સુરત: સામાન્ય રીતે નાણાંકીય વર્ષ પૂરું થયા બાદ નવા નાણાંકીય વર્ષના પહેલાં મહિના એપ્રિલમાં શાંતિ હોય છે. કર વિભાગના અધિકારીઓ કરચોરો વિરુદ્ધ તપાસ કરવાનું ટાળતાં હોય છે, પરંતુ આ વર્ષે સુરતના સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી વિભાગે એપ્રિલની ગરમીમાં જ ત્રાટકીને બિલ્ડરોને પરસેવો પડાવવા માંડ્યો છે. સ્ટેટ જીએસટી (State GST) વિભાગ છેલ્લાં બે દિવસથી વેસુના શંકર મારવાડી, મહાવીર શાહ, બાબુલાલ જૈન તથા તેઓ સાથે સંકળાયેલા સત્તુ જેવા નાના-મોટા બિલ્ડર, દલાલ, ઈન્વેસ્ટરોને ઢંઢોળી રહ્યાં છે, તો બીજી તરફ સેન્ટ્રલ જીએસટીના (CGST) અધિકારીઓએ સ્માર્ટ ટ્રીક અજમાવી એક જ ઝાટકે ઘોડદોડ રોડના એક બિલ્ડર (Builder) પાસેથી 6.10 કરોડની વસૂલાત (Recovery) કરી લીધી છે.
- ઘોડદોડ રોડના સાવનઈન્ફ્રાવેન્યૂ દ્વારા 44 યુનિટ્સના બુકિંગ લેવાયા હતા
- રેરા પર 44 યુનિટ્સના વેચાણની માહિતી અપલોડ કરતા બિલ્ડર ભેરવાયો
- બુકિંગ એમાઉન્ટ લીધી પણ મંથલી જીએસટી રિટર્નમાં તે નહીં દર્શાવતા સીજીએસટીએ સમન્સ મોકલ્યું
સેન્ટ્રલ જીએસટી વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એન્ટીઈવેઝન સીજીએસટી સુરતના અધિકારીઓ દ્વારા મેસર્સ સાવન ઈન્ફાવેન્યૂ એલએલપી (Sawan Infra venue LLP)(GSTI No. 24ADGFS9618D1Z0) પર તપાસ કરી હતી. આ બિલ્ડર પાસેથી 6.10 કરોડની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી છે.
આ આખાય કેસમાં રસપ્રદ માહિતી એવી છે કે જીએસટીના અધિકારીઓએ આ બિલ્ડરની કરચોરી રેરા (RERA) માંથી પકડી પાડી છે. સાવન ઈન્ફ્રાવેન્યૂ દ્વારા રેરામાં એવી માહિતી અપલોડ કરાઈ હતી કે, ગ્રુપ દ્વારા નિર્માણાધીન પ્રોજેક્ટમાં 44 યુનિટનું બુકિંગ થઈ ચૂક્યું છે, પરંતુ બીજી તરફ સાવન ઈન્ફ્રાવેન્યૂ એલએલપી દ્વારા જીએસટીના ચલણો GSTR1 અને 3 ડેટામાં એવું જોવા મળ્યું કે આ ગ્રુપ દ્વારા નીલ મંથલી રિટર્ન ફાઈલ કરાયું છે. આમ, બિલ્ડરે જીએસટી રીટર્નમાં આવક નહીં દર્શાવીને કરચોરી કરી હોવાનું પ્રસ્થાપિત થયું હતું. આ માહિતીના પગલે સીજીએસટી દ્વારા બિલ્ડર ગ્રુપ સાવન ઈન્ફ્રાવેન્યૂ એલએલપીને સમન્સ મોકલવાનું આવ્યું હતું. સમન્સ મળતા જ બિલ્ડરે પોતાની કરચોરી સ્વીકારી લઈ DRC-03 હેઠળ તા. 7 એપ્રિલ 2022ના રોજ રૂપિયા 6,10,06,632 રૂપિયાની જીએસટીની ભરપાઈ કરી દીધી હતી. બિલ્ડરની અન્ય ગેરરીતિઓ વિશે હાલ તપાસ ચાલી રહી છે.