Charchapatra

ભારતીય બંધારણ પર હવે ઓનલાઇન અભ્યાસક્રમ ઉપલબ્ધ છે

સંવિધાન દિવસ (26 ડિસે.)ની ઉજવણી વેળાએ ભારતના ચીફ જસ્ટીસ એન.વી. રમન્નાએ એક સરસ વાત કરી હતી કે આપણા દેશના લોકોએ સંવિધાન શું છે એ પહેલા સમજવું પડશે. ભણવું પડશે. અભણ લોકો નથી જાણતા તે તો સમજયા, પરંતુ ભણેલામાંથી મોટા ભાગના લોકો સંવિધાન વિષે કશું જ નથી જાણતા. દુનિયાના દેશો સાથે કદમ મિલાવવા હવે બાળકોને સંવિધાન ભણાવવુ જરૂરી બની ગયું છે. જયારે દુનિયા આખીની બુધ્ધિશાળી જમાત આપણા સંવિધાનના બે મોઢે વખાણ કરતી હોય, ભારતના સંવિધાનમાંથી પ્રેરણા લેતી હોય ત્યારે આપણા દેશના નાગરિકો ઘોર અજ્ઞાનમાં જીવી રહ્યા હોય એ ના પોસાય. આની સાથે જ બીજાપણ એવા શુભ અને પ્રેરક સમાચાર એ છે કે હૈદ્રાબાદની નાલસર યુનિવર્સિટી ઓફ લોના સહયોગથી ભારતીય બંધારણ પણ ઓન લાઇન અભ્યાસક્રમ દ્વારા બંધારણીય મૂલ્યોને ફેલાવવા માટે પ્રશંસનીય પ્રયોગ શરૂ થયો છે.

ભારત સરકાર દેશના યુવાનોને આમંત્રણ આપે છે. આવો તમારૂં અને તમને સમર્પિત સંવિધાન ઓનલાઇન ભણો અને કાયદેસરનું ડીગ્રી સર્ટિફિકેટ મેળવો અને મહાન ભારતના સર્વશ્રેષ્ઠ નાગરિક બનો. કોર્ષ માટેની લીંક વડે 6000 લોકોએ રજીસ્ટ્રેશન કરી લીધું છે. કોર્ષ તદ્દન સંવૈધાનિક આદર્શ અને અધિકારો મુજબ વિના મૂલ્યે છે. તાત્પર્ય એ છે કે આજે દેશમાં કયાંય પરંપરાગત ધર્મોમાંથી કોઇ પણ ધર્મનું કે ધર્મગ્રંથનું શિક્ષણ આપવાની કોઇ આવશ્યકતા નથી. આપણા ભારતીય બંધારણના આમુખમાં જગતના તમામ ધર્મોના સારરૂપ માનવ માનવની તથા સ્ત્રી પુરુષની પણ સમાનતા દેશના તમામ નાગરિકને પોતાનો યથેચ્છ વિકાસ કરવાની સમાન તક. પોતાના વિચાર વાણીની અભિવ્યકિતની સ્વતંત્રતા, દરેક નાગરિકના સુખ-દુ:ખમાં સહયોગ આપવાનો સહોદર ભાવ, ધર્મ અને આરાધનાની સ્વતંત્રતા, સામાજિક, રાજકિય અને આર્થિક ન્યાય તથા ધર્મ નિરપેક્ષ લોકશાહી શાસન જેવા ઉમદા માનવીય આદર્શો છે. જે આપણા મહામુનિ બુધ્ધના ઉપદેશના જ મૂલ્યો છે. જે ભારતના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે.

કડોદ     – એન. વી. ચાવડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top