નડિયાદ: ડાકોરમાં આવેલ બ્લોક સર્વે નં ૪૧૯, ૧૧૫૪ વાળી જમીનનું ખોટું પેઢીનામું બનાવી, વારસદારમાંથી પિતરાઈ બહેનનું નામ કાઢી, ખોટી વારસાઈ કરી જમીન વેચી દેનાર બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિ સામે ડાકોર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ડાકોરમાં રહેતાં શીવસિંહ હિંમતસિંહ પુવારના અવસાન બાદ તેમના માલિકીની જમીન તેમના વારસદાર ત્રણ પુત્રો ઉદેસિંહ, ફતેસિંહ, મોહનસિંહ તેમજ ત્રણ પુત્રીઓ મણીબેન, સુરજબેન અને નંદુબેનના નામે થઈ હતી. જે બાદ આ તમામ ભાઈ-બહેનોના સંતાનો આ જમીનમાં સીધી લીટીના વારસદાર બન્યાં હતાં. જોકે, ફતેસિંહના પુત્ર અમરસિંહ પુવાર, ભીખુસિંહ પુવાર તેમજ જશોદાબેન દલપતસિંહ પુવારે ભેગાં મળી આ જમીનનું ખોટુ પેઢીનામું બનાવી, પિતરાઈ બહેન હંસાબેનનું નામ વારસદારમાંથી કાઢી નાંખી, ખોટી વારસાઈ કરી તા.૩૧-૩-૨૦૧૮ ના રોજ જમીન ડાકોરમાં રહેતાં મહેશભાઈ મણીભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ રણછોડભાઈ પટેલ તથા ભગવાનભાઈ મણીભાઈ પટેલને વેચી દીધી હતી. આની જાણ હંસાબેન અને તેમના પુત્ર જયેન્દ્રભાઈને થતાં તેઓએ આ મામલે આ મામલે જિલ્લા જમીન તકેદારી સમિતીમાં અરજી કરી હતી. જેની તપાસ બાદ જયેન્દ્રસિંહ ખુમાનસિંહ મહીડા (રહે. ખેડા) એ ડાકોર પોલીસમથકમાં અમરસિંહ ફતેસિંહ પુવાર, જશોદાબેન દલપતસિંહ પુવાર (બંને રહે.કલ્યાણદાસનું ડેલું, ડાકોર) તેમજ ભીખુસિંહ ફતેસિંહ પુવાર (રહે.મહેમદાવાદ) સામે ફરીયાદ આપતાં, પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.
અમરસિંહે સન ૨૦૧૯ માં પણ ખોટા પેઢીનામાના આધારે જમીન વેચી હતી
શીવસિંહ હિંમતસિંહ પુવારના પુત્ર ઉદેસિંહ નિ:સંતાન હતાં. ઉદેસિંહ અને તેમના પત્નિ બાલુબેનના અવસાન બાદ તેમના માલિકીની જમીનમાં આડી લીટીના વારસદાર તરીકે શીવસિંહના તમામ સંતાનોના નામ દાખલ થવા કરવાને બદલે ખોટા પેઢીનામાં આધારે વારસદારમાં ફેરફાર નોંધ કરી શીવસિંહના સંતાનો પૈકી માત્ર એક પુત્રી સુરજબેનનું નામ દાખલ કરી દેવામાં આવ્યુ હતું. જે બાદ તા.૧૬-૧-૧૯ ના રોજ સુરજબેન કિરવતસિંહ રાઉલજી, અમરસિંહ ફતેસિંહ પુવાર અને મયુરસિંહ હરિસિંહ રાઉલજીએ ભેગા મળી ઉદેસિંહની માલિકીની આ જમીન વેચી દીધી હતી. આ મામલે એક મહિના અગાઉ ડાકોર ફરીયાદ નોંધાઈ હતી.