સુરત(Surat) : કુખ્યાત સજ્જુ કોઠારીનો (Sajju Kothari) ભાઇ આરીફ કોઠારી છેલ્લા કેટલાક દિવસથી પોલીસ (Police) ચોપડે વોન્ટેડ (Wanted) છે. આરીફ કોઠારી જીલાની બ્રિજ (Jilani Bridge) પાસે આવેલી સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં બેઠો છે તેવી પોલીસને બાતમી મળી હતી. આ બાતમી મળતા ડી-સ્ટાફના પીએસઆઇ હડિયા ચાર કોન્સ્ટેબલને લઇને આરીફ કોઠારીને દબોચી લીધો હતો.
પીએસઆઇ હડિયાએ આરીફને પકડતાની સાથે જ ઝૂંપડપટ્ટીમાં 100થી વધુ માણસ 5 પોલીસ સામે ધસી આવ્યા હતા. અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસને પોતાનો જીવ બચાવવા માટે સંતાઇ જવું પડ્યું હતું. તેવામાં પોલીસે પકડેલો આરીફ પોલીસનાં કપડાં ફાડી ભાગી ગયો હતો. અને બાદ સ્થળ પર પોલીસ કુમક ધસી ગઇ હતી. પરંતુ આરીફ ભાગી જવામાં સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સજ્જુ કોઠારી અને તેનો ભાઇ આરીફ તેમજ તેમના સાગરિતો પોલીસ ઉપર હુમલો કરવામાં માહિર છે તે વાત આખુ શહેર જાણે છે. તેમ છતાં માત્ર ચાર પોલીસ તેને પકડવા ગઇ હતી. આ બાબત જ હાસ્યાસ્પદ છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વિરોધ કરવાના હોય ત્યારે તેઓ નેતા નહીં પણ આરોપી હોય તેમ આખી ફોજ ખડકી દેવામાં આવે છે અને રીઢા ગુનેગારને પકડવા પોલીસ એકલી દોડી જાય છે.
માથાભારે સજ્જુ કોઠારીના રિમાન્ડ પુરા થતા લાજપોર જેલ ધકેલાયો
સુરત : સરકારી જગ્યા પચાવી પાડીને જુગારધામ શરૂ કરનાર સજ્જુ કોઠારીના રિમાન્ડ પુરા થતા તેને લાજપોર જેલમાં મોકલાયો હતો. આ કેસની વિગત મુજબ નાનપુરામાં માથાભારે સજ્જુ કોઠારીએ સરકારી જગ્યા પચાવી પાડી હતી. ચારેય તરફ દિવાલ બનાવીને ત્યાં જુગારધામ શરૂ કરી દીધુ હતું. આ મામલે કલેક્ટરે પોતાનો સુઓમોટો પાવર વાપરીને ફરિયાદ નોંધાવી હતી, સાથે જ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે સુરત મનપાને જાણ કરી હતી. આ ગુનામાં પોલીસે સજ્જુ કોઠારીની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ લીધા હતા. આજે તેના રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરીને લાજપોર જેલમાં મોકલી દેવાયો હતો.