ભારતને અંગ્રેજોથી આઝાદ થયાને ૭૫ વર્ષ થયાં તે પછી પણ ભારતની પ્રજા અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવી શકી નથી. ભારતમાં અંગ્રેજી પદ્ધતિના શિક્ષણનો પાયો નાખનારા લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે ‘‘જો ભારતમાં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપવામાં આવશે તો ભારતીય પ્રજામાં એક એવો વર્ગ પેદા થશે, જે લોહીથી અને રંગથી તો ભારતીય હશે, પણ તે પસંદગી, અભિપ્રાય, નૈતિકતા અને બુદ્ધિમત્તાથી અંગ્રેજી હશે. તે વર્ગ આપણી અને જેમની પર આપણે શાસન કરવાનું છે તે ભારતીય પ્રજા વચ્ચેની કડી બની જશે. ’’ લોર્ડ મેકોલેની આ વ્યૂહરચના કામિયાબ થઈ હતી. આ દેશમાં જેમણે પણ અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ લીધું તેઓ અંગ્રેજોના ભક્તો જ નહીં પણ એજન્ટ બની ગયા હતા. બ્રિટીશ પ્રજાને ભારતીયોને ગુલામ રાખવામાં તેમણે ભરપૂર સહાય કરી હતી. બ્રિટીશરો પણ પોતાના ભક્તોને દેશ સોંપીને ચાલ્યા ગયા હતા.
ભારતને આઝાદી મળી ત્યારે ગાંધીજી, સરદાર પટેલ વગેરે નેતાઓની ભાવના હતી કે હિન્દીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવામાં આવે, પરંતુ અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ લઈને શક્તિશાળી બનેલા દેશી અંગ્રેજો તે માટે તૈયાર નહોતા. જો ભારતમાં હિન્દી ભાષાનું માનપાન વધી જાય તો અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ લેનારા બ્રિટીશભક્તોની મોનોપોલી તૂટી જાય તેમ હોવાથી તેમણે હિન્દી ભાષાનો વિરોધ કરવાનું ચાલુ કર્યું હતું. દક્ષિણનાં રાજ્યોમાં તો હિન્દીવિરોધી હિંસક રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેની આગેવાની ડીએમકેના નેતાઓએ લીધી હતી. તેઓ લિન્ક લેન્ગ્વેજ તરીકે અંગ્રેજી સ્વીકારવા તૈયાર હતા, પણ કોઈ સંયોગોમાં હિન્દી સ્વીકારવા તૈયાર નહોતા. બીજી બાજુ પૂર્વોત્તરનાં રાજ્યોમાં પણ હિન્દી ભાષાનો ઉગ્ર વિરોધ થયો હતો, જેને કારણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું સપનું અધૂરું જ રહ્યું હતું, જે ભાજપની સરકાર હવે પૂરું કરવા માગતી હોય તેમ લાગે છે.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ભારતમાં વિવિધ રાજ્યોમાં વસતાં લોકોએ એકબીજા સાથે વાતચીત કરવી હોય તો તે હિન્દીમાં કરવી જોઈએ. ભાજપ દ્વારા આ સંવેદનશીલ મુદ્દો છેડવામાં આવ્યો તેના દેશભરમાં વ્યાપક પ્રત્યાઘાતો પડ્યા છે. અપેક્ષા મુજબ જ ડીએમકેના પ્રમુખ અને તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિને તેનો વિરોધ કરતાં કહ્યું છે કે ભાજપની સરકાર ભારતની વિવિધતા ખતમ કરવા માગે છે. તામિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ પણ દક્ષિણ ભારતની પ્રજા પર હિન્દી ભાષા ઠોકી બેસાડવાની હિલચાલનો વિરોધ કર્યો છે. જાણીતા સંગીતકાર એ.આર. રહેમાને તો નવી વાત કરી છે કે દક્ષિણ ભારતના લોકો લિન્ક લેન્ગ્વેજ તરીકે તમિળનો ઉપયોગ કરી શકે છે.
જો કે દક્ષિણ ભારતના તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા બોલતા લોકો તમિળને લિન્ક લેન્ગ્વેજ કરવાના રહેમાનના સૂચન સાથે સહમત થતા નથી. ભારતને સ્વતંત્રતા મળી તે પછી ખુદ સરકારે રાષ્ટ્રભાષા તરીકે હિન્દીને પ્રોત્સાહન આપવાને બદલે દરેક સરકારી કામોમાં પણ અંગ્રેજી ભાષાનું જ મહત્ત્વ વધારવાનું કામ કર્યું હતું. ત્યાં સુધી કે ભારતનું જે નવું બંધારણ બન્યું તે અંગ્રેજી ભાષામાં જ તૈયાર થયું હતું. તેનો હિન્દી અનુવાદ પાછળથી તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતમાં સુપ્રિમ કોર્ટની અને બધી હાઈ કોર્ટોની ભાષા પણ અંગ્રેજી જ રહી હતી. સુપ્રિમ કોર્ટના ચુકાદા આજે પણ હિન્દીને બદલે અંગ્રેજી ભાષામાં લખવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ તો સમજ્યા, હાઈ કોર્ટોની કામગીરી પણ સ્થાનિક ભાષાને બદલે અંગ્રેજીમાં ચલાવવામાં આવે છે. હાઈ કોર્ટના ચુકાદાઓ પણ હિન્દીને બદલે અંગ્રેજી ભાષામાં આપવામાં આવે છે. ભારત દેશ જ્યાં સુધી ગુલામ હતો ત્યાં સુધી અંગ્રેજી ભારતના શાસકોની ભાષા હોવાથી શાસકોની સહાનુભૂતિ જીતવા લોકો અંગ્રેજી ભણતા હતા.
બ્રિટીશ કાળમાં અંગ્રેજી મીડિયમમાં ભણેલાને સરકારી નોકરીમાં અગ્રિમતા આપવામાં આવતી હતી. બ્રિટીશરો ભારત છોડીને ચાલી ગયા તે પછી પણ ભારતના લોકો અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી બહાર આવ્યા નથી. આજે પણ જે લોકો ફાંકડું અંગ્રેજી બોલી શકે છે તેમને નોકરી ઝડપથી મળી જાય છે. લગ્નના બજારમાં પણ ઇંગ્લીશ મીડિયમમાં ભણતા મૂરતિયાઓ અને કન્યાઓની ઊંચી કિંમત આંકવામાં આવે છે. તેને કારણે પ્રાથમિક શિક્ષણ પણ અંગ્રેજીમાં લેવામાં ડહાપણ ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર હસ્તકની સીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં પણ ફરજિયાત અંગ્રેજી મીડિયમમાં શિક્ષણ આપવામાં આવે છે. જે ક્ષેત્રોમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવી શકાય તેમ છે, તેની પણ સરકાર ઉપેક્ષા કરે છે.
અંગ્રેજીનું મહત્ત્વ વધવાનું કારણ એ પણ છે કે આજે પણ અંગ્રેજીની ગણતરી ઇન્ટરનેશનલ લેનગ્વેજ તરીકે કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીઓમાં ભણવા જવા માગતા હોય તેમણે ફરજિયાત અંગ્રેજીનો અભ્યાસ કરવો પડે છે. તેને કારણે ભારતની યુનિવર્સિટીઓમાં પણ મીડિયમ અંગ્રેજીની ડિમાન્ડ વધી ગઈ છે. અંગ્રેજી મીડિયમની ઘેલછાથી પીડાતાં વાલીઓ પોતાનાં સંતાનોને નર્સરીના લેવલથી અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં દાખલ કરે છે, જેને કારણે તેની કેળવણી કાચી રહી જાય છે. અંગ્રેજી મીડિયમમાં ભણતો વિદ્યાર્થી તેની માતૃભાષાથી વંચિત રહી જાય છે. અંગ્રેજી ભાષા સાથે તે અંગ્રેજી સંસ્કૃતિનો પણ ગુલામ બની જાય છે. આજે પણ જે બાળકો સ્થાનિક ભાષામાં શિક્ષણ લે છે તેમને ઊતરતા ગણવામાં આવે છે, જેને કારણે માતૃભાષામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લઘુતાગ્રંથિથી પીડાતાં હોય છે. કોઈ કન્યા જો ગુજરાતી મીડિયમમાં ભણી હોય તો તેને લગ્ન કરવામાં પણ તકલીફ પડે છે. આપણો સમાજ ગુલામી મનોદશાનો ત્યાગ કરી શક્યો નથી.
ભાજપનું રિમોટ કન્ટ્રોલ ગણાતા સંઘપરિવારને અંગ્રેજી ભાષા જ નહીં પણ અંગ્રેજી મીડિયમમાં ભણેલા લોકો માટે પણ સૂગ છે. તેઓ માને છે કે જેઓ અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હોય તેને શુદ્ધ ભારતીય માની શકાય નહીં. જેમને સારું હિન્દી ન આવડતું હોય તેમને સંઘપરિવારમાં ઉચ્ચ હોદ્દા પણ મળી શકતા નથી. આ કારણે વર્તમાનમાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા જે હિન્દી ભાષાની તરફેણ કરવામાં આવી રહી છે, તેના પાછળ સંઘપરિવારનો હાથ હોવાનું સમજાય છે. ભાજપ જે રીતે હિન્દુ-મુસ્લિમ વચ્ચેની ખાઈ પહોળી બનાવીને પોતાની મતબેન્ક મજબૂત કરવા માગે છે, તેવી રીતે હિન્દીતરફી અને હિન્દીવિરોધી વચ્ચે અંતર પેદા કરીને પણ ધ્રુવીકરણ જ કરવા માગે છે.
જો ભાજપની સરકાર હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની બાબતમાં ગંભીર હોય તો તેણે પહેલાં તો સુપ્રિમ કોર્ટમાં અને હાઈ કોર્ટમાં દલીલો હિન્દી ભાષામાં થાય અને ચુકાદાઓ પણ હિન્દીમાં લખવામાં આવે તેવો આગ્રહ રાખવો જોઈએ. પછી કેન્દ્રીય બોર્ડમાં હિન્દી મીડિયમ ફરજિયાત બનાવવું જોઈએ. પછી દેશમાં તમામ અંગ્રેજી મીડિયમની સ્કૂલો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જો અંગ્રેજીને બદલે હિન્દીને લિન્ક લેન્ગ્વેજ બનાવવામાં આવશે તો દક્ષિણનાં અને પૂર્વોત્તરનાં રાજ્યો તેને કોઈ સંયોગોમાં સ્વીકારશે નહીં. તેને બદલે સંસ્કૃત ભાષા ભારતની લિન્ક લેન્ગ્વેજ બનવાની તમામ લાયકાતો ધરાવે છે. ભારતની તમામ પ્રાદેશિક ભાષાઓની જનની સંસ્કૃત છે. જે પ્રજા અંગ્રેજીને સ્વીકારવા તૈયાર થઈ જાય તેને સંસ્કૃત સ્વીકારવામાં શું વાંધો હોવો જોઈએ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.