SURAT

હજીરાના દરિયા કિનારે ઓઈલ તણાઈ આવતા પ્રદૂષણ ફેલાયું, દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ

સુરત: (Surat) આજે ગુરૂવારે તા. 14 એપ્રિલ 2022ના રોજ સવારે હાઇટાઈડ (High Tied) દરમિયાન હજીરા (Hazira) કાંઠાના દરિયા (Sea) કિનારાના વિસ્તારોમાં દરિયામાંથી ઓઇલ (Oil) તણાઇને કિનારે આવી જતાં સમગ્ર દરિયાઈ પટ્ટી પર ઓઈલના થર બાઝી ગયા હતા.ઔદ્યોગિક ઓઇલ પ્રસરવાને કારણે દરિયાઈ પર્યાવરણ, માછલીઓ, જળચર જીવો પર ઘાતક અસરો પડી છે. આ ઓઈલ દરિયામાં ફેલાઈ જવા બાબતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ (જીએમબી) પોર્ટ ઓફિસર, ડીજી શિપિંગ, જિલ્લા કલેકટર, પર્યાવરણ વિભાગ ગાંધીનગર અને જીપીસીબીને પર્યાવરણવિદ એમએસએચ.શેખ, દિપક ડી. પટેલ, હજીરાવિસ્તારની માછીમારી કરતી સંસ્થાઓ, સ્થાનિકો અને માછીમારોએ ફરિયાદ કરતાં કોસ્ટ ગાર્ડ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.

કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટર સેપ્ટર બોટ મોકલી દરિયામાં ઓઇલ લીકેજનું સ્ત્રોત શોધવામાં આવી રહ્યું છે. મગદલ્લા ગ્રુપ ઓફ પોર્ટ્સના જીએમબી પોર્ટ ઓફિસર દ્વારા પણ આ પ્રદૂષણનું મૂળ શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક કંપનીઓએ પણ કિનારા બચાવવા માટે લેવાના પગલાં માટે આયોજન કયું છે. બ્રેકિશ વોટર રિસર્ચના એમએસએ.શેખ. હજીરા માછીમાર સમિતિ હસમુખભાઇ ડી રાઠોડ, હજીરા કાંઠા વિસ્તાર ઔધોગિક પ્રદૂષણ નિવારણ સમિતિના
દિપક ડી પટેલ, હજીરાના સામાજિક કાર્યકર ઠાકોરભાઈ વલ્લભભાઈ ખલાસી સહિતના આગેવાનોએ દરિયાકાંઠાના વાતાવરણના રક્ષણની વિવિધ જોગવાઈઓ હેઠળ આ પ્રદૂષણ ફેલાવનાર સ્ત્રોત શોધી કાઢવા કોસ્ટ ગાર્ડ અને સંબંધિત સરકારી વિભાગો સમક્ષ માંગ કરી છે તથા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઓઈલ ઢોળાયું તે ટ્રેક કરવામાં નિષ્ફળ રહેલી વીટીએમએસ રડાર સિસ્ટમ સામે પણ તપાસની માંગ
પર્યાવરણવિદ્ એમએસએચ શેખે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત સમુદ્રના દરિયાઇ વન્યપ્રાણી, માછીમારી અને દરિયાકાંઠાના વાતાવરણને થતા નુકસાનથી બચવા માટે આ મામલે તલસ્પર્શી તપાસ યોજી કસુરવારો સામે કાર્યવાહી થવી જોઈએ. તેમજ VTMS રડાર સિસ્ટમ ઓઇલના ફેલાવને ટ્રેક કરવામાં નિષ્ફળ રહેતા ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. વધુમાં શેખે જણાવ્યું હતું કે, જહાજોની દેખરેખ કરવા જીએમબીએ લગાડેલા VTMS રડાર સિસ્ટમ આ ઓઇલ ફેલાવને ટ્રેક કરવામાં નિષ્ફળ રહેતા તેની સામે પણ તપાસ થવી જોઈએ. કિનારે આવેલા ઓઇલને નિયમો મુજબ સાફ કરવા માટે પગલાં ભરવા અને ઓઇલ દૂર કરવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

મગદલ્લાના આઉટર પોર્ટ પરના જહાજોએ ઓઈલ દરિયામાં ઢોળ્યું હોવાની આશંકા
આગેવાનું કહેવું છે કે, આ ઓઇલ દરિયામાં આવેલ મગદલ્લા આઉટર પોર્ટ પર લાંગરેલા જહાજોએ બ્લીજ તરીકે ઓળખતો ઓઈલી કચરો દરિયામાં નાખતા આ ઓઇલ પ્રસરી સુરતના દરિયાકિનારા પર આવી ગયું હોઈ શકે છે. જે માટે તપાસ કરી જવાબદાર શીપ સામે શિપિંગ એક્ટના નિયમો અને દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે વહાણના માલિકો સામે તપાસની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top