આણંદ : ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરાયેલા પથ્થરમારામાં સ્લીપર મોડ્યુલ ખુલ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં ખુલેલી હકિકતમાં ખુદ પોલીસ પણ ચોંકી ગઇ છે. હિન્દુ તહેવારમાં ક્યારેય શોભાયાત્રા ન નિકળે તે માટે ત્રણથી ચાર દિવસ પહેલા જ આયોજન ઘડાઇ ગયું હતું અને તેના માટે જિલ્લા બહારના લોકોની પણ મદદ લેવામાં આવી હતી. હાલ આ અંગે કુલ 11ની અટક કરવામાં આવી છે, જેમાં 9ના રિમાન્ડ લેવામાં આવ્યાં છે. ખંભાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારામાં આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસના સુપરવિઝન હેઠળ ત્રણ ટીમ બનાવી વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા આરોપીઓના મોબાઇલની ફોરેન્સીક રીકવરી કરવામાં આવી હતી.
જેમાં ડિલીટ કરેલા ચેટ તેમજ કોલ રેકોર્ડીંગમાં ચકચારી પુરાવા મળી આવ્યાં હતાં. ઘણા સમયથી સોશ્યલ મિડિયામાં ઉશ્કેરણી જનક વિડીયો તેમજ મેસેજ જોઈને પૂર્વ આયોજીત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે હિન્દુ સમાજ તરફથી તહેવારો દરમિયાન સરઘસ તેમજ શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે. જે બંધ કરાવી દેવાના આશયથી અને વિસ્તારમાં મુસ્લીમ સમુદાયનું પ્રભુત્વ ઉભુ કરવા માટે આ શોભાયાત્રાને નીકળતી સમયે જ હુમલો કરી ભવિષ્યમાં શોભાયાત્રા ન નિકળે તેવો સબક શીખવવા અચાનકથી પ્રચંડ જીવલેણ હુમલો કરી ડરનો માહોલ ઉભો કરવા નક્કી કરાયું હતું. પૂછપરછ તેમજ ડિજીટલ એવીડન્સમાં પણ આખા ષડયંત્રનો ભેદ ખુલ્યો હતો. ખંભાતમાં પ્રભુત્વ બતાવવા અને ખ્યાતી મળે તેવી વિકૃત માનસિકતા સાથે કાવતરૂ ઘડ્યું હતું. આ આયોજન અતિ ખાનગી રીતે પોતાની સાથેના પાંચથી સાત જણને ફક્ત જરૂરી માહિતી જ સ્લીપર મોડ્યુલ તરીકે આપી હતી.
જેલમાં જનારા તમામના પરિવારની જવાબદારી રઝાક હુસેને સ્વીકારી હતી
પથ્થરમારાના મુખ્ય સુત્રધારો દ્વારા છેલ્લા બે – ત્રણ દિવસમાં જુદી જુદી જગ્યાએ અત્યંત ખાનગી રાહે બેઠક કરવામાં આવી હતી અને દરેક મુખ્ય કાવતરાખોરોએ અલગ અલગ જવાબદારીઓ ઉપાડી હતી. જેમાં બનાવ બન્યા બાદ આરોપીઓને સંતાડવા, નાસતા ફરતા હોય તે સમયે રહેવાની વ્યવસ્થા કરવી, અટક થયા બાદ કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરવી, આરોપીઓના કુટુંબીજનોને આર્થીક મદદ કરવી, આ ગુનો થયા બાદ જે પણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેનો તમામ ખર્ચ રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મૌલવી અયુબ મલેક (રહે.મલેકપુર) ઉપાડશે. તેવું નક્કી થયું હતું. આ ખર્ચની રકમ માટે મસ્જીદ તેમજ વિસ્તારમાં ચાદર ફેરવી ફંડ ઉભુ કરવામાં આવશે. આ લોકોના જિલ્લા બહાર કેટલાક આવી માનસિકતા ધરાવતા લોકો સાથે પ્રાથમિક સંપર્કો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
પથ્થરમારામાં કોણ કોણ જોડાયું ?
વાસીલ વાહીદ મલેક (રહે.શક્કરપુર), સાદાબ મયુ મલેક (રહે.શક્કરપુર), તારીખ ઉર્ફે ગલ્લાવાળો યુસુફ મલેક (રહે.શક્કરપુર), વસીમ રસીદ મલેક (રહે.શક્કરપુર), મુબીન ઉર્ફે મુબલા મુનાફ મલેક (રહે.શક્કરપુર), સાલીમ ભાણો (રહે.શક્કરપુર), મોઇન ઉર્ફે અલટી યુસુફ મલેક (રહે.શક્કરપુર), શોએબ ગોયા (રહે.ખંભાત), સઇદઉલ્લા ઉર્ફે ખબીશ (રહે.અકબરપુર), શહેબાજ ઉર્ફે જાડીયો (રહે.અકબરપુર), ફિરોઝ ઉર્ફે ફન્ટર (રહે.અકબરપુર), નાસીર જાકીર (રહે.સાલ્વા), ચીના (રહે.સાલ્વા), અખ્તર (રહે.સાલ્વા), જોન ઉર્ફે બાબા (રહે.સાલ્વા), અરબાઝ ઉર્ફે સુલતાન (રહે.સાલ્વા).
પોલીસનું ધ્યાન ભટકાવી પથ્થરમારો કરવાનું કાવત્રું ઘડાયું
શોભાયાત્રા સાથે પોલીસ બંદોબસ્ત હોવાથી નક્કી કર્યા મુજબ રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મૌલવી મલેક, વાસીલ વાહીદ મલેક, વસીમ રસીદ મલેક (રહે.શક્કરપુર) આવીને ડીજેના ગીત બંધ કરાવવા બાબતે તકરાર કરી પોલીસનું ધ્યાન બીજી તરફ દોરી પાછળથી અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પથ્થરમારામાં કાવતરાના મુખ્ય સુત્રધાર કોણ કોણ ?
રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેક (રહે.શક્કરપુર), માજીદ ઉર્ફે માદલો યાસીન મલેક (રહે.શક્કરપુર), જમશેદ જોરાવર પઠાણ (રહે.સીલ્વા), મુસ્તકીમ ઉર્ફે મૌલવી યુનુસ વ્હોરા (રહે.ખંભાત), મહંમદસઇદ ઉર્ફે નાનો બચ્ચો સીરાજ મલેક (રહે.ખંભાત), મતીન યુનુસ વ્હોરા (રહે.ખંભાત)