SURAT

સુરત પોલીસ કમિશનરે મુકેલા સજેશન બોક્સમાં પહેલી ફરિયાદ તેમના જ પોલીસકર્મી વિરુદ્ધ આવી

સુરત : (Surat) સુરત પોલીસ કમિશનર અજય તોમરનું સજેશન બોક્સ (Suggestion Box) આખરે સફળ નીવડ્યું છે. તેમાં જોગસ પાર્કમાં (Joggers Park) સિનિયર સિટિઝન (Senior Citizen) દ્વારા ઉમરા પીઆઇને મદદ કરવા માટે કાલાવાલા કરતાં લખવામાં આવેલો પત્ર સજેશન બોક્સમાંથી ખૂલતાં જ પીઆઇ રાજપૂતે તેમના પોલીસબેડામાં છુપાયેલા મહાચીટર પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) અને હનીટ્રેપ (Honey Trap) ગેંગનો ભાંડો ફોડ્યો હતો. ઇજ્જત જવાના ડરથી પોલીસ ફરિયાદ (Compliant) લખાવા માટે તૈયાર નહીં થનાર આધેડ કાપડ દલાલને પોલીસ સમજાવટથી પોલીસ ફરિયાદ લખાવી હતી. હનીટ્રેપ ગેંગનો મુખ્ય ગેગ લીડર સુરત પોલીસનો જવાન જયેશ લાડ આહીર નામનો પોલીસ કોન્સ્ટેબલ નીકળતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. સજેશન બોક્સમાં સિનિયર સિટિઝન દ્વારા ઇજ્જત જવાના ડરે પીઆઇ ઉમરા રાજપૂત પાસે મદદ માંગવામાં આવી હતી. દરમિયાન મહિલાની મદદથી આધેડનો પાંચ લાખનો તોડ કરવાનો કારસો કરનાર ગેંગમાંથી એક વ્યક્તિની ધરપકડ (Arrest) કરવામાં આવી છે.

  • હેડ ક્વાર્ટરનો જયેશ આહીર અને અન્ય ચાર લોકોએ કાપડ બજારના દલાલનો પાંચ લાખનો તોડ કરવા પ્રયાસ કર્યો
  • મહિલાએ ફોન પર વેપારીને ઘરે બોલાવીને ફસાવ્યો
  • અસલી અને નકલી પોલીસે ભેગા થઈ વેપારીને ફટકારી પાંચ લાખ માંગ્યા
  • પીઆઇ રાજપૂતે જે લોકો ભોગ બન્યા હોય તે લોકોને પોલીસ સ્ટેશન આવવા અપીલ કરી
  • આઠથી દસ લોકો ભોગ બન્યા હોવાની પોલીસને આશંકા

હનીટ્રેપ ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસ કોન્સ્ટેબલ
કાપડ બજારમાં છેલ્લા પાંચ દાયકાથી કાપડ દલાલીનું કામ કરતા આધેડને ગત તા.5 એપ્રિલના રોજ એક મહિલાનો ફોન આવ્યો કે તેમને હોલસેલમાં સાડીનો ધંધો કરવો છે. આથી તમે પૂજા એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ ખાતે આવી જાવ. કોટક બેંક પાસે આવેલા આ એપાર્ટમેન્ટમાં ચઢતાં જ પચાસ વર્ષની મહિલાએ સાડી માટે પૂછપરછ કરી હતી. એ દરમિયાન કોઇએ દરવાજો ખખડાવતાં જણાવ્યું કે, ‘કેમ અહીં આવો ધંધો કરે છે. અહીં આવા ખોટા ધંધા કરી રહ્યા છો’ કહીને પોતાની પોલીસની ઓળખ બતાવી હતી. તેમાં એક જણ ખાખી વર્દીમાં હતો. જેની નેમ પ્લેટ પર કે.એન.પરમાર લખ્યું હતું. આ ઉપરાંત અન્ય એક ઇસમે પોતાની ઓળખ રોહિત પટેલ-ડી-સ્ટાફ કોન્સ્ટેબલ તરીકે આપી હતી. ત્યારબાદ ધોલધપાટ કરી આધેડની ધોલાઇ કરી હતી. દરમિયાન આ રોહિતે પાંચ લાખ આપો તો છોડી દઇશું તેમ કીધું હતું. અલબત્ત, આ આધેડે કાલાવાલા કરતાં 3 લાખમાં સોદો પત્યો હતો. બાદ રોહિત પટેલ સગરામપુરા પોલીસ ચોકી પાસે આધેડને નાણાં લેવા માટે લઇ ગયો હતો. પરંતુ રોકડ રકમ આવતાં બે કલાક સમય લાગે તેમ હોવાનું જણાવતાં સ્થળ પરથી બાદમાં રોહિત પલાયન થઇ ગયો હતો. તેઓએ વેપારી પાસેથી વીસ હજાર રૂપિયા રોકડા લીધા હતા. ‘ચાર વાગ્યે બાકીનાં નાણાં લેવા આવું છું’ તેમ કહી રોહિત અને કે.એન.પરમાર છૂ થઇ ગયો હતો.

સજેશન બોક્સમાં ફરિયાદ લખાઈ અને પીઆઈ રાજપૂતે પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢ્યો
હનીટ્રેપમાં પચાસ વર્ષની મહિલાએ પૂજા એપાર્ટમેન્ટમાં બોલાવીને જે રીતે વેપારીને ફસાવ્યો એ વિગત સજેશન બોક્સમાં આ વેપારીએ લખી હતી. તેથી ત્વરિત પીઆઇ રાજપૂતે આ વેપારીના પરિવારને સમજાવી વેપારીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. તેમાં તપાસ કરતાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ જયેશ લાડ આહીર હોવાનું માલૂમ પડ્યું હતું.

હનીટ્રેપ ગેંગે સંખ્યાબંધ લોકોને ફસાવ્યા હોવાની પોલીસને શંકા
પીઆઇ રાજપૂતે જણાવ્યું કે, હનીટ્રેપ ગેંગે સંખ્યાબંધ લોકોને ફસાવ્યા હોવાની તેમને શંકા છે. હાલમાં પોલીસ કે.એન.પરમાર, કનકસિંહ, રોહિત પટેલ, ફોન પર વાત કરનાર બોગસ પીએસઆઇ રસીક પટેલ અને મજબૂત બાંધાની પચાસ વર્ષની સ્ત્રીને શોધી રહી છે. કનકસિંહ હાલમાં પોલીસ ગિરફ્તમાં છે. જ્યારે મુખ્ય સૂત્રધાર જયેશ આહીર હાલમાં વોન્ટેડ છે.

સજેશન બોક્સ કમિ. તોમરનું મગજ કામ કરી ગયું
સજેશન બોક્સ થકી લોકોને મદદ કરવા માટે કમિ. અજય તોમર દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે કામ કરી ગઇ છે. જે લોકો પોલીસ કે પછી ટપોરી અને ગુંડાનો ભોગ બન્યા હોય તેવા લોકો માટે રખાયેલા આ સજેશન બોક્સ થકી આખરે ગુનાનો નિકાલ થવા પામ્યો છે.

Most Popular

To Top