વલસાડ: વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન માટે દેશભરમાં પ્રખ્યાત છે. અહીંથી મોટા પ્રમાણમાં કેરી દેશભરના રાજ્યમાં તેમજ અમેરિકા અને રશિયા જેવા દેશોમાં પણ નિકાસ થતી હોય છે. અહીંના લોકો માટે કેરીની મોસમમાં એ રોજીંદો ખોરાક રહેતો હોય છે, પરંતુ આ વર્ષે વલસાડના લોકો માટે કેરી ભાગ્યે જ ખવાતા મિષ્ઠાન જેવી બની રહેશે. વાતાવરણમાં સતત બદલાવના કારણે આંબાવાડીમાં ભારે નુકશાની થઇ હોવાનું જોવા મળી રહ્યું છે. આ વર્ષે બદલાતા વાતાવરણની સૌથી માઠી અસર કેરીના પાક પર પડી છે.
- બદલાતા વાતાવરણને લઇ કેરીના પાકમાં 60 ટકાથી વધુ નુકસાની
- આ વર્ષે કેરીના ભાવમાં દોઢ ગણા વધારાની શંકા
- ધુમ્મસ અને ઝાકળવાળા વાતાવરણના કારણે મોર ફૂટ્યા નહીં
કેરી પર મોર લાગ્યા બાદ ધુમ્મસ અને ઝાકળવાળા વાતાવરણના કારણે મોર ફૂટી શક્યા જ ન હતા. જેના કારણે કેરીનો વધુ પાક આવે એવી શક્યતા જ દેખાતી નથી. પહેલા ચરણમાં આવતા મોર ખરાબ હવામાનના કારણે ખરી પડ્યા ત્યારે હવે બીજા ચરણના મોર પર ખેડૂતોની નજર છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે કેરી ના પાકમાં મોટો ઘટાડો નોંધાય એવું ખેડૂતો જણાવી રહ્યા છે.
દવાના પૈસા છૂટશે કે નહી એવી પરિસ્થિતિ
વલસાડના ગોરગામના ખેડૂત ગિરીષ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ફરીથી કેરીનો પાક બગડી ગયો છે. ખરાબ હવામાનના કારણે મોરમાંથી દાણા ફૂટ્યા જ નથી. આ વર્ષે ખેડૂતો માટે આંબાવાડીમાં છાંટેલી દવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહેશે. ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતોને સહાયની રાહ જોવી પડશે. આ વર્ષે કેરીનો ઓછો પાક જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વર્ષે કેરીનો ભાવ ગત વર્ષ કરતા દોઢ ગણો થાય એવું નિષ્ણાતો માની રહ્યા છે. આ વર્ષે કેસરનો ભાવ રૂ. 1500 પ્રતિમણ થી પણ વધે એવું લાગી રહ્યું છે. જોકે, હવે પાછળથી આવતી કેરીનો પાક સુધરે તો પરિસ્થિતિ સુધરી શકે.
વલસાડમાં રત્નાગીરીની કેરીનું આગમન
વલસાડના સ્થાનિક બજારમાં કેરીનો પાક નષ્ટ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ વલસાડમાંથી પસાર થતા હાઇવે નં. 48 પર ઠેર ઠેર રત્નાગીરીની કેરી વેચાવા આવી ગઇ છે. આ કેરી પ્રારંભિક ધોરણે રૂ.800 પ્રતિ ડઝનના ભાવે વેંચાઇ રહી છે. જોકે, આટલી મોંઘી કેરી ખાવી વલસાડના મધ્યમ વર્ગીય લોકો માટે અશક્ય જણાઇ રહ્યું છે.