Dakshin Gujarat Main

તાપીમાં સરકારી શાળાના શિક્ષકે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું, પોલીસે શિક્ષકને જેલ ભેગો કર્યો

વ્યારા: વ્યારા (Vyara) ડી.કે.પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષક ઘરેથી પોતાની અર્ટીગા ફોર વ્હીલ કારમાં એસેસરીઝ ફિટ કરાવવા માટે નીકળ્યા બાદ તેઓની દીકરીના મોબાઇલ પર કોઇ ગનધારી ચાર શખ્સો અપહરણ (Kidnapping) કરી ગયાનો મેસેજ મોકલ્યો હતો. પુત્રીને ફોન પર કહ્યું હતું કે, મને ઉગમ હાઇટ્સ પાસેથી ચાર જણા લઇ ગયા છે. તેમની પાસે ગન (Gun) હોવાનું કહેતાં ભયભીત થયેલી પુત્રીએ આ બનાવની પોતાની બહેન અને બનેવીને જાણ કરી ઘટના અંગેની પોલીસ ફરિયાદ આપી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણ અંગેનો ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.ગણતરીના કલાકમાં જ પોલીસે આ અપહરણનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, શિક્ષકે જ પોતાના અપહરણ થયા હોવાનું નાટક કર્યું હતું અને પોલીસને ગુમરાહ કરી હતી. જેને લઈ પોલીસે શિક્ષકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • દીકરીના મોબાઇલ પર પિતાએ ગનધારીઓ અપહરણ કરી ગયાનો મેસેજ મોકલ્યો
  • ફિઝિયોથેરાપીસ્ટ પુત્રીએ પિતાને લોકેશન મોકલવા કહ્યું તો રિપ્લાય ન આવ્યો
  • જો કે, અપહ્યત શિક્ષક રાજસ્થાનમાંથી અર્ટીગા ગાડી સાથે એકલા મળી આવતાં રહસ્ય ઘેરાયું
  • સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું હતું
  • પોલીસને ગુમરાહ કરવાના ગુનામાં શિક્ષક થયો જેલ ભેગો

વ્યારાના કાટીસકૂવા નજીક ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હર્ષદ લાલજી ગામીત (ઉં.વ.૫૬) પત્ની સરલાબેન વ્યારાના બેડકૂવા નજીક ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય હોવાથી ગત તા.૪ એપ્રિલે સવારે પોતાની વેગેનાર લઇ નોકરીએ ગયા પછી ઘરે પરત આવી ગયા હતા. સાંજના ચારેક વાગે હર્ષદભાઇ બજારમાં ફ્રૂટ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. સાંજના પાંચ વાગે પરત આવ્યા બાદ તેઓની પત્નીને પેટમાં દુખાવો થતો હોવાથી તેઓને દવાખાને લઈ ગયા હતા. સાંજે આશરે છ વાગે તેઓ પોતાની અર્ટીગા ફોર વ્હીલ ગાડી નં.(GJ 26 AB 7897)માં એસેસેરીઝ ફિટ કરવાની હોવાથી ડેકોરેટર્સની દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. આશરે સાતેક વાગેના અરસામાં તેઓની ફિઝિયોથેરાપીસ્ટ થયેલી પુત્રી નીરલના મોબાઇલ ઉપર ફોન આવ્યો કે, તારીબેન નેહલને ત્યાં રોટલા બનાવવાના છે, તો હું કહી દઉં છું.

ત્યાર બાદ રાત્રિના ૯:૧૨ વાગ્યાના અરસામાં પુત્રીને તેઓએ ફોન પર કહ્યું હતું કે, “મને ઉગમ હાઇટ્સ પાસેથી ચાર જણા લઇ ગયા છે. તેમની પાસે ગન છે. મને ખબર નથી હું ક્યાં છું. તમે કોઇને કહેતા નહીં, શાંતિથી જમી લેજો, હું આવી જઈશ, તમે કોઇને કહેતા નહીં’ તેવું કહેતાં પુત્રીએ તેના પિતાને પૂછ્યું કે, ‘તમે ક્યાં છો?’

ત્યારે તેના પિતાનો ફોન કટ થઇ ગયો હતો. નીરલે આ ઘટનાની બહેન નેહલને જાણ કરી હતી. ત્યાર બાદ નીરલના મોબાઇલ ઉપર તેના પિતાના મોબાઇલથી ટેક્સ મેસેજ આવ્યો કે ‘લગભગ મહારાષ્ટ્રના ગામડાના રસ્તે છે, બેટા કંઇ જ ન કરતા, મને શૂટ કરી દેશે, પોલીસને જાણ ન કરતાં, નવ વાગે સવારે છોડી દેશે’. જેથી પુત્રી નીરલે સામેથી પિતાને મેસેજ કર્યો કે, ‘તમારું લોકેશન મોકલો’ પણ સામેથી કોઇ રિપ્લાય આવ્યો ન હતો.

જો કે, વ્યારામાં કાનપુરાના અપહરણ થયેલા શિક્ષકને સ્થાનિક પોલીસે રાજસ્થાનના ગોવર્ધન વિલા પોલીસમથક વિસ્તારમાંથી પસાર થતાં અર્ટીગા ગાડી સાથે એકલા મળી આવ્યાનું જાણવા મળ્યું છે. તેઓનું ચાર શખ્સોએ અપહરણ કર્યાનું તેઓએ જ પોતાની દીકરીના મોબાઇલ પર મેસેજ કર્યો હતો, પણ રાજસ્થાન પોલીસે પકડ્યો ત્યારે તેઓ પોતે કારમાં એકલા જ હતા. વ્યારા પોલીસની ટીમ આ શિક્ષકને લેવા રાજસ્થાન રવાના થઈ છે.ત્યાર બાદ શિક્ષક હર્ષદ ગામીતને વ્યારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરાઈ હતી. શિક્ષકે પોતાના અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસે પોલીસને ગુમરહા કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top