તે નીડર, ખડતલ અને સાહસિક છે. તેણીની વાતો સંઘર્ષથી ભરેલી છે. તે અનેક ઈચ્છાઓ ધરાવતી મહિલા છે, તે ઓટોમોબાઇલ એક્સપેડિટર તરીકે ઓળખાય છે, આ છે મૂળ નવસારીના ભારુલતા પટેલ. જેમણે બેટી બચાઓ, બેટી પઢાઓના સંદેશને બ્રિટનનાં કિનારે પહોંચાડ્યો. વર્ષ 2016માં ભારુલતા આખી દુનિયામાં પહેલી મહિલા છે (તે પણ ભરતીયમૂળની) જેણે આર્ટિક સર્કલનો સોલો મોટર પ્રવાસ કરીને એક રેકોર્ડ કાયમ કર્યો. આર્ટિક સર્કલમાં -40 c થી -45 જેટલા નીચા તાપમાનમા કોઇની પણ મદદ વગર તેમણે એકલા કાર ડ્રાઈવ કરી અને પોતાનું લક્ષ્ય પાર પાડ્યું. આ માટે તેણે કાર રિપેરિંગની જાણકારી પણ મેળવવી પડી જેણે કારણે કારમાં કોઈ મુશ્કેલી આવે તો તે જાતે હેન્ડલ કરી શકે.
ડર કે આગે જીત હૈ
આ એ મહિલા છે જેમને કાર ડ્રાઈવ કરવાનો પણ ડર લાગતો હતો અને 4 વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેઇલ થયા પછી એ લાઇસન્સ મેળવી શક્યા. તેમના બહેન તેમને ડરપોક કહેતાં જેથી તેમણે વિચાર્યું કે હું કેમ ન કરી શકું? અને પછી તેમણે ધીરેધીરે કાર ડ્રાઈવની શરૂઆત કરી અને આજે દુનિયામાં તેઓ કાર ડ્રાઈવની સિધ્ધિઓ માટે જ ઓળખાય છે.
ભારુલતાને નામે છે આ રેકોર્ડઝ…
- ભારુલતા પટેલ કાંબલે આર્ટીક સર્કલ પર લંબામાં લાંબુ અંતર (2792 કિમી 39 કલાકમાં) કાપીને એકલી મહિલા ડ્રાઇવિંગ કરનારનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો.
- ભારુલતા વિશ્વની પ્રથમ મહિલા છે જેણે માત્ર 57 દિવસમાં 32 દેશોમાં એકલા વાહન ચલાવ્યું છે, અને સતત એક સફરમાં 35,383 કિમીથી વધુનું વિશાળ અંતર કાપ્યું છે. આ સિધ્ધ કરવા માટે એણે બે ખંડ, નવ ટાઈમ ઝોન, નવ મોટી પર્વતીય હારમાળાઓ, ત્રણ મોટા રણ અને ગીચ જંગલો પસાર કરવા પડ્યા હતા.
- 15 ઓગષ્ટ 2017એ એણે 1500 કિમીનો પ્રવાસ નોનસ્ટૉપ એના બે બાળકો સાથે -40 થી 45- ડિગ્રીમાં રેકોર્ડ કર્યો હતો અને આ રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી.
- આવા બીજા અનેક રેકોર્ડ્સ એણે કાયમ કર્યા છે.
બેટી બચાઓ, બેટી પઢાઓનો આપ્યો સંદેશ
ભારુલતા જણાવે છે કે,બેટી બચાઓ, બેટી પઢાઓ એ મારા જીવનનું મિશન છે કારણ કે તેમનું બાળપણ ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું, તેમની માતાને દીકરીઓ બોજરૂપ લગતી હતી તેમના અને તેમના કાકાના મતે છોકરીઓ એટ્લે રસ્તાનો પથ્થર. તેમને તો દીકરો જ જોઈતો હતો. તેમની માતા તેમને ભારું કહીને બોલાવતા હતા જેથી તેમનું નામ ભાવિનીમાથી ભારુલતા પડી ગયું હતું. એટલું જ નહીં ભારુલતાના પિતાના અવસાન બાદ તેમની માતા બીજા લગ્ન કર્યા બાદ બે દીકરીઓને છોડીને પરવાહ કર્યા વગર લંડન જતાં રહ્યા હતા. જેથી તેમના ઉછેરની જવાબદારી તેમના નાના અને મામા એ ઉઠાવી. પણ નાનાના ગુજારી ગયા બાદ સગાંવાલાઑએ નક્કી કર્યું કે છોકરીઓને એમની માં પાસે લંડન મોકલી આપીએ. પણ ત્યાં ગયા બાદ બંને છોકરીઓ નધણીયાતી થઈ ગઈ, કારણ કે તેમની માં એ તેમને સાથે રાખવાની જ ના પાડી દીધી. અજાણી ધરતી પર બંને બહેનોને થોડા સમય એક સંબંધીએ આશરો આપ્યો અને તેમને એક સાડીની દુકાનમા કામ અપાવ્યું અને પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની વ્યવસ્થા પણ કરી આપી.ત્યાથી શરૂ થયો તેમનો જીવવા માટેનો સંઘર્ષ. રાત –દિવસ સાડીની દુકાનમા કામ અને બ્રેડની ફેક્ટરીમાં કામ કરી ગુજારો કર્યો. જો કે, તેમને ઇંગ્લિશ આવડતી ન હોવાથી આખો દિવસ તેઓ કામ કરતાં અને રાત્રે તેઓ ઇંગ્લિશ શીખવા માટે જતાં હતા. આમ કરતાં કરતાં ભારુલતાએ એક્સટર્નલ વિધ્યાર્થી તરીકે LLB અને LLM સુધીનો અભ્યાસ કર્યો અને તેમના બહેન એર હૉસ્ટેસ બનવાનું સપનું પૂરું કરીને પગભર થયા અને ઘર અને ગાડી ખરીદ્યા. 2007 માં તેમનો ભયંકર કાર અકસ્માત થયો અને સ્પાઇનને પુષ્કળ ઇજા થઈ જેના કારણે તેઓ ટ્રોમામાં આવી ગયા હતા જેથી તેમણે સાડાચાર વર્ષ સુધી કાર ચલાવવાનું છોડી દીધું હતું.તેમાથી બહાર નીકળવા મતે તેમના પતિએ તેમને ઘણો સપોર્ટ કર્યો અને કાઉન્સેલરે પણ પુષ્કળ મદદ કરી. તેઓ ધીમે ધીમે ટ્રોમામાથી બહાર નીકળી કાર ચલાવતા થયા.કારણ કે એમને એમનું સપનું પૂરું કરવું હતું.જે આર્ટિક સર્કલ પર એકલા જ ડ્રાઈવ કરીને આર્ટિક ભારતીય ઝંડો ફરકાવીને રેકોર્ડ કાયમ કર્યો અને ત્યારબાદ એમણે ઘણા રેકોર્ડ બનાવ્યા.
વિશ્વનો અંતિમ છેડો કહેવાતા ઉત્તર ધ્રુવ ખાતે તિરંગો લહેરાવ્યો
ભારુલતા પટેલને ડ્રાઇવિંગનું ઝનૂન તો પહેલેથી હતું પણ આ વખતે તે ચોક્કસ ઉદ્દેશ સાથે ડ્રાઇવ પર નીકળી. ઉદ્દેશ હતો- ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવવો. તે પણ બે બાળકો સાથે. અને આ સિદ્ધિ મેળવવા બદલ ભારુલતા પ્રથમ ભારતીય મહિલા બન્યા. તેમણે 10 હજાર કિ.મી.નો પ્રવાસ બ્રિટનના લ્યૂટનથી શરૂ કર્યો. 14 દેશોમાં થઇને ત્રણેય ઉત્તર ધ્રુવ પહોંચ્યા. બરફના તોફાનમાં પણ ફસાયા. છતાં પ્રવાસ આગળ ધપાવ્યો અને ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવીને જ પાછા ફર્યા.
ભારુલતા જણાવે છે કે, આટલું ઓછું હોય તેમ મને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. હું ખૂબ ડિપ્રેશનમાં હતી ત્યારે બાળકોએ મને કહ્યું કે મમ્મી, આપણે નૉર્વે જઇએ અને સાન્તા ક્લોસને કહીએ કે કેન્સર કાયમ માટે મટાડી દે. બાળકોની આ વાત મારા હૃદયને સ્પર્શી ગઇ ત્યારે બીજીવાર આર્ટીક સર્કલની સફર મારી સર્જરીના 2-3 મહિના બાદ બાળકો સાથે ખેડવાનો મે નિર્ધાર કર્યો, જેથી દુનિયાભરની મહિલાઓને કેન્સર અંગે જાગૃત કરી શકું. પ્રવાસ દરમિયાન કારનું એન્જિન બંધ કરી શકાય તેમ નહોતું, કેમ કે શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાનમાં ઇંધણ જામી જવાનું જોખમ હતું. જેથી સતત ડ્રાઇવ કરીને 9 નવેમ્બરે -15 ડિગ્રી તાપમાનમાં રાત્રે 11.30 વાગ્યે વિશ્વનો અંતિમ છેડો કહેવાતા ઉત્તર ધ્રુવ ખાતે પહોંચી ગયા અને ત્યાથી પાછા ફરતી વખતે બ્રિટિશ સંસદમાં ત્રણેયનું સ્વાગત કરાયું.
65,000 કિ.મી. ડ્રાઈવ કરીને દેશના 4 છેડાઓ પર તિરંગો લહેરાવશે
દેશને ગૌરવ અપાવનારા ભારૂલતા હવે નવું સાહસ ખેડવા જઇ રહ્યાા છે જેમાં ‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ કાર્યક્રમ હેઠળ શહીદોના બલિદાન અને બહાદુરી માટે શ્રધ્ધાંજલિ આપવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તેઓ તારીખ 18 જૂનના રોજ નવસારીના દાંડી ખાતેથી પ્રસ્થાન કરીને 15મી ઓગષ્ટ 2022 ના રોજ પોતાના બંને દીકરાઓને સાથે રાખીને જાતે કાર ડ્રાઈવ કરીને સિયાચીન પહોંચશે અને તિરંગો લહેરાવશે. આમ 5 માસમાં તેઓ 65,000 કિલોમીટર ડ્રાઈવ કરીને દેશના 4 છેડાઓ પર તિરંગો લહેરાવવાની ઈચ્છા ધરાવે છે. આ દરમિયાન તેઓ સતત બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓમાં કેન્સર અવેરનેસ તથા TB જાગૃતિ અંગે પ્રચાર કરશે.
દેશ-વિદેશમાં વિવિધ એવોર્ડોથી સન્માનિત કરાયા
- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા સન્માનીત કરાયા
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સન્માનીત કરાયા
- કીથ મરે રફરફોર્ડ મેમોરિયલ પ્રાઇઝ અને યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયર, UK તરફથી કાયદામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે શ્વેત બ્રિટિશ વિધાર્થીઓ સહિત તમામ વંશીય મૂળના સેંકડોમાથી એવોર્ડ માટે તેણીની પસંદગી કરવામાં આવી હતી.
- લ્યુટન અને બેડફોર્ડશાયર, UK માટે ધી રોલ મોડલ ઓફ ધ યર તરીકે કૉમ્યુનિટી એવોર્ડ વિજેતા રહી ચૂક્યા છે
- ગોલ્ડન એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્તકર્તા, હાઉસ ઓફ લોર્ડસ, UK
- વર્લ્ડ ટેલેન્ટ શો, કોલકાતા ખાતે ગ્લોબલ એચિવમેન્ટ એવોર્ડ
- CRPF ભારત દ્વારા સેવા અને વફાદારી માટે એવોર્ડ
- ફ્રન્ટીયર ચેમ્પિયન એવોર્ડ પ્રાપ્તકર્તા, વેલ્સ તમિલ સંગમ, UK
- વિમેન ઓફ સબસ્ટન્સ એવોર્ડ, મુંબઈ