Business

‘ગુલ્લક-3’ ને ગુડ લક માનતી ગીતાંજલી કુલકર્ણી

ટી.વી. સિરીયલ હોય કસે વેબ સિરીઝ જો તે સફળ થાય તો તેની બીજી – ત્રીજી સીઝન શરૂ થતી હોય છે. સફળ ફિલ્મોની સિકવલ બનતી હોય તો આ પણ બનવાનું. એક વિષય ચાલી નીકળે તો તેનો થાય તેટલો કસ કાઢી લેવાનો. સીઝનને કારણે જે તે સિરીઝના કળાકારોને પણ સારા લાભ થાય છે. ગીતાંજલી કુલકર્ણીને તમે ‘ગુલ્લક’માં શાંતિ મિશ્રા તરીકે જોઇ જ છે. હવે આ સિરીઝની ત્રીજી સીઝનમાં તે આ ૭મી એપ્રિલથી ફરી દેખાશે. શરૂમાં આ ગીતાંજલી પોતાને ફિલ્મની એકટ્રેસ તરીકે જ ઓળખાવતી હતી કારણકે ‘રાગિની એમએમએસ-2’, ‘કોર્ટ’, ‘સર’, ‘ફોટોગ્રાફસ’ વગેરેમાં તેણે કામ કર્યું છે. પણ ચરિત્ર અભિનેત્રી તરીકે કામ કરો તો તમે તમારી ડિમાંડ ન ઊભી કરી શકો. ફિલ્મના માળખામાં જયાં ગોઠવાય જવાનું મળે ત્યાં ગોઠવાય જવાનું. બસ, આ કારણે જ તે ટી.વી. અને વેબસિરીઝ તરફ વળી.

‘તાજમહાલ ૧૯૮૯’ માં તેણે સરિતાનું પાત્ર ભજવ્યું તો ‘ઓપરેશન એમબીબીએસ’ માં ડીન સાધના શર્મા બની ‘આર્યા’ ની સુશીલા શેખર પણ ગીતાંજલી ન હતી અને હવે ‘હંબલ પોલિટીશ્અન નોગ્રાજ’ માં તે શ્રીમતી દલાલ અને ‘અનપોઝ્‌ડ: નયા સફર’ માં સંગીતા વાઘમારે બની છે. હમણાં તેની પાસે ફિલ્મો નથી. વેબ સિરીઝ પર જ ટકી છે. ગીતાંજલી કુલકર્ણી અભિનેત્રી તરીકે પડકારો ઝીલી શકે છે કારણ કે તે પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી જ તાલીમ લઇને આવી છે. તે કહે પણ છે કે નાટકમાં કામ કરવાનો અનુભવ મને ખૂબ મદદ કરે છે. તેણે મરઠી, હિન્દી નાટકોમાં કામ કર્યું છે. ‘કોર્ટ’ માં તેણે વકીલ તરીકે પાવરફૂલ અભિનય કર્યો પછી કામની ખોટ પડી નથી. વેબ સિરીઝમાં પણ જયારે મુખ્ય પાત્ર ભજવવાનું હોય તો તે વધારે સભાન થઇ જાય છે. ‘ગુલ્લક’નું પાત્ર તેને ગમતું પાત્ર છે એટલે તેને ત્રીજી સીઝનમાં પણ મઝા આવી છે. તે કહે છે કે સારો વિષય હોય તો લોકોને ગમે જ છે અને એટલે જ ‘ગુલ્લક’ની ત્રીજી સીઝન શરૂ થઇ રહી છે. ‘આર્યા-2’ પણ ‘ગુલ્લક-3’ તેનામાં રહેલી અભિનેત્રીને નામ – દામ આપે છે. વેબ સિરીઝમાંથી ફૂરસદ કાઢી તેણે ‘એશીરા ઓન એ રોડ ટ્રીપ’ નામની મરાઠી ફિલ્મમાં કામ પુરુ કર્યું છે.

Most Popular

To Top