બનાસકાંઠા સ્થિત ભારત-પાકિસ્તાનની નડાબેટ સીમા ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું આવતીકાલે તા. 10 એપ્રિલ, 2022ના રોજ સવારે 9 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહેશે.
ઉદ્ઘાટન બાદ અમિતભાઈ શાહ નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરમાં પણ દર્શન કરશે. રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.