નડિયાદ: માતર તાલુકામાં તલાટીઓના મહેકમ મુજબ ભરતી કરવામાં ન આવતા તલાટીઓની ખેંચ પડી રહી છે. એક તલાટીને બે થી વધુ ગામોનો વધારાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. તલાટીની અનિયમિતતાને કારણે ગ્રામજનો પરેશાન થઇ ગયા છે. વિકાસની વાતો વચ્ચે સરકાર દ્વારા ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેને કારણે કેટલાક સરકારી કર્મચારીઓની હાલત કફોડી બની છે. કેટલીય જગ્યાએ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપી બે થી ત્રણ માણસોની જવાબદારી એકના જ શીરે થોપી દેવામાં આવી છે. આવી જ સ્થિતી માતર તાલુકામાં જોવા મળી રહી છે. માતર તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં તલાટીઓને નિમણુંક આપવામાં આવી નથી. ૪૬ ગામ વચ્ચે હાલમાં માત્ર ૧૯ જ તલાટી છે. જેના કારણે વહીવટી કામગીરીમાં દેખીતી રીતેજ ખેંચાખેચ ચાલી રહી છે. નેતાઓ પોતાના કામો માટે તલાટીઓને હાજર રહેવાનું ફરમાન આપે છે. પરિણામે કર્મચારીઓમાં પણ ભારે તણાવ જોવા મળી રહ્યો છે. અઠવાડિયામાં બે દિવસ તાલુકામાં હાજરી ભરાતા તલાટીઓ માટે સપ્તાહના ચાર દિવસમાં ત્રણ ગામોના સ્થાનિક ગ્રામજનોને અને તેમના કામોને ન્યાય આપી શકાતો નથી. પ્રત્યેક ગામોમાં તલાટી ન હોવાની બૂમો ઉઠે છે. કર્મચારીઓ પણ મૂંઝાય છે. ચાર્જ ઉપરાંત તાલુકા અને જિલ્લાની કામગીરી ઉપરાંત સરકારના કાર્યક્રમોમાં હાજરી અને લોકોને ભેગા કરવાની જવાબદારીથી વહીવટ ભેખડે ભરાયો છે અને આમ પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે.
માતર તાલુકાના 46 ગામોમાં માત્ર 19 તલાટી એમાંય એકાદ બે બિમારીના કારણોસર તો ક્યારેક કોઇ અન્ય કારણોસર ગેરહાજર હોય છે. કેટલાક જિલ્લા – તાલુકાની મુલાકાતમાં જતા હોય ત્યારે ગ્રામ પંચાયતોની ભેકાર કચેરીઓમાં પ્રજાના કામ અભેરાઇ પર મૂકાઇ જાય છે. સરપંચ જાણતા હોય કે તલાટી ક્યાં છે, પણ પંચાયતના નાગરિકો પંચાયતમા ધક્કા ખાય ત્યારે જ સાચી પરિસ્થિતિ જાણી શકે છે. ગ્રામ પંચાયત લેવલે જરૂરી એવા દસ્તાવેજો અને સહી સિક્કા નાગરિકોના ખિસ્સાના સિક્કા ખાલી કરાવે છે. શહેરમાં રહેતા નાગરિકો ગામમાં કામ માટે આવે ત્યારે તલાટીની ગેરહાજરી અકળાવનારી હોય છે. છેલ્લા લાંબા સમયથી માતરની પ્રજાને પડી રહેલી હાલાકીનો સરકાર દ્વારા સત્વરે ઉકેલ લાવવામાં આવે તેવી લાગણી ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.