SURAT

ભાજપના કાર્યક્રમ અંગે હર્ષ સંઘવીની ટ્વીટ ઉપર આ પોલીસ અધિકારીએ રિટ્વીટ કરતાં વિવાદ

બારડોલી: (Bardoli) ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પક્ષના કાર્યક્રમને લઈને કરેલી ટ્વિટને સુરત ગ્રામ્ય પોલીસ વડાએ (SP Surat Rural) રિટ્વીટ કરી દેતાં વિવાદ સર્જાયો છે. પક્ષનો કાર્યક્રમ હોવા છતાં પોલીસ વડાએ પોતાના સત્તાવાર ટ્વીટર (Twitter) હેન્ડલ પર ટ્વિટ કરતાં મામલો ગરમાયો છે. હજી સુધી પણ આ રિટ્વીટ યથાવત જોવા મળી રહ્યું છે.

  • કામરેજ ખાતે ડે કેર સેન્ટર ઉદઘાટન અને ગામદૂત યોજનાની શરૂઆતનો કાર્યક્રમ યોજાયો હતો
  • સરકારી કાર્યક્રમ હોવાથી જિલ્લા પોલીસ વડાએ પણ રિટ્વીટ કરી યોજનાનો પ્રચાર પ્રસાર કર્યો હતો

સામાન્ય રીતે રાજ્યના કે કેન્દ્રના મંત્રી તેના સરકારી કાર્યક્રમની ટ્વિટ કરતાં હોય છે. જે ટ્વિટ તેના વિભાગના અધિકારીઓ દ્વારા રિટ્વીટ કરવાની પરંપરા શરૂ થઈ છે. ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કામરેજ ખાતે ડે કેર સેન્ટર ઉદઘાટન અને ગામદૂત યોજનાની શરૂઆતનો કાર્યક્રમ યોજાયો હતો. જે અંગે ગૃહ રાજ્ય મંત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વિટ કરી હતી. આ સરકારી કાર્યક્રમ હોવાથી જિલ્લા પોલીસ વડાએ પણ રિટ્વીટ કરી યોજનાનો પ્રચાર પ્રસાર કર્યો હતો.

દરમિયાન આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત શહેરના વોર્ડ નં.22ના વિશ્વકર્મા મંદિર ખાતે આયોજિત ટિફિન બેઠક અને વોર્ડ નં.19માં બચકાનીવાળા સ્કૂલ ખાતે આયોજિત ટિફિન બેઠક બાબતે પોતાના ટ્વીટર હેન્ડલ પર તસવીરો સાથે બે અલગ અલગ ટ્વીટ કરવામાં આવી હતી. આ બંને પક્ષના કાર્યક્રમ હોવા છતાં પણ સુરત જિલ્લા પોલીસ વડા SP SURAT RURALના હેન્ડલ પરથી રિટ્વીટ કરી હતી. સરકારી અધિકારી હોવા છતાં એક પક્ષના કાર્યક્રમનો પ્રચાર કેવી રીતે કરી શકે એ બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ પણ એક સરકારી અધિકારી દ્વારા જાહેર કાર્યક્રમમાં ભાજપ સરકાર એવો શબ્દ વાપરવામાં આવતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સુરત જિલ્લા પોલીસ વડાએ ભાજપના કાર્યક્રમને રિટ્વીટ કરતાં મામલો ગરમાયો છે.

કેટલાક સરકારી અધિકારી-કર્મચારીઓ ભાજપના એજન્ટ બની કામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ: સરકારની વાહવાહી અને ચાટુકારિતા માટે ખેસ પહેર્યા વગર કાર્યકર્તાની જેમ અધિકારી-કર્મચારીઓ ભાજપના એજન્ટ બની ફરજ બજાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં ભાજપ પક્ષના કાર્યક્રમમાં હાજરીની ટ્વિટને સુરત ગ્રામ્ય પોલીસના વડાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ ‘એસ.પી. સુરત રૂરલ’ પરથી રિટ્વિટ કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષના આશ્રય અને ખેસવગરના કાર્યકર્તાની જેમ વહિવટી પાંખના અધિકારી અને કર્મચારીઓની વધુ એક ઘટના સામે આવી છે. ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે આ અગાઉ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની પણ આ પ્રકારની કામગીરી સામે આવી હતી. એક બાજુ ગુજરાત કોંગ્રેસના ઓફિસની અંદર પોલીસ ગેરકાયદેસર રીતે પ્રવેશી સર્ચ કરે છે, મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરે અને ભાજપના એજન્ટ બનીને વર્તી રહી છે. બીજી બાજુ સત્તા પક્ષના નેતાઓની રીટ્વિટ કરી ચાટુકારિતા કરી રહ્યાં છે.

Most Popular

To Top