીને હેલ્થ ઈન્શ્યોરન્સ-વીમાની પણ આગોતરી તૈયારી કરી રાખવી જોઈએ… ટૂંકમાં, અચાનક મળેલાં દલ્લાથી જીવનને વૈભવી જરૂર બનાવો પણ એનાથી છકીને વિલાસી નહીં !

Most Popular

To Top