Business

મેન્ગ્રોવ વનસ્પતિઓની હારમાળાઓ સુનામીનો વેગ ઓછો કરે છે

આજકાલ આપણે જેટલી ઝડપે જંગલોનું આવરણ ગુમાવીએ છીએ તેના કરતાં 5 ગણી ઝડપે આપણે મેન્ગ્રોવનું આવરણ ગુમાવીએ છીએ.
આજકાલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ, શહેરીકરણ ઉપરાંત ખેતીલાયક જમીનને બીજા ઉપયોગમાં લેવા માટે તેનું રૂપાંતરણ વગેરેને કારણે જેટલી ઝડપે આપણે જંગલોનું આવરણ ગુમાવીએ છીએ તેના કરતાં 5 ગણી ઝડપે આપણે મેન્ગ્રોવ વનસ્પતિનું આવરણ ગુમાવીએ છીએ. હમણાં યુનેસ્કોએ રજૂ કરેલા એક અંદાજ મુજબ છેલ્લાં 40 વર્ષોમાં મેન્ગ્રોવ વનસ્પતિઓનું આવરણ અગાઉ હતું તેના કરતાં અડધું થઇ ગયું છે! આજકાલ ટ્રોપિકલ જંગલોમાંના ફકત 1% જંગલો મેન્ગ્રોવ જંગલો છે. વર્ષ 2019 માં મેન્ગ્રોવ વનસ્પતિઓના આવરણ વિશે જે માહિતી આપવામાં આવી હતી તેમાં મેન્ગ્રોવ વનસ્પતિઓનું કુલ આવરણ 4975 square Km માલૂમ પડયું હતું. વર્ષ 2017 માં જે અંદાજ મેળવવામાં આવ્યો હતો તેના કરતાં વર્ષ 2019માં મેન્ગ્રોવ વનસ્પતિઓના આવરણમાં 54 square Kmનો વધારો જોવા મળ્યો હતો. જે 3 રાજયો આ મેન્ગ્રોવના આવરણમાં વધારો દર્શાવતાં હતાં તેમાં ગુજરાત (37 square Km), મહારાષ્ટ્ર (16 square Km) અને ઓરિસ્સા (8 square Km) નો સમાવેશ થતો હતો. આ મેન્ગ્રોવ જંગલો ભારતનાં 9 રાજયો અને 3 કેન્દ્રશાસિત રાજયો (યુનીઅન ટેરીટરી)ના દરિયા કિનારાના પ્રદેશોમાં જોવા મળ્યા છે.

મેન્ગ્રોવ વનસ્પતિઓની હારમાળાએ સુનામીનો વેગ ઓછો કરીને સમુદ્રના પાણીને ગામડાંઓમાં પ્રવેશતાં રોકયાં હતાં
સુંદરવન સિવાય ભારત દેશ મેન્ગ્રોવ વનસ્પતિના આવરણના બીજા કેટલાય પટ્ટાઓ ધરાવે છે, જેમાં ગોદાવરી ક્રિષ્નાના મેન્ગ્રોવ, ભીતરકનિકા મેન્ગ્રોવ વેટલેન્ડ (ભેજસમ્પન્ન જમીન), અંદામાન અને નીકોબારના ટાપુઓમાં બારાટન્ગ ટાપુ અને ચિદમ્બરમમાં પીચાવરણ મેન્ગ્રોવ ધરાવે છે. વર્ષ 2004 ના હિંદી મહાસાગરના સુનામી દરમ્યાન આ પીચાવરણ મેન્ગ્રોવના જંગલોએ તમિલનાડુનાં કેટલાંયે ગામડાંઓને રક્ષણ આપ્યું હતું, સમુદ્રના પાણીને ગામડાંઓમાં પ્રવેશતાં રોકયાં હતાં અને તેથી મિલકતોને થયેલું નુકસાન લઘુતમ રહ્યું હતું. તે વખતે આ મેન્ગ્રોવ વનસ્પતિઓની હારમાળાઓએ સુનામીનો વેગ અને સુનામીના પાણીનો જથ્થો ઓછો કરીને તેની સંભવિત અસરોને ખાળી હતી. આ મેન્ગ્રોવ એ કિનારાની ભેજ સમ્પન્ન જમીન (વેટલેન્ડ) માં જોવા મળતાં વૃક્ષો કે ઝાડીઝાંખરાઓ છે. તેઓ ગુંચવાઇ ગયેલા મૂળ ધરાવે છે જે મૂળ જમીનની સપાટી પર વૃધ્ધિવિકાસ પામે છે.

ભારત દેશ દુનિયાના કુલ મેન્ગ્રોવના 3% મેન્ગ્રોવ ધરાવે છે
દુનિયાની કુલ મેન્ગ્રોવ વનસ્પતિઓમાં ભારતનો હિસ્સો 3 % છે. હાલમાં ભારતમાં મેન્ગ્રોવનું આવરણ 4740 square Km છે, જે ભારતના ભૌગોલિક વિસ્તારના 14% છે. ભારતમાં મેન્ગ્રોવના કુલ આવરણમાં પશ્ચિમ બંગાળના સુંદરવનનો હિસ્સો લગભગ 50% છે. વર્ષ 2013ની સાથે સરખામણી કરતા ભારતના મેન્ગ્રોવ વનસ્પતિઓના આવરણમાં 112 square Kmનો સ્પષ્ટ વધારો જોવા મળ્યો છે. ભારત દેશનાં 5 રાજયો જેઓ વધારેમાં વધારે મેન્ગ્રોવનું આવરણ ધરાવે છે, તેઓ પશ્ચિમ બંગાળ (2106 square Km), ગુજરાત (1107 square Km), અંદામાન અને નીકોબાર ટાપુઓ (617 square Km), આંધ્રપ્રદેશ (367 square Km) અને ઓરિસ્સા (231 square Km) છે. આ ઉપરાંત આ મેન્ગ્રોવ તમિલનાડુ, ગોવા, કેરાલા, દમણ અને દીવ, કર્ણાટક અને પોન્ડિચેરીમાં પણ જોવા મળે છે.

મેન્ગ્રોવ વનસ્પતિઓ ગુમાવવાનો દર અગાઉ જે જણાવવામાં આવ્યો હતો તેના કરતાં ઓછો છે
નેશનલ યુનિવર્સિટી ઓફ સીંગાપોરના નેતૃત્વવાળી 22 વિજ્ઞાનીઓની બનેલી એક ટીમને જાણવા મળ્યું છે કે અગાઉ જે જણાવવામાં આવ્યું હતું તેના કરતાં મેન્ગ્રોવ વનસ્પતિઓ ગુમાવવાનો દર ઓછો છે. આ સમાચાર આપણા પૃથ્વી ગ્રહની નિવસન પ્રણાલીઓમાંની એક સૌથી વધારે મૂલ્યવાન નિવસન પ્રણાલી માટે સારા સમાચાર છે.  સિંગાપોર નેશનલ યુનિવર્સિટીના વિજ્ઞાની ડેનિયલ એ. ફ્રીસના જણાવ્યા પ્રમાણે ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં  મેન્ગ્રોવ જંગલો ગુમાવવાનો દર પ્રતિ વર્ષ 1% થી ૩% અંદાજવામાં આવ્યો હતો. પણ હમણાં આ મેન્ગ્રોવ જંગલો ગુમાવવાનો દર ઘટીને 0.3 %થી 0.6 % થઇ ગયો છે. સમગ્ર વિશ્વમાં જે મેન્ગ્રોવ વનસ્પતિઓની જાળવણી કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા તેનું આ પરિણામ છે.

વેટ લેન્ડ (ભેજ સમ્પન્ન જમીન) શું છે?
વેટલેન્ડ એ જમીનના એવા વિસ્તારો છે કે જયાં પાણી એ પર્યાવરણ પર નિયંત્રણ ધરાવતું અગત્યનું પરિબળ હોય. જયાં ‘વોટર ટેબલ’ જેતે જમીન ખંડ આગળ અથવા તે જમીનખંડની નીચે હોય, ત્યાં આવી જમીન હોય. એક તબકકે જેને અસ્થાયી વસાહતો અથવા તો ખુલ્લા પાણીથી જમીન સુધીના કંઇ કેટલાયે તબકકાઓ દૂર માનવામાં આવતી હતી, તે વેટલેન્ડને હવે નિવસન સંબંધી લાક્ષણિકતાઓ, કાર્યો અને મૂલ્યો ધરાવતી નિવસન પ્રણાલીઓ તરીકે જોવામાં આવે છે. ‘વેટલેન્ડ’ અંગેના રામસર કરાર પર ઇરાનના રામસર શહેરમાં સંબંધિત દેશોના પ્રતિનિધિઓ દ્વારા સહીસિકકા કરવામાં આવ્યા હતા. તે એવી આંતર સરકાર જાણકારી મુજબ ભારત 47 વેટલેન્ડ ધરાવે છે, દુનિયામાં કુલ 2463 વેટલેન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. હમણાંના સમાચાર મુજબ ચેન્નાઇમાં ભારતના પહેલામાં પહેલા ‘વેટલેન્ડ જાળવણી કેન્દ્ર’ની સ્થાપના કરવામાં આવી છે.

ભારતના 4 વધારે જમીનખંડને રામસર સેક્રેટરીઅટ તરફથી ‘રામસર સ્થળ’ તરીકે માન્યતા મળી
ભારતના 4 વધારે જમીનખંડોને રામસર સેક્રેટરી મંડળ તરફથી ‘રામસર સ્થળ’ તરીકે માન્યતા આપવામાં આવી છે. તે અનુસાર આ નવી વેટલેન્ડ ગુજરાતની ‘ધોલ સરોવર વન્ય જીવન અભયારણ્ય’ અને વઢવાણ ‘વેટલેન્ડ’ છે. આ ઉપરાંત બીજી બે વેટલેન્ડ હરિયાણાની ‘સુલતાનપુર નેશનલ પાર્ક’ અને ‘ભીંદા વન્યજીવન અભયારણ્ય’ છે.

અંદામાન અને નીકોબારના ટાપુઓ હિંદી મહાસાગરના કોરલ રીફની ઝૂલથી ઘેરાયેલા છે
અંદામાન અને નીકોબારના ટાપુઓ વૈશ્વિક સુન્દાલેન્ડ જૈવ વૈજ્ઞાનિક હોટસ્પોટનો એક હિસ્સો છે. આ ટાપુઓ હિંદી મહાસાગરના અતિ પ્રેક્ષણીય એવા કોરલ રીફની ઝૂલથી ઘેરાયેલા છે. તેમને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અગત્યના ગણવામાં આવે છે. આ પ્રદેશ પોતાનામાં મેન્ગ્રોવ જંગલો ધરાવતા સારા એવા વિસ્તારને સમાવે છે.

કાલીવેલી વેટલેન્ડને પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવી
તમિલનાડુના વીલુપુરમ જિલ્લાના વહીવટદારોએ વન્ય સંરક્ષણ ધારા હેઠળ પહેલવહેલી જાહેરાત બહાર પાડી છે. આ જાહેરાત ‘કાલીવેલી વેટલેન્ડ’ને પક્ષી અભયારણ્ય જાહેર કરવા બાબતે છે. આ નિર્ણયને વન્ય અધિકારીઓએ અને પ્રકૃતિની જાળવણી ઇચ્છતા લોકોએ આવકાર્યો છે કારણ કે આવો પ્રયત્ન આ વેટલેન્ડનું રક્ષણ કરવાના પ્રયત્નોને બઢતી આપશે.

આ અંગેની જાહેરાત વન્ય સંરક્ષણ ધારા, વર્ષ 1972ના ‘અધિનિયમ 18’ હેઠળ કરવામાં આવી હતી. આ જાહેરાતને કારણે વહીવટકર્તાઓ એ તકેદારી રાખશે કે આ વિસ્તારની આસપાસ કોઇ બાંધકામ ન કરવામાં આવે. આ  જાહેરાત કુદરતી જૈવાવરણ અને જૈવવૈવિધ્યની જાળવણી કરવામાં મદદરૂપ થશે. તે ઇકો પ્રવાસન પ્રવૃત્તિઓ મારફતે સ્થાનિક લોકો માટે જોબ અને રોજગારીની તકો ઊભી કરશે. આનાથી આગળ વધીને આ વેટલેન્ડનો વધારો મોટો વિસ્તાર ભોંયતળિયેના જળટેબલનો જથ્થો જાળવી રાખવા બાબતે મદદરૂપ થશે.

Most Popular

To Top