રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાંથી ગેરકાયદે હથિયારો (Illegal weapons) ઝડપી પાડવા પોલીસ વડા તરફથી અલગ અલગ પોલીસ ટીમોને સૂચના મળી હતી. એ સૂચનાને આધારે નર્મદા એસ.ઓ.જી. (SOG) પોલીસે ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાંથી 3 બંદૂક (Gun) ઝડપી પાડી હતી. શિકારીઓ ફરાર થઈ જતાં એમને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં અરવિંદ જયંતી વસાવા, દિલીપ નારસિંગ વસાવા, ધીરજ ગણપત વસાવા (રહે.,ગાજરગોટા, તા.ડેડિયાપાડા) તથા બીજા બે ઇસમ બાઈક પર ત્રણ હાથ બનાવટની સિંગલ બેરલ મઝલ લોડેડ બંદૂકો લઈ શિકાર કરવા નીકળ્યા હોવાની ચોક્કસ બાતમી નર્મદા એસ.ઓ.જી. પીઆઈ કે.ડી.જાટ અને એમની ટીમને મળી હતી. આ બાતમીના આધારે તેઓ જંગલ વિસ્તારમાં વોચમાં અને શિકારીઓની શોધખોળ કરી રહ્યા હતા, પોલીસ એમનો પીછો કરી રહી હોવાની ગંધ શિકારીઓને આવી જતાં તેઓ 3 બંદૂક અને બાઈક મૂકી ફરાર થઈ ગયા હતા. એસ.ઓ.જી. પોલીસ ટીમે 3 બંદૂક 3,000 રૂ.ની તથા મોટરસાઇકલ 30,000 રૂ.ની જપ્ત કરી શિકારી આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
નર્મદા એસ.ઓ.જી.એ કરેલી આ કાર્યવાહીને પગલે ડેડિયાપાડા વન વિભાગ ઊંઘતો ઝડપાયો છે. ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં શિકારીઓને પોલીસ પકડવા આવી રહી હોવાની માહિતી શિકારીઓને આપી કોણે? એ પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
‘ટાઈગર જિંદા હે’ ડાંગનાં જંગલોમાં વાઘની ત્રાડ સંભળાશે
સાપુતારા : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલા જોગબારી અને જાખાના ગામ ખાતે 28.96 હેક્ટરમાં ટાઈગર સફારી પાર્ક બનાવવા માટેની સરકાર વિચારણા કરી રહી છે.ડાંગ જિલ્લો ભરપૂર વનસંપદાથી ઘેરાયેલો વિસ્તાર છે. જંગલોનું વાતાવરણ અગાઉથી વાઘ પ્રજાતિ માટે અનુકૂળ મનાતુ હતુ. જિલ્લાનાં જંગલો વાઘનાં ઘર ગણાતા હતા. ડાંગ જિલ્લામાં અઢીથી ત્રણ દશક પહેલા વાઘનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. ડાંગ જિલ્લાનાં વિસ્તારમાં વાઘની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પરંતુ વર્ષ 1985માં માર્ગમાં વાહનની અડફેટમાં એક વાઘનું મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ 1992નાં વર્ષમાં છેલ્લો વાઘ દેખાયા બાદ દક્ષિણ ગુજરાતમાં વાઘની પ્રજાતિ સમાપ્ત થઈ ગઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
સમય જતા જંગલો ગામમાં અને ગામ શહેરમાં તબદીલ થતા આ વન્યજીવો લુપ્ત થઈ જવા પામ્યા છે. ત્યારે ફરી સફારી પાર્કની વિચારણામાં દક્ષિણ ગુજરાતનાં ડાંગમાં પણ વાઘ આવ્યો રે વાઘ આવ્યોની ગુંજ સૂત્રો પાસેથી સાંભળવા મળી રહી છે. ડાંગના જાખાના અને જોગબારી ગામ નજીક ટાઈગર સફારી પાર્ક માટે સરકાર દ્વારા કુલ 28.96 હેક્ટર જમીન ફાળવવાની મંજૂરી આપી હોવાની વાત સોશિયલ મીડિયામાં સામે આવતા ટાઈગર પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘ જોવા મળ્યાનાં થોડા મહિના પહેલા એટલે નવેમ્બર 2018માં નર્મદાનાં તિલકવાડામાં 85 હેક્ટરમાં ટાઈગર સફારી પાર્ક માટે આગળ વધવાની મંજૂરી આપી હતી. જોકે આ પ્રોજેક્ટ બાદમાં સ્થગિત કરવામાં આવ્યો હતો.