વલસાડથી પસાર થતી ટ્રેનમાં ચોરી લૂંટ-ફાટ અને દારૂની હેરાફેરી ખુલ્લેઆમ થઇ રહી છે. પોલીસ પણ આવા ગુનેગારોને અને બુટલેગરોને જોઇને મોં ફેરવી લેતી હોય છે. આવી જ એક ઘટના ગત રાત્રે બની હતી. વલસાડથી પસાર થતી સયાજીનગરી એક્સપ્રેસમાં દારૂ પીને આવેલા બે ઇસમોએ ધમાલ મચાવી હતી. જેની જાણ કરવા છતાં પોલીસ આવી જ ન હતી. જેના પગલે મુસાફરોએ ચેન પુલિંગ કરી 30 મિનિટ સુધી ટ્રેન અટકાવી પડી હતી.
મુંબઇ સયાજી નગરી એક્સપ્રેસના કોચ નં. એસ-10માં ગતરોજ વાપીથી અંકલેશ્વરની ટિકીટ લઇને અંકલેશ્વરમાં રહેતો અનુજ રાજકુમાર સીંગ રોલ (ઉ.વ.25) અને ચંદ્રભાન સીતારામ ભુનકર (ઉ.વ.25) ચઢ્યા હતા. તેઓ દારૂની બોટલ સાથે અને ચિક્કાર નશો કરી ટ્રેનમાં ચઢ્યા હતા. તેમણે મહિલા મુસાફરો સાથે બેહુદુ વર્તન કરતાં મુસાફરોએ તેમને ઘેરી લીધા હતા અને પોલીસને જાણ કરી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચ્યા બાદ રાહ જોવા છતાં પોલીસ નહીં આવતાં મુસાફરોએ ચેઇન પુલિંગ કરી ટ્રેનને અટકાવી પડી હતી.
તેમ છતાં પણ પોલીસ નહીં પહોંચતા ટ્રેન નવસારી પહોંચી, ત્યારે આ બંને દારૂડિયાને નીચે ઉતાર્યા હતા. નવસારી પર પોલીસ બંનેને લેવા પહોંચતા લોકોએ તેમને આડે હાથે લઇ પકડવા કેમ નહીં આવ્યાનો આક્રોષ ઠાલવ્યો હતો. ત્યારબાદ પોલીસે બંને આરોપીને પકડી તેમની વિરૂદ્ધ વલસાડ રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં મુસાફરોની ભૂલ દર્શાવી રેલવે પોલીસે ચામડી બચાવી
રેલવે પોલીસે નોંધેલી ફરિયાદમાં જણાવ્યું કે, વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચી ત્યારે સ્ટેશન માસ્તરે એસ-10 કોચ એટેન કરવાનું એનાઉન્સ કરતાં પોલીસ તો પહોંચી હતી, પરંતુ ટ્રેનના મુસાફરોએ આ પિધ્ધડોને નીચે ઉતરવા દીધા ન હતા. જેના કારણે તેમને નવસારી ઉતારાયા હતા. બીજી તરફ આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં મુસાફરો પોલીસે કેમ મોડા આવ્યા તેવો આક્રોષ ઠાલવી રહ્યા છે. આખી ઘટનામાં રેલવે પોલીસ ચામડી બચાવતી જોવા મળી હતી. તેમણે કોઇપણ મહિલાની છેડતી કે અન્ય કોઇપણ પ્રકારનો ગુનો પિયક્કડો વિરૂદ્ધ દાખલ કર્યો ન હતો