સુરત(Surat) : ભારત (India) માટેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના (Bullet Train) પ્રોજેક્ટની કામગીરીનો હાલમાં ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. આ બુલેટ ટ્રેનના કોચને જાપાનમાં (Japan) બનાવવામાં આવશે. જાપાનના વાતાવરણ કરતાં ભારતનું વાતાવરણ અલગ હોવાને કારણે ભારતના તાપમાન, ધૂળ અને ભારતીયોના વજનને અનુરૂપ આ બુલેટ ટ્રેન તૈયાર કરવામાં આવશે. સરેરાશ જાપાનના નાગરિક કરતાં ભારતનું નાગરિકનું વજન વધારે રહેતું હોવાથી ફેરફાર થશે. આગામી વર્ષ 2026માં બુલેટ ટ્રેનની ટ્રાયલ રન (Trail Run) શરૂ કરવામાં આવશે.
- જાપાનમાં જે ઈ-5 સિરીઝના કોચ વપરાય છે તેવા જ કોચ હિટાચી અને કાવાસાકી કંપની ભારત માટે બનાવશે
- 3.35 મીટર જેટલા પહોળા કોચ 320 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે
- સરેરાશ જાપાનીઝ કરતા ભારતીયનું વજન વધારે હોવાથી બુલેટ ટ્રેનમાં ફેરફારો કરાશે, તાપમાન અને ધૂળની સ્થિતિને પણ ધ્યાને લેવાશે
- 2027 સુધીમાં ટ્રેન દોડતી થશે તે પહેલાં 2026માં ટ્રાયલ રન કરાશે
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પો.લી.ના મેનેજિંગ ડાયરેકટર સતિષ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, 2027માં સુરતથી બીલીમોરાનો બુલેટ ટ્રેનનો 48 કિ.મી.નો રૂટ તૈયાર થઈ જશે. જોકે, તેના એક વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવશે. હાલમાં મહારાષ્ટ્રમાં (Maharashtra) જમીન સંપાદનની (Land Acquisition ) સમસ્યાને કારણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ત્યાં અટકી ગયો છે. જાપાનમાં જે ઈ-5 સિરીઝના બુલેટ ટ્રેનના કોચ વપરાય છે તેવા કોચ જ ભારતમાં પણ વાપરવામાં આવશે પરંતુ તેમાં ભારતના વાતાવરણને અનુરૂપ ફેરફારો કરવામાં આવશે. આ કોચ હિટાચી અને કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ જે કોચ તૈયાર કરવામાં આવશે તે 3.35 મીટર જેટલા પહોળા હશે અને 320 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. આટલા પહોળા કોચની બુલેટ ટ્રેન ફ્રાન્સ તેમજ જર્મનીમાં દોડે છે. હાલમાં પ્રારંભિક તબક્કે છ બુલેટ ટ્રેન ભારત મોકલવામાં આવશે. જે ભારતીય વાતાવરણ પ્રમાણે હશે. જ્યારે અન્ય કોચને ભારતમાં લાવીને ટ્રેન તૈયાર કરવામાં આવશે.
જાપાનના એમ્બેસેડર સાતોષી સુઝુકીએ ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે, હું બુલેટ ટ્રેન માટે ચાલી રહેલી કામગીરીથી ખુબ સંતુષ્ટ છું. અમે કોઈ સેકન્ડ ક્લાસ બુલેટ ટ્રેન મોકલીશું નહીં. જાપાનની જેમ જ ઈ-5 સિરીઝની બુલેટ ટ્રેન જ ભારત મોકલવામાં આવશે. તેમાં પણ સુધારાઓ કરેલા હશે. બાદમાં ભારત જ્યારે પોતાની બુલેટ ટ્રેન બનાવતું થઈ જશે ત્યારે અમે તેમને લેટેસ્ટ ટેકનોલોજી પણ પુરી પાડીશું. જાપાનમાં ઉત્તર ભાગમાં જે આ પ્રકારની બુલેટ ટ્રેન દોડે છે તે ભૂકંપ વિરોધી હોય છે. જે જાપાનની બેસ્ટ ટ્રેન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરીની જાપાનનાં એમ્બેસેડર સાતોષી સુઝૂકી અને NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ સુરત, નવસારી અને વાપી સાઇટની મુલાકાત લીધી હતી.
ગુજરાત અને દાદરા નગર હવેલી માટે કોન્ટ્રાક્ટ આપી દેવાયા
બુલેટ ટ્રેન માટે ગુજરાત અને દાદરા નગર હવેલીના 352 કિ.મી.ના રૂટ પર સિવિલ કોન્ટ્રાક્ટના 100 ટકાના કામો આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં 237 કિ.મી.ના ટ્રેક વર્ક માટે એવોર્ડ પણ આપી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં બાકીના 115 કિ.મી. માટેના એવોર્ડ પણ ચૂકવી દેવામાં આવશે. ભારત અને જાપાનના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના રૂટ ઉપર પેર વર્ક્સ અને સ્પાનની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરત સ્ટેશન હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ પૈકીનું એક મોટું સ્ટેશન છે. જેને 48, 234 સ્ક્વેર મીટર એરિયામાં તેને બિલ્ટ અપ કરવામાં આવશે. હાલ નવસારી કાસ્ટિંગ યાર્ડ કે જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલર, ગર્ડરનું કન્સ્ટ્રકશન કરીને સ્ટ્રેડલ કેરીયર દ્વારા ગર્ડરને ઉંચકીને પિલર ઉપર મુકવાની કામગીરી ચાલી રહી છે. સુરત બુલેટ ટ્રેન રૂટ ઉપર 128 ફાઉન્ડેશન પૈકી 118 ફાઉન્ડેશન પુર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાપી નદી ઉપર કુલ 13 વેલ ફાઉન્ડેશન પૈકી 6 વેલ ફાઉન્ડેશન પુરા કરી દેવાયા છે. સાતોષી સુઝૂકી અને હાઇસ્પીડ રેલના મેનેજિંગ ડિરેકટર ડીરેક્ટર સતીષ અગ્નિહોત્રીએ સુરત તેમજ નવસારી અને વાપીમાં ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઇ પ્રોજેક્ટમાં જોડાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓની કામગીરીથી સંતુષ્ટિ વ્યક્ત કરી હતી.