SURAT

આવું વિચિત્ર વર્તન કરતી જળબિલાડી દેશમાં માત્ર સુરતના નેચર પાર્કમાં જ જોવા મળે

સુરત : (Surat) સરથાણા નેચર પાર્ક (Nature Park) ખાતે કેપટિવ બ્રીડિંગ (Captive Breeding ) થકી જન્મ લેતી જળબિલાડીને (Otters) દેશના અલગ-અલગ ઝૂમાં મોકલવામાં આવે છે. આખા દેશમાં માત્ર સુરતના નેચર પાર્કમાં કેપટિવ બ્રીડિંગ થાય છે. દેશના કોઇપણ ઝુમાં જળબિલાડી સુરતથી જ મોકલવામાં આવે છે.

શહેરમાં 2006માં આવેલા પૂર દરમિયાન અમરોલી વિસ્તારમાંથી જળબિલાડી અને એક નર મળી આવ્યા હતા. આ જોડીને સરથાણા નેચરપાર્કમાં લઇ જવાઇ હતી. આ બંનેનું કેપટિવ બ્રીડિંગ કરવામાં આવતા એક બાદ એક બચ્ચાનો જન્મ થયો હતો. 2006થી લઇ અત્યારસુધીમાં સરથાણા ઝૂમાં કુલ 33 બચ્ચા બ્રીડિંગથી ઉછેરવામાં આવ્યા હતા. આ જળબિલાડીની જોડી બનાવીને દેશના અલગ-અલગ ઝૂની જરૂરીયાત પ્રમાણે ઝૂમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મૈસુર, હૈદરાબાદ, ચંદીગઢ ઝુમાં જળબિલાડીની 1-1 જોડી મોકલવામાં આવી હતી. તેમજ રાયપુરથી સિંહ લાવ્યા તેની સામે સરથાણા ઝૂમાંથી જળબિલાડીની એક જોડી આપવામાં આવી તેમજ અમદાવાદમાં એક મેલને મોકલાયો હતો. તાજેતરમાં રાજકોટમાં પણ જળબિલાડી મોકલવામાં આવી છે. 2006માં રેસ્ક્યુ કરાયેલા નર અને માદા અને ત્યારબાદ મળેલી એક માદામાંથી 33 જળચર પ્રાણીનું ગ્રુપ બન્યું હતું.

દેશના કોઇપણ ઝૂમાં બ્રીડિંગ થયું હોય તેવું રેકોર્ડ ઉપર નથી : સરથાણા ઝૂ સુપ્રિટેન્ડન્ટ
ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, 2006થી લઇ અત્યારસુધીમાં 33 બચ્ચા બ્રીડિંગથી આવ્યા છે. જે પૈકી 10 જેટલા અન્ય ઝૂમાં મોકલાયા હતા. હાલ 17 જળબિલાડી (નર, માદા, બચ્ચા) છે. જેમાં બચ્ચાઓને તેમના માતા-પિતા સાથે અલગ-અલગ ત્રણ પાંજરામાં રાખવામાં આવ્યા છે. જળબિલાડીનું સોશિયલ બિહેવીયર વિચિત્ર પ્રકારનું છે. મેલ અને ફીમેલ બીજી વખત બચ્ચાને જન્મ આપે ત્યારબાદ પહેલી વખત આવેલા બચ્ચા 2 વર્ષના થાય ત્યારે અંદર અંદર ઘર્ષણ થાય છે. જેને કારણે અત્યાર સુધીમાં બે થી ત્રણ બચ્ચા મોતને પણ ભેટ્યા છે. બચ્ચા માતા-પિતા ઉપર પણ હુમલો કરી દે છે. વાઇલ્ડ લાઇફમાં આવું થતું નથી, કારણ કે વાઇલ્ડ લાઇફમાં ગ્રુપ બનાવીને જળબિલાડી પોતાનો વિસ્તાર સેટ કરી દે છે.

રેસ્ક્યુ દરમિયાન મળેલી પહેલી જળબિલાડી 2019માં મૃત્યુ પામી
અમરોલી તાપી નદીમાંથી 2006ના પુર સમયે રેસ્ક્યુ (Rescue) કરાયેલી જળબિલાડી 2019માં મૃત્યુ પામી હતી. જળબિલાડીનું આયુષ્ય 12 થી 13 વર્ષનું છે. જ્યારે તેની લંબાઇ સાડા ત્રણથી ચાર ફુટ સુધીની હોય છે.

Most Popular

To Top