નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 21મી મેચમાં (Match) સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોની અંકુશિત બોલિંગ વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યાની નોટઆઉટ (Notout) અર્ધસદી અને અભિનવ મનોહર સાથેની તેની અર્ધશતકીય ભાગીદારીને પગલે ગુજરાત ટાઇટન્સની ટીમે મુકેલા 163 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમ્સનની અર્ધસદીની મદદથી 19.1 ઓવરમાં જ લક્ષ્યાંક કબજે કરીને મેચ 8 વિકેટે જીતવાની સાથે આઇપીએલમાં સતત બીજો વિજય મેળવ્યો હતો.
- હાર્દિકની નોટઆઉટ અર્ધસદી ઉપરાંત અભિનવ સાથેની અર્ધશતકીય ભાગીદારીએ ગુજરાતને 162 રન સુધી પહોંચાડ્યું
- કેન વિલિયમ્સનની અર્ધસદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે 19.1 ઓવરમાં જ લક્ષ્યાંક કબજે કરી 8 વિકેટે જીત મેળવી
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સને કેપ્ટન કેન વિલિયમ્સન અને અભિષેક શર્માની જોડીએ સતર્ક શરૂઆત અપાવી હતી. અભિષેક શર્મા 41 રન કરીને આઉટ થયો હતો. વિલિયમ્સન સાથે રાહુલ ત્રિપાઠી જોડાયો હતો પણ તે 17 રન કરીને રિટાયર્ડ હર્ટ થયો અને તે પછી વિલિયમ્સન 57 રન કરીને આઉટ થયો ત્યારે સનરાઇઝર્સનો સ્કોર 2 વિકેટે 129 રન હતો, તે પછી બાકીનું કામ નિકોલસ પૂરન અને એડન માર્કરમે પુરૂ કરીને ટીમને 8 વિકેટે જીતાડી હતી.
આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર 64 રન હતા, ત્યાં સુધીમાં તેમણે ટોપ ઓર્ડરની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મિલરના રૂપમાં ચોથી વિકેટ પડી તે પછી બેટીંગમાં આવેલા અભિનવે કેટલાક આક્રમક શોટ ફટકાર્યા હતા અને હાર્દિક સાથે તેની 50 રનની ભાગીદારી થતાં સ્કોર 154 પર પહોંચ્યો હતો. આ દરમિયાન અભિનવના બેથી ત્રણ કેચ સનરાઇઝર્સના ફિલ્ડર્સે પડતા મૂક્યા હતા. અભિનવ 21 બોલમાં 35 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં પણ સનરાઇઝર્સના બોલરોએ ગુજરાતના બેટરોને ખુલીને રમવા દીધા નહોતા અને તેથી તેઓ 162 રન સુધી જ પહોંચી શક્યા હતા. હાર્દિક 42 બોલમાં 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.