શું કંગના હવે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાં કામ કરશે? કંગના એ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની અત્યાર સુધીમાં ઘણી પ્રશંસા કરી છે અને વિવેકે પણ કહ્યું છે કે કંગના ખૂબ ટેલેન્ટેડ છે પણ તેને જ ખબર નથી કે તે ખરેખર કેટલી ટેલેન્ટેડ છે. જો કે વિવેકે ફોડ નથી પાડ્યો કે કંગનાને લઈ તે કોઈ ફિલ્મ શરૂ કરવામાં છે કારણ કે તેના મનમાં કાશ્મીરના વાર્તાઓ આધારીત વેબસિરીઝ ઉપરાંત ‘ધ દિલ્લી ફાઈલ્સ’ફિલ્મ પર કામ કરવા માંગે છે. વિવેક માને છે કે કંગનાને લોકો ખોટી રીતે સમજી રહ્યા છે. અંદરથી તે બહુ સારી છે. વિવેક કંગના વિશે સારું બોલે એટલે બધા તેમ માની લેશે એવું માનવું નહીં. કંગના મિજાજી તો છે જ ને ઘણી જાહેર બાબતો વિશે તે પ્રતિક્રિયા પણ આપે છે. આમ કરવાથી તે તેની કારકિર્દીનું નુકસાન કરે છે કે ફાયદો? વિત્યા બે વર્ષની જ વાત કરીએ તો તેને એકાદ જ નવી ફિલ્મ મળી છે. મતલબ કે નિર્માતાઓ તેની સાથે સાવધ રહે છે. ફિલ્મ દરમિયાન કે રિલીઝ પછી કંગના કોઈ વિવાદ ખડો કરે તો નુકસાન ફિલ્મને જ જઈ શકે. કંગનાનું એક્ટિવિસ્ટ બનવું ફિલ્મ પ્રોફેશનલને યોગ્ય નથી. કંગના રણૌત ટેલેન્ટેડ અભિનેત્રી છે પણ તે જે પ્રકારની ફિલ્મો સ્વીકારે છે તેમાં ટેલેન્ટ જોઈ શકાય એવું વૈવિધ્ય નથી હોતું.
એક અર્થમાં તે મનોરંજક ફિલ્મની વ્યાખ્યા પણ પોતાની રીતે કરી રહી છે એટલે જે નિર્માતા-દિગ્દર્શકને કંગનાની ઈમેજમાં રસ હોય એ જ તેને પોતાની ફિલ્મમાં લે. તે દરેક વખતે સ્ત્રીકેન્દ્રી ફિલ્મ જ ઈચ્છતી હોય તે તો કઈ રીતે મળે? તેની આવનારી ફિલ્મોનાં શીર્ષક જુઓ- ‘પંગા’, ‘ધાકડ’, ‘તેજસ’. તેને આવી ફિલ્મો તરફ ‘ક્વિન’અને ‘તનુ વેડ્સ મનુ’ની બે ફિલ્મોએ દોરવી છે. કંગનાની સારી વાત એ છે કે તે પોતાના પાત્રને ટોટાલીટીથી જીવી જાય છે. જો ફિલ્મનો વિષય તેને ગમે અને પોતાનું પાત્ર પસંદ પડે તો પછી તમે તેને રોકી ન શકો એટલો પાવર દેખાડશે. આ કારણે જ તેને ‘થલાઈવી’માં જે. જયલલિતાની ભૂમિકા મળેલી. એ વાત જૂદી કે તે અપેક્ષા પ્રમાણે સફળ ન ગઈ પણ કંગનાએ તો સારું જ કામ કરેલું. પણ તેણે પાત્રો સ્વીકારવામાં કાળજી રાખવી જોઈએ. હમણાં તે ‘અપરાજીતા અયોધ્યા’ફિલ્મનું દિગ્દર્શન કરવા સાથે અભિનય કરી રહી છે. આ ફિલ્મ બાબરી મસ્જિદ-રામ મંદિર, વિવાદ આધારીત લવસ્ટોરી છે. એ ફિલ્મ ‘આરઆરઆર’, ‘શિવાજી’, ‘બાહુબલી’, ‘થલાઈવી’લખનાર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. આ ફિલ્મ તે રિયાલિસ્ટિક સ્ટાઈલે બનાવી શકશે? ‘ધ કાશ્મીર ફાઈલ્સ’પછી લોકો અમુક વિષયમાં મનોરંજનનું વધારે મોણ નથી ઈચ્છતા. બાકી અત્યારે તો તે ‘લોક અપ’રિયાલિટી શૉને હોસ્ટ કરી રહી છે. તેને આશા હતી કે ‘બિગ બોસ’જેવો આ શો પણ ચર્ચાસ્પદ બને પણ એવું થયું નથી.