નડિયાદ: નડિયાદ શહેરમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની પરીક્ષામાં બનાવટી પાસપોર્ટ સાથે ડમી વિદ્યાર્થી ઝડપાયાની ઘટનાને પગલે ચકચાર મચી છે. અગાઉ પણ નડિયાદમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની પરીક્ષાની માર્કશીટનું એક મસમોટું કૌભાંડ ઝડપાયું હતું, ત્યારે વધુ એક છેતરપિંડી – વધુ એક કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે ચાર ઇસમો સામે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરમાં આવેલી એક હોટલમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી કંપની દ્વારા પરીક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે અને તેમના જ કર્મચારીઓ દ્વારા તમામ દેખરેખ અને વેરિફીકેશન સહિતની કામગીરી કરવામાં આવે છે. આ પરીક્ષામાં અમદાવાદના શાહીબાગમાં રહેતો મીત જયેશભાઇ પટેલ પણ પરીક્ષાર્થી તરીકે આવ્યો હતો. નિયમાનુસાર મીતની ઓળખના પુરાવા અને તેની ફીંગર પ્રિન્ટનું વેરીફિકેશન કર્યા બાદ તેને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
થોડીવાર પછી મીતે વોશરૂમ જવાનું કહેતા ત્યાં હાજર કંપનીના કર્મચારી ધ્રુમિલ શૈલેષકુમાર રાજપુતે સહકર્મી માસુમ ઉદયભાઇ જોષીને મીતને વોશરૂમ લઇ જવાનું કહ્યું. આ સમયે મીતનું વેરિફીકેશન કરનાર રાઘવ શર્માને મીતની જગ્યાએ અન્ય યુવક પરીક્ષા આપી રહ્યો હોવાનું જણાતા તેમણે તરત જ તે યુવકનો પાસપોર્ટ માંગ્યો હતો. જોકે, શંકા જતાં રાઘવે ફીંગરપ્રિન્ટ વેરિફીકેશન કરાવતા તે મેચ થઇ ન હતી. જેથી આ મામલે પોતાના ઉપરીને જાણ કરવા માટે રાઘવ જઇ રહ્યો હતો તે સમયે ધ્રુમિલ અને માસુમે તેને રોકીને આર્થિક ફાયદો કરાવી આપવા સહિતની વાતો કરી હતી. જોકે, રાઘવ ન માનતાં ધ્રુમિલ અને માસુમે મીત અને તેના ડમી વિદ્યાર્થીને પાસપોર્ટ લઇને ભાગી જવાનું કહેતા, બંને રાઘવના હાથમાંથી પાસપોર્ટ લઇને ફરાર થઇ ગયા હતા. પરીક્ષામાં ચાલી રહેલી ગેરરિતી મામલે અંતે રાઘવે ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે મીત જયેશભાઇ પટેલ, માસુમ ઉદયભાઇ જોષી, ધ્રુમિલ શૈલેષકુમાર રાજપુત તેમજ મીતના સ્થાને પરીક્ષા આપવા આવેલા ડમી વિદ્યાર્થી સામે ફરિયાદ આપતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુપરવાઇઝરને શંકા ગયા બાદ ફિંગર પ્રિન્ટ ચેક કરતાં ભાંડો ફુટ્યો
નડિયાદની ખાનગી હોટલમાં લેવામાં આવી રહેલી પરીક્ષામાં શંકા જતાં સુપરવાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં મીતના નામે પરીક્ષા આપી રહેલા ઇસમ પાસે તેમણે પાસપોર્ટ માંગતાં તેણે જેપાસપોર્ટ રજૂ કર્યો હતો તેમાં તમામ વિગત મીતના પાસપોર્ટ મુજબની હતી. માત્ર ફોટો અલગ હતો. જેથી શંકા જતાં સુપરવાઇઝર દ્વારા ફીંગર પ્રિન્ટ વેરિફીકેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં ડમી પાસપોર્ટ અને ડમી વિદ્યાર્થી હોવાનો પર્દાફાશ થયો હતો.
અગાઉ પણ આઇ.ઇ.એલ.ટી.એસ.ની. બનાવટી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું
નડિયાદમાં અગાઉ બનાવટી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું અને તેમાં કેટલાક લોકોના નામ પણ ખુલ્યા હતા. જે તે સમયે આઇ.ઇ.એલ.ટી.એસ.ની પરીક્ષાના પ્રમાણપત્રો આપવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે હાલમાં જે ડમી વિદ્યાર્થી ઝડપાયો છે અને તેમાં આઇ.ઇ.એલ.ટી.એસ.ની પરીક્ષા કન્ડક્ટ કરતી સંસ્થાના બે કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી છે, તો વધુ એક કૌભાંડની શક્યતાને નકારી શકાય નહીં. આવા અન્ય કેટલા ડમી વિદ્યાર્થીઓએ બનાવટી પાસપોર્ટના આધારે પરીક્ષા આપી તે તપાસનો વિષય છે. વળી જો આ સમગ્ર કૌભાંડમાં કોઇ એકેડમીની સીધી કે આડકતરી સંડોવણી હોવાની પણ શક્યતા છે. આ ઉપરાંત આણંદમાં પણ અવાર-નવાર બાેગસ સર્ટીફીકેટના કાૈભાંડાે પકડાતા રહે છે.