સુરત : (Surat) સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક મેડીકલ સ્ટોરમાં દવા લેવા ગયેલા ગ્રાહક સાથે મેડીકલ સ્ટોરના સંચાલક બંધુઓએ ગેરવર્તન કરી તેને ઢીકામુક્કાનો માર માર્યો હતો, જેના લીધે ગ્રાહકને ફ્રેક્ચર થઈ ગયું હતું અને હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થવું પડ્યું હતું. આ મામલામાં ગ્રાહકે મેડીકલ સ્ટોરના સંચાલક બંધુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે પુરાવાના આધારે મેડીકલ સ્ટોરના સંચાલક બંધુઓ વિરુદ્ધ સજાનો હૂકમ કર્યો છે.
- 10 વર્ષ પહેલા ઘોડદોડ રોડ ઉપર મેડીકલ સ્ટોરમાં દવા લેવા ગયેલા ગ્રાહકને માર મારીને ઘૂંટણમાં ફ્રેક્ચર કરી દેવાની ઘટનામાં મેડીકલ સ્ટોર સંચાલક બંધુઓને દોઢ વર્ષની કેદ અને 1 હજારનો દંડ કરવાનો હુકમ કરાયો હતો
આ કેસની વિગત મુજબ ગત તા. 06-11-2010ના રોજ રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ ઉપર રહેતા વિશાલસિંગ ઇશ્વરસિંગ રાવ તેમજ અન્ય લોકો ઘોડદોડ રોડ ઉપર પીઝાહટની સામે રાજહંસ મેડીકલ સ્ટોર્સમાં (Medical Stores) દવા (Medicine) લેવા માટે ગયા હતા. આ દરમિયાન તેના માલિક અનિલ રમેશચંદ્ર પલસાણાવાળા અને તેનો ભાઇ સંજય પલસાણાવાળાએ દવાના આખા પડીકા જ આપ્યા હતા. પરંતુ ગ્રાહકોને (Customer) ઓછી દવા લેવાની હોવાથી તેઓની વચ્ચે માથાકૂટ થઇ હતી. સંજય અને અનિલે બહાર આવીને વિશાલસિંગને માર માર્યો હતો અને ફ્રેક્ચર (Fracture) કરી નાંખ્યું હતું.
આ બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) કરવામાં આવી હતી. સરકારી વકીલ જ્યોતિબેન પટેલે દલીલો કરીને આરોપીઓને સજા કરવા જણાવ્યું હતું. 10 વર્ષ ચાલેલા આ કેસમાં કોર્ટે ચૂકાદો આપતા અનિલ તેમજ સંજય પલસાણાવાળાને તક્સીરવાર ઠેરવ્યા હતા. કોર્ટે (Court) પોતાના ચૂકાદામાં નોંધ્યું કે, આરોપીઓએ ફરિયાદીને પકડીને ફેંકી દેતા ડાબા પગમાં ઇજા થઇ હતી. આ ઉપરાંત આઇપીસી-320ની વ્યાખ્યા જોતા તેમાં હાડકા કે દાંત ભાગી જવાની મહાવ્યથા દર્શાવાય છે. ફરિયાદને થયેલી ઇજા મહાવ્યથામાં આવે છે. કોર્ટે બંને ભાઇઓને દોઢ વર્ષની કેદની સજા તેમજ 1 હજારનો દંડનો હુકમ કર્યો હતો.