Business

જબરો લોચો માર્યો છે લોલ…!

આમ તો ન્યાયના દરબારમાં અનેક કેસ – ફરિયાદોનો ઢગલો થતો હોય છે. એમાંથી કેટલાંક ‘પોતાની આબરૂને આંચ પહોંચી છે-ઝંખવાઈ છે’ એવા આરોપ સાથે ફરિયાદી કોર્ટના દરવાજા ખટખટાવે છે.  આવા ‘આબરૂદાર’ કેસમાં તો અમુક સાવ અતરંગી પણ હોય છે. આવો એક  કેસ-કિસ્સ્સો  જાણવા જેવો છે. કોઈને લોટરી કે જેકપોટમાં અઢળક દલ્લો મળે એ સમાચાર છપાય ને એમાં વિજેતાના ફોટાને બદલે તમારો ફોટો પ્રગટ થાય ને તમારા પર અભિનંદન વરસે ત્યારે  આપણને આનંદની સાથે અફસોસ પણ થાય:  ‘કાશ, લોટરી મને લાગી હોત તો..’ હવે આ સિનારિયો જુઓ:… એક અપરાધી પોલીસ ચોપડે ‘વૉન્ટેડ’  છે. પોલીસ એને ઝડપી લેવા મથી રહી છે અને એ હાથ નથી આવતો ત્યારે કાયદાને મદદરૂપ બનવાની અપીલ સાથે પોલીસ પેલા ભાગેડુના સમાચાર સાથે તસવીર છાપે છે. હવે અહીં ધારી લો કે પેલા અપરાધીને બદલે તમારો ફોટો છપાઈ જાય તો કેવી બબાલ મચી જાય?!

હકીકતમાં આવો જ ભયંકર ગોટાળો મેનહટ્ન પોલીસથી હમણાં થયો છે. એક બાર ટેન્ડર અને ફૅશન ડિઝાઈનર યુવતીની વિગત આપીને પોલીસે અખબાર -TV – સોશ્યલ મીડિયા પર જાણ કરી કે પોલીસ આ છોકરીની શોધમાં છે.  ‘ઍસ્કોર્ટ તરીકે સાથે જનારી આ યુવતી એક ગ્રાહકની  10 લાખ રૂપિયાની મોંઘી રૉલેક્સ રિસ્ટ વૉચ તેમ જ રોકડ ડોલર અને એનાં ક્રેડિટ કાર્ડસ વગેરે લઈને ગુમ થઈ છે. …આના વિશે તમને માહિતી-બાતમી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરો.’ આવી જાહેરાત સાથે પોલીસે પેલી આરોપી યુવતીનો એક ફોટો પણ છાપ્યો.  ન્યૂયોર્ક પોલીસે ભૂલથી પેલીના બદલે એક અન્ય યુવતીનો ફોટો છાપ્યો-પ્રસારિત કરી દીધો હતો…. પત્યું!

હવે જેનો  ભૂલથી ફોટો છપાયો એ યુવતી ઈવા લોપેઝ સોશ્યલ મીડિયામાં બહુ જાણીતી છે. ન્યૂયોર્કમાં ચોરીની ઘટના બની ત્યારે ઈવા ફ્લોરિડા હતી. એણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ભૂલ સ્વીકારી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું . ‘ઈવા એસ્કોર્ટના નામે કોલગર્લનું કામ કરે છે. …ગ્રાહકના પૈસા ચોરે છે’ જેવા ભળતા સમાચાર સોશ્યલ મીડિયામાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા.  ઈવા લોપેઝના આશરે 9 લાખથી વધુ ફૉલોઅર્સ હોવાથી એને ખાસ્સી બદનામી થઈ એટલે એણે ‘આ ખોટા સમાચારથી પોતાની માનહાનિ  થઈ છે- પોતે માનસિક રીતે ખળભળી ગઈ છે ’ એવી કોર્ટ નોટિસ  પોલીસને ફટકારીને આવી બદનક્ષીના વળતરરૂપે 30 મિલિયન ડોલરનો દાવો કર્યો છે. પોતાની આવી ગફલતને લીધે ન્યૂયોર્ક  પોલીસ ડિપાર્ટમેન્ટે હવે 228 કરોડ રૂપિયા રોકડા ગણી આપવા પડશે…. આ સમાચાર જાણીને જેણે હકીકતમાં ચોરી કરી છે એ મૂળ અપરાધી યુવતીને પણ ઈર્ષા થતી હશે કે મને મળેલી  ચોરીની રકમ કરતાં તો બદનક્ષી કેસમાં પેલી ઈવા વધુ દલ્લો ખાટી જશે!

ભરદરિયામાં લાપતા ટાપુ…

કેટલીક  વાર  પેલા સાગરખેડુ ક્રિસ્ટોફર કોલમ્બસ અને વાસ્કો ડી ગામા જેવું થાય. કોલમ્બસ શોધવા નીકળ્યો હતો ભારત પણ શોધી લાવ્યો અમેરિકા! વાસ્કો  સમુદ્ર માર્ગે આફ્રિકા પહોંચવા નીકળ્યો ને કલિકટ-ભારત પહોંચી ગયો! આમેય, દરેક પ્રકારની શોધમાં મોટાભાગે કોઈ ને કોઈ અકસ્માત સંકળાયેલો હોય છે. પછી એ વૈજ્ઞાનિક શોધ હોય કે ભૌગોલિક શોધ હોય કે પછી કોઈ આદમીની શોધ. તાજેતરમાં  પેલા બન્ને સાગરવીરો જેવો જ અનુભવ  બ્રિટિશ નૌકાદળને થયો. બ્રિટન રોયલ નેવીના સંશોધકો  નિયમિત  પોતાના સમુદ્રી સરહદ વિસ્તારમાં ફરતાં રહીને ત્યાંના ખબર-અંતર મેળવે છે. એમના રેકોર્ડ મુજબ દક્ષિણ પેસેફિક મહાસાગરમાં 4 ટાપુનો એક સમૂહ છે, જે જવાળામુખીના વિસ્ફોટથી સર્જાયો હતો. ‘પિટકેર્ન’ તરીકે ઓળખાતા આ સમૂહની લૅટેસ્ટ માહિતી મેળવવા નેવી ટીમ ત્યાં પહોંચી તો એમના આશ્ચર્ય વચ્ચે ત્યાં ચારમાંથી એક ટાપુ ગાયબ હતો. આ ચાર આઈલૅન્ડ ત્યાં છેલ્લાં 85 વર્ષથી મોજૂદ છે એવું ત્યાંના સરકારી નકશામાં દર્શાવ્યું છે તો એક ટાપુ જે હેન્ડર્સન નામથી ઓળખાતો હતો એ ક્યાં અલોપ થઈ ગયો? આટલાં વર્ષો સુધી અસ્તિત્વ ધરાવતો એક આખો ને આખો ટાપુ ગુમ થઈ જાય એ પણ ગજબ કહેવાય. રોયલ નેવીના નિષ્ણાત સમુદ્રશાસ્ત્રીઓની ટીમે શોધ આદરી. આજુબાજુનો દરિયો મહિનાઓ સુધી ખૂંદી વળ્યા. આ હેન્ડર્સન આઈલૅન્ડ શોધી કાઢવો એટલે જરૂરી હતો કારણ કે પેસેફિક મહાસાગરનો એ એક સૌથી પ્રદૂષિત  ટાપુ ગણાય છે. અહીં રોજ નાની-મોટી 300  જેટલી વસ્તુ  તણાઈને આવે છે, જેમાં વર્ષે 4 કરોડથી વધુ પ્લાસ્ટિકની આઈટમ્સ હોય છે. આખરે થોડા સમય પહેલાં આ લાપતા ટાપુ  મળી આવ્યો.  થયું’તું એવું કે  છેલ્લાં કેટલાંક વર્ષથી આ આઈલૅન્ડ મૂળ જ્યાં હોવો જોઈએ એનાથી અનેક દરિયાઈ-નોટિકલ માઈલ્સ દૂર નકશામાં એ ભૂલથી દર્શાવામાં આવ્યો હતો. પરિણામે સમુદ્રશાસ્ત્રીઓને એ શોધ્યો જડતો નહતો! હવે આ ગુમ આઈલૅન્ડનું સાચું સરનામું મળી ગયું છે એટલે હવે એને ટૂંક સમયમાં જ પ્રદૂષણ-મુકત્ત કરવાની કાર્યવાહી શરૂ થઈ જશે.…

ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ

ક્યારેક કેટલાક શબ્દો પહેલી નજરે નિર્દોષ જણાય. એ વર્ષોથી ચલણમાં હોય એટલે લખતી કે બોલતી વખતે અજુગતા ન પણ લાગે. જો કે, આમાંથી અમુક શબ્દોને પુરુષવાચકમાંથી સ્ત્રીવાચક કરવા જાવ તો અનર્થ પણ સર્જાય. ઉદાહરણ તરીકે,‘રાષ્ટ્રપતિ’. એ પદ પર પુરુષ હોય તો વાંધો નહીં પણ મહિલા હોય તો એ શબ્દ ‘રાષ્ટ્રપત્ની’ નથી બની જતો માટે આવાં પદને લગતાં શબ્દ તટસ્થ જ રાખવા પડે. તાજેતરમાં આવા જ એક શબ્દને લીધે જબરી ચર્ચા જામી છે.  શાળા-કોલેજના હેડમાસ્ટર તથા પ્રિન્સિપલની એક મિટિંગ વખતે મહારાષ્ટ્ર શિક્ષણખાતાના રવીન્દ્ર કાટોલકર નામના એક વરિષ્ઠ અધિકારીએ બધાને ભાર મૂકીને કહ્યું કે શાળાના હેડમાસ્ટર પુરુષ હોય તો તમે એમને ‘હેડમાસ્ટર’ તરીકે ઓળખાવો ત્યાં સુધી ઠીક છે પણ એ હોદ્દા પર મહિલા હોય તો એમને ‘હેડ-મિસ્ટ્રેસ’ કહીને સંબોધન ન જ કરાય કારણ કે અંગ્રેજી શબ્દ ‘મિસ્ટ્રેસ’નો અર્થ ‘ઉપ-પત્ની’ કે ‘રખાત’ થાય, જે બહુ જ અશિષ્ટ-અરૂચિકર અને માનભંગ કરનારો છે માટે એ પદ પર મહિલા હોય તો પણ ‘હેડમાસ્ટર’ શબ્દ જ ફરજિયાત વાપરવો…!   ñ માન્યતા એવી  છે કે આપણાં  હિમાલયનાં શિખર  વિશ્વનાં સૌથી પ્રાચીન છે. હકીકતમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આવેલી ‘હાઉરીકવાગો’ તરીકે ઓળખાતી પર્વતમાળાનું અસ્તિત્વ  આપણા હિમાલય અને આલ્પસ કરતાં પણ પુરાણું  છે. ભૂસ્તરશાસ્ત્રીઓ મુજબ એ શિખરમાળા 26 કરોડથી વધુ વર્ષો પ્રાચીન છે!
* ઈશિતાની એલચી *
ખરાબ  મિત્ર અને કોલસા વચ્ચે એક સામ્ય છે. કોલસો ઠંડો હશે તો હાથ કાળા કરશે ને ગરમ હશે તો તમને દઝાડશે. નઠારા મિત્રનું પણ આવું જ છે!!

Most Popular

To Top