સુરત: (Surat) ઉકાઈ ડેમમાં (Ukai Dam) પૂરતું પાણી હોવા છતાં નહેરોમાં ઓછું પાણી છોડવામાં આવતાં અહીં શેરડી, ડાંગરનો પાક સુકાઈ જવાનો ભય ખેડૂતોને (Farmer) સતાવી રહ્યો છે. કરમલા માઇનોર 1 અને 2 માં ખૂબ ઓછા ફોર્સથી પાણી છોડાતાં ઓલપાડ કાંઠાના ગામોની ખેતીની જમીનો ફાટી ગઈ છે અને શેરડી તથા ડાંગરનો પાક સુકાઈ રહ્યાની ફરિયાદ ખેડૂત સમાજને મળતાં ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયકે આગેવાનો સાથે ઓલપાડ કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી. પાણી ઓછું મળતાં ખેતીની જમીનો (Land) ફાટી ગઈ ગઈ છે અને પાક ખરાબ થઈ રહ્યો છે.
આ મામલે ખેડૂત સમાજ સિંચાઈ અધિક્ષક અને કલેક્ટરને રજૂઆત કરશે. દર્શન નાયકે જણાવ્યું હતું કે, સિંચાઇ વિભાગની કરમલા એ-1 માઇનોર અને એ-2 માઈનોરમાં સિંચાઇ માટે પાણી ખૂબ જ ઓછું હોવાને કારણે સિંચાઇના પાણી વિના ડાંગર અને શેરડી સહિતની 400 હેકટર જમીનમાં વાવેલા ઉભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી, જેને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ઓલપાડ તાલુકાના કાંઠાના ગામડાઓમાં પણ ડાંગરના પાક માટે સિંચાઇ વિભાગની નહેરોમાં ખૂબ જ ઓછું પાણી આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ખેડૂતોના વિરોધ બાદ 8 કલાક વીજળી આપવાનો સરકારનો નિર્ણય
સુરત : રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને કરવામાં આવેલી રજૂઆતોને પગલે ડીજીવીસીએલ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લાના ખેતીના ફિડરો થકી ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના વિરોધ બાદ 8 કલાક વીજળી આપવાનો નિર્ણય સરકારે લીધો છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોના કુલ 522 વીજ ફીડરોમાં આજે વીજ સપ્લાય ચાલુ કરવામાં આવી છે. એને લીધે શેરડી, ડાંગર, શાકભાજીનો મબલખ પાક થશે. ડીજીવીસીએલ દ્વારા એક સપ્તાહ સવારે 03-45 થી બપોરે 04:00 વાગ્યા સુધી અને બીજા સપ્તાહે બપોરે 12:14 થી રાતે 12:00 વાગ્યા સુધી રોટેશનથી વીજળી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન જયેશ એન. પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાતથી રાહત થશે. ઉર્જા વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો છે. તે આવકાર્ય છે. ખેડૂતને હવે છ કલાકને બદલે 8 કલાક વીજપુરવઠો મળવાનો શરૂ થયો છે. તેનાથી ઉનાળુ પાકને ખૂબ જ મોટી રાહત થઇ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા આ અંગે રજુઆતો કરવામાં આવી હતી. ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પણ આ નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં બે લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આઠ કલાક વીજળી મળે તો ઉનાળુ પાક, શાકભાજી અને શેરડીનો મબલક પાક મળી શકે છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.