ગોંડાઃ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગોંડા(Gonda)માં આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કાર(Car)માંથી એક બાળકીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાના પગલે આશ્રમમાં લોકોની ભારે ભીડ જમા થઇ ગઈ હતી. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. તેમજ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકી 4 દિવસ પહેલા તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, જેની લાશ આસારામ બાપુના આશ્રમમાં ઘણા દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના સ્ટાફે કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો
પોલીસે જણાવ્યું કે ઘટના કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં આસારામ બાપુના આશ્રમની છે. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના ચોકીદારે જ્યારે કાર ખોલી તો તેને અંદરથી મૃતદેહ જોવા મળ્યો, ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર અને આશ્રમને સીલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મૃતદેહને છુપાવવાનો મામલો જણાય છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ ઘટનાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે.
માતાએ 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
છોકરીની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર કેમિકલ નાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છોકરીના પિતા 3 વર્ષથી ગુમ છે. આજ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે ઘટના જમીન વિવાદને લઈને બની છે. છોકરીની માતાએ 7 લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરી રહી છે.
અગાઉ ગુજરાતમાં 2 વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા
આસારામના આશ્રમમાંથી મૃતદેહ મળવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચુકી છે. તમને જણાવી દઈએ કે 2008માં ગુજરાતમાં આસારામના આશ્રમ ‘ગુરુકુળ’ના આશ્રમમાંથી 2 રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગયા હતા. આ પછી 5 જુલાઈના રોજ સાબરમતી નદીના કિનારેથી વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
મધ્યપ્રદેશના આશ્રમમાંથી પણ મૃતદેહ મળ્યો હતો
ગુજરાત બાદ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં સ્થિત ગુરુકુલ આશ્રમમાં પણ એક બાળકના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વર્ષ 2008માં પણ બની હતી. આશ્રમના ટોયલેટમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, વિદ્યાર્થીના મોતનું કારણ બાથરૂમમાં પડી જવાથી હોવાનું જણાવાયું હતું.
પિતા અને પુત્ર પર બળાત્કારનો આરોપ
બીજી તરફ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં રહેતી બે બહેનોએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેમાં મોટી બહેને આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો જ્યારે નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં આસારામ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. જો કે આ કેસની સુનાવણી લાંબા સમયથી ચાલી રહી ન હતી.
બળાત્કાર માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો
આસારામને કોર્ટ દ્વારા 2013માં તેના આશ્રમની એક છોકરી પર બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. યુવતી સગીર હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે 2013થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને 2018માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે ઘણી વખત જામીન માટે અરજી કરી છે, પરંતુ દરેક વખતે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
આસારામના પુત્રએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લીધા હતા જામીન
આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી ગઈ છે. નારાયણ સાંઈ હાલ સુરતની લાજપુર જેલમાં બંધ છે. જેલમાંથી બહાર આવવા માટે નારાયણ સાંઈએ કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની માતા બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર માટે તેને જામીનની જરૂર છે. હાઈકોર્ટે પોલીસને જામીનના કાગળો તપાસવા આદેશ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજોના આધારે જામીન મેળવ્યા હતા. આ પછી હાઈકોર્ટના આદેશ પર અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.