પ્રિયા અને રિયા બે સ્કૂલથી સહેલીઓ.કોલેજમાં પણ સાથે ભણી અને લગ્ન પણ એક જ કુટુંબમાં પિત્રાઈ ભાઈઓ સાથે થયા.તેઓ બન્ને ખુશ હતી. પોતપોતાના લગ્નજીવનની જવાબદારીઓ બરાબર પાર પડતી હતી અને વર્ષો જૂની મિત્રતાને લીધે હંમેશા એકમેક સાથે ઊભી રહેતી.પ્રિયા અને રિયાની સાસુઓ એકબીજાની દેરાણી જેઠાણી થતી હતી અને આમ કોઈ ઝઘડો ન હતો.વર્ષોથી જુદાં રહેતાં હતાં, પણ એકમેકથી ચઢિયાતા દેખાવાની એક રેસ તેમની વચ્ચે કાયમ રહેતી અને આ રેસમાં પોતપોતાની વહુઓને તેઓ કોઈ ને કોઈ રીતે આગળ કરતી, પણ રિયા અને પ્રિયા વચ્ચેની મિત્રતા જીતી જતી અને સાસુઓની અદેખાઈ અને નિંદા હારી જતી.રિયા અને પ્રિયા હંમેશા એકમેકને સાથ આપતી.એકબીજાના વખાણ કરતી. બન્ને સાસુઓને આ ગમતું નહિ, પણ શું કરે? એક દિવસ પ્રિયાની સાસુએ પ્રિયાને નવી સાડી અને સેટ અપાવ્યાં અને કહ્યું, ‘પ્રિયા કાલે જે ફન્કશન છે તેમાં તું આ જ પહેરજે અને જો જે તું જ સૌથી સુંદર લાગીશ.’ પ્રિયા સુંદર હતી જ અને તેને કોઈ સુંદર લાગે છે કહીને વખાણે તે પણ ખૂબ જ ગમતું.પ્રિયા તૈયાર થઈને ફંકશનમાં ગઈ.તે સુંદર લાગતી હતી.બધા તેના વખાણ કરી રહ્યા હતા.રિયા મોડી આવી અને તેણે નવી સાડી નહોતી પહેરી પણ તે સુંદર દેખાઈ રહી હતી.
રિયા કોઈક સાથે વાત કરતાં એમ બોલી કે, ‘ના, ના, આ સાડી નવી નથી પણ જરૂરી થોડું છે દરેક ફંકશનમાં નવી સાડી પહેરવી.’ રિયા સામાન્ય રીતે વાત કરી રહી હતી પણ દૂર ઊભેલી પ્રિયાને તેની સાસુએ ઉશ્કેરી કે ‘જો તારી મિત્ર તેં નવી સાડી પહેરી છે એટલે તારી વાત કરે છે. બધા તારા વખાણ કરી રહ્યા છે તે તેને ગમતું નથી.’ પ્રિયા કંઈ બોલી નહિ પણ તેના મોઢા પરથી લાગ્યું કે તેને ન ગમ્યું.તેનાં સાસુ રિયા વિરુદ્ધ બોલી રહ્યાં હતાં અને તેને ઉશ્કેરી રહ્યાં હતાં.પ્રિયાના મોઢા પર ગુસ્સો વધી રહ્યો હતો.સાસુ મનમાં ખુશ થતાં હતાં કે ચાલો, આ દોસ્તી હવે તૂટશે.તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.
પ્રિયા અચાનક ઊભી થઈ અને ઝડપથી રિયા તરફ ધસી ગઈ.તેનાં સાસુને થયું અહીં જ બોલાચાલી થશે.તેઓ રાજી થયાં અને માત્ર પ્રિયાને અટકાવવાનો ડોળ કરતાં તેની પાછળ ગયાં અને કહેવા લાગ્યાં, રહેવા દે પ્રિયા, આપણે કંઈ તેમના જેવા નથી. તું ગુસ્સો નહિ કરતી.પ્રિયા રિયા પાસે ગઈ અને પ્રેમથી બોલી, ‘તારી સાડી નવી નથી પણ તું સરસ લાગે છે.’ અને તેને ભેટી પડી.પ્રિયાનાં સાસુ છોભીલાં પડી ગયાં. પ્રિયા તેના સાસુ તરફ ફરીને બોલી, ‘મમ્મી, તમે મને ખોટી રીતે ઉશ્કેરતાં હતાં કે હું ગુસ્સે થઈને ઝઘડો કરું અને તમે મોટું સ્વરૂપ આપી અમારી દોસ્તી તોડાવી શકો.પણ મમ્મી, મને ખબર છે, બે પળનો ગુસ્સો, ન બોલવાનું બોલાવે છે અને ન કરવાનું કરાવે છે.બે પળનો ગુસ્સો વર્ષોનો સંબંધ તોડી નંખાવે છે અને જયારે સાચું ભાન આવે ત્યારે સમય અને વાત અને સંબંધ બધું જ હાથમાંથી સરી ચૂક્યું હોય છે, માત્ર પસ્તાવો જ બાકી રહે છે.’ પ્રિયાએ કારણ વિના ગુસ્સો ન કરી વાત જાળવી લીધી. ગુસ્સો આવે ત્યારે હંમેશા સાવધાન રહી બે પળ જાળવી લેશો તો અનેક સંબંધ સચવાઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.