Gujarat Main

ચૂંટણીની જાહેરાત પહેલાં જ કેજરીવાલે અમદાવાદમાં રોડ શો કરી ફૂકીં દીધું રણશિંગૂ, ભગવંત માને કહ્યું…

અમદાવાદ: પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની (AAP) નજર ગુજરાતમાં (Gujarat) આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પર છે. આજે દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના (Punjab) મુખ્યમંત્રી (CM) ભગવંત માન (Bhagwant Maan) ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ બંને નેતાઓએ આજે અમદાવાદમાં રોડ શો (Road Show) કર્યો હતો. અમદાવાદના નિકોલના ઉત્તમનગર ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિરના દર્શન કરી કેજરીવાલ અને ભગવંત માને રોડ શો શરૂ કર્યો હતો. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, મા ખોડિયાર અમને લડાઈમાં શક્તિ આપે તેવા આર્શીવાદ માંગ્યા છે. દિલ્હી અને પંજાબ તો થઈ ગયું હવે અમારું ગુજરાત એવું માન બોલ્યા કે તરત જ ઉપસ્થિત જનમેદનીએ તેમને વધાવી લીધા હતા.

રોડ શો વેળા અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં લોકોને પૂછ્યું કેમ છો? મજામાં. ત્યાર બાદ કેજરીવાલે જનમેદનીને સંબોધતા કહ્યું કે, અહીં ઉપસ્થિત લોકોમાં નાના બાળકો પણ છે. નાનકડી છોકરીના હાથમાં તિરંગો જોઈ મન પ્રસન્ન થઈ ગયું. મારો હેતુ દેશભરમાંથી ભ્રષ્ટ્રાચારને સમાપ્ત કરવાનો છે. દિલ્હીમાં મેં ભ્રષ્ટ્રાચાર ખત્મ કર્યો. દિલ્હીમાં હવે અંડરટેબલ વ્યવહાર વિના કામ થાય છે. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટ્રાચાર પૂરો થઈ ગયો. ગુજરાતમાં અધિકારીઓ વ્યવહાર માંગે છે? એવું કેજરીવાલે પૂછતા લોકોએ હા માં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું, 25 વર્ષથી ભાજપ છે, છતાં ભ્રષ્ટ્રાચાર દૂર થયો નથી. અમને એક મોકો આપો. પાંચ વર્ષમાં તમને નહીં ગમે તો બદલી દેજો. હું અહીં કોઈને હરાવવા નહીં પરંતુ ગુજરાતીઓને વિજયી બનાવવા આવ્યો છું.

કેજરીવાલને જોવા લોકો ભેગા થતાં ગેલેરી તૂટી પડી
ચામડી બાળી નાંખતા ધોમધખતા તાપમાં પણ અમદાવાદ વાસીઓ અરવિંદ કેજરીવાલનો રોડ શો જોવા ભેગા થયા હતા. અહીં એક ધાબા પર ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં ગેલેરીનો ભાગ તૂટી ગયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા.

અરવિંદ કેજરીવાલે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. અહીં બંને નેતાઓએ રેટિંયો કાંટ્યો હતો. કેજરીવાલે કહ્યું, રાજકારણમાં આવ્યા બાદ પહેલી વાર ગાંધીઆશ્રમની મુલાકાત લીધી છે. અહીં ગાંધીજીનો આત્મા વસે છે. ભગવંત માને કહ્યું, પંજાબના દરેક ઘરમાં ચરખો છે. મહિલાઓ ચરખાથી સૂતર કાંતે છે.

Most Popular

To Top