પલસાણા: (Palsana) પલસાણાના શેઢાવ ગામની સીમમાં નિયોલ-શેઢાવ રોડ ઉપરથી કડોદરા પોલીસે (Police) મોપેડ પર વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઈ જનાર શખ્સને ઝડપી પાડ્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો પલસાણાના લિસ્ટેડ બુટલેગર (Listed Bootlegger) ઈશ્વર વાંસફોડિયાએ પૂરો પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ.65,300નો મુદ્દામાલ કબજે કરી ચાર વ્યક્તિને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા છે.
- પલસાણાના શેઢાવથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
- મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈ જનાર શખ્સને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો
પ્રાપ્ત માહિતી મુજબ કડોદરા પોલીસ સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતાં તેમણે શેઢાવ ગામની સીમમાં નિયોલ-શેઢાવ રોડ ઉપર વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબનો એક શખ્સ મોપેડ નં.(જીજે-05-એચ.ઝેડ-8623) પર આવતાં તેને અટકાવ્યો હતો અને મોપેડની આગળ મૂકેલા પ્લાસ્ટિકના થેલા તપાસતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 225 નંગ બોટલ કિં.રૂ.25,300નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ આશુસિંગ રાકેશસિંગ રાજપૂત (રહે., ગોડાદરા, ગીતાનગર, પ્લોટ નં.29, સુરત શહેર) હોવાનું જણાવ્યું હતું. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ગોવિંદ ઓમપ્રકાશ મૌર્યા (રહે., ગોડાદરા, ઋષિનગર, સુરત શહેર)એ મંગાવ્યો હતો તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ઈશ્વર રમેશ વાંસફોડિયા (રહે., અંત્રોલી, ભૂરી ફળિયું, તા.પલસાણા), કાર્તિક વાંસફોડિયા, પ્રવીણ વાંસફોડિયા (રહે., વાંકાનેડા, તા.પલસાણા)એ પૂરો પાડ્યો હતો. પોલીસે આ ચારેય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.65,300નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કીમમાં પેટ્રોલ પંપની ઓફિસમાંથી ૨૧ હજારથી વધુ રોકડ રકમની ચોરી
કીમ: કીમ પૂર્વ વિસ્તારમાં આવેલા કીમાવતી પેટ્રોલ પંપમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી હતી. કર્મચારીઓ સૂતા હતા, એ દરમિયાન એકાએક ચોરો આવી ચઢ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ૨ ચોર યુવક ૧:૫૦ કલાકની વાગ્યાની આસપાસ બિનધાસ્તપણે ચાલીને પેટ્રોલ પંપની ઓફિસમાં પ્રવેશે હતા. જ્યાં પેટ્રોલ પંપનો કર્મચારી સૂતો હતો તેજ ઓફિસમાં એક ચોર એકદમ શિફ્ટપૂર્વક પ્રવેશ્યો હતો. અને ઓફિસના ગલ્લામાં મૂકેલી રોકડ ૨૧૦૦૦ હજારથી વધુની રકમનો હાથફેરો કરી પલાયન થઈ ગયો હતો. કીમ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.