સ્ત્રી અને પુરુષ સિક્કાની બે બાજુઓ છે અને સંસાર રથ ચલાવવાની જવાબદારી બંનેની એક સમાન રહેલી છે. વર્ષોથી પરંપરા ચાલી આવતી હતી કે, પુરુષ બહાર કામ કરે અને સ્ત્રીઓ ઘર સંભાળતી. જેથી આ સમયમાં સ્ત્રી શિક્ષણ પર ઝાઝું ધ્યાન આપવામાં આવતું ન હતું પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ લોકોને સ્ત્રી શિક્ષણની મહત્તા સમજાઈ અને સાથે જ એ વાત પણ ગળે ઉતરી કે, એક શિક્ષિત સ્ત્રી પરિવારની સાથે સમાજને પણ યોગ્ય દિશા આપી શકે છે. કારણ કે, બાળકોને સારા અને યોગ્ય સંસ્કાર આપવાની સાથે સાથે તેના અભ્યાસની જવાબદારી પણ ખાસ કરીને સ્ત્રી જ સંભાળતી હોય છે, જેથી તે ભણેલી હશે તો આજની પેઢીને પણ યોગ્ય રીતે જ્ઞાન આપી શકશે. અને એટલું જ નહીં આજે મોંઘવારીમાં જ્યારે મધ્યમવર્ગ પિસાઇ રહ્યાો છે ત્યારે તે પોતાના ભણતરનો ઉપયોગ કરીને પરિવારને આર્થિક ટેકારૂપ પણ બની શકે છે. તો આજે આપણે કેટલીક એવી મહિલાઓ સાથે વાત કરીશું જેઓએ અમુક કારણવશ પોતાનો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો હોય અને બાદમાં અનેક પડકારો હોવાં છતાં પરિવારના સહકારથી લગ્ન બાદ પોતાનો અભ્યાસ આગળ ધપાવીને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા હોય.
લગ્નના 22 વર્ષોમાંથી 17 વર્ષ તો અભ્યાસમાં જ નીકળી ગયા: ડો. યશોધરા પટેલ
હાલમાં વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લૉ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને ગર્લ્સ હોસ્ટેલમાં વોર્ડન તરીકે ફરજ બજાવતાં ડો. યશોધરા પટેલ જણાવે છે કે, ‘ભણવાનો શોખ તો મને હતો જ. વર્ષ 1998 માં મે મારૂ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 2000 માં મારા લગ્ન થયા. મારા મારાં સાસુ-સસરા ભણતરના મૂલ્યને સમજતા હતા એટલે એમણે મને આગળ અભ્યાસની મંજૂરી આપી, અને મે માસ્ટર્સ ડિગ્રીની શરૂઆત કરી. જો કે લગ્ન બાદ ઘણી સામાજિક જવાબદારીઓ સાથે બાળકોના ઉછેરની પણ જવાબદારી નિભાવવી પડતી હોય છે જેથી વચ્ચેના સમયમાં થોડો બ્રેક પણ લેવો પડ્યો હતો. આમ કરતાં કરતાં મે વર્ષ 2017 માં મારૂ PHD પુરું કર્યું. જો કે, આ સમય દરમિયાન મને મારા હસબન્ડ ઉપરાંત મારાં સાસુ -સસરા તથા દિયરનો ઘણો જ સપોર્ટ રહ્યો છે. જ્યારે હું કોલેજ જાઉં ત્યારે મારા બાળકોને મારા રિટાયર્ડ સસરા સંભાળી લેતાં અને બાદમાં મારાં સાસુ રિટાયર્ડ થઈ જતાં એમનો સપોર્ટ પણ મળ્યો. આજે તો મારાં બંને બાળકો પણ મોટા થઈ ચૂક્યા છે અને સાસરિયાઓ તરફથી આગળ અભ્યાસના પ્રોત્સાહનના કારણે હજુ પણ મારે ડબલ PHD નો અભ્યાસ કરવાની ઇચ્છા છે.
લગ્નબંધનમાં સાથ અને સહકારથી સફળતાની સીડી ચડી શકાય છે: ક્રિષ્ના સોમાણી
‘દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ મારી સફળતા પાછળ એક પુરુષનો હાથ છે.’ આ શબ્દો છે ક્રિષ્ના સોમાણીના કે જેમના ચાલુ અભ્યાસ દરમિયાન જ લગ્ન થઈ ગયા હતા અને બાદમાં પતિ અને પરિવારના સપોર્ટથી અભ્યાસ પૂર્ણ કર્યો અને આજે હેડ આર્કિટેક્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ક્રિષ્ના જણાવે છે કે, ડિપ્લોમા ઇન આર્કિટેક્ટના અભ્યાસ માટે સુરેન્દ્રનગરથી સુરત આવી અને જે દરમિયાન મારી મુલાકાત એક મિત્ર સાથે થઈ જે આજે મારા પતિ છે. વર્ષ 2004માં ચાલુ અભ્યાસે જ અમારા લગ્ન થયા પણ પરિવાર અને પતિના સપોર્ટથી હું મારો અભ્યાસ ચાલુ રાખી શકી. ઘરની જવાબદારી સાથે અભ્યાસ કરવો કઠિન હોય છે અને એ સમયે આ ફિલ્ડમાં એમ કહેવાતું કે, આર્કિટેક્ટ ફિલ્ડમાં સ્ત્રીઓ ચાલે જ નહીં, આજે એ જ ફિલ્ડમાં હેડ આર્કિટેક્ટ તરીકે ફરજ બજાવું છુ. અને એટલું જ કહીશ કે લગ્નબંધન એ પ્રેમાળ બંધન છે અને સહકારની સીડી પણ, જેમાં એકબીજાના સાથ અને સહકારથી સફળતાનું પગથિયું ચડી શકાય છે.’
અભ્યાસને કારણે હસબંડને વર્ષમાં એક –બે વાર જ મળી શકતી: ડો. આશા સેલર
હાલમાં કોર્પોરેશનમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા 32 વર્ષિય ડો. આશા બહેન સેલર જણાવે છે કે, મારા લગ્ન થયા ત્યારે હું MBBS કંપલીટ કરી ચૂકી હતી અને આગળ ડિગ્રીનો અભ્યાસ કરવાની ઈચ્છા હતી જેથી લગ્નના 2 વર્ષ બાદ મેં વડોદરામાં ગાયનેકોલોજિસ્ટના અભ્યાસ માટે એડમિશન લીધું, જ્યાં હું 3 વર્ષ સુધી હોસ્ટેલમાં રહી હતી અને એ સમય દરમિયાન મારાં હસબન્ડ પણ રાજકોટ ખાતે રહીને આગળનો અભ્યાસ કરી રહ્યા હતા જેથી વર્ષમાં માંડ એક કે 2 વાર મળવાનું થતું હતું અને આ 3 વર્ષ દરમિયાન જેટલા પણ ફેમિલી ફંક્શન આવ્યા એમાં પણ અભ્યાસને કારણે હું જઈ શક્તી ન હતી પણ મારાં સાસુ અને જેઠાણી દરેક પ્રસંગ સંભાળી લેતાં હતાં. એટલું જ નહીં જ્યારે પણ હું બીમાર પડું ત્યારે પરિવારમાથી કોઈપણ મારી સંભાળ માટે આવી જાય છે. ખાસ કરીને લગ્નના 2-3 વર્ષમાં જ જ્યારે પરિવારમાથી બાળક અંગે ઉત્સુકતા જોવા મળતી હોય છે પણ મારાં પરિવારજનો મારાં અભ્યાસના મૂલ્યને સમજતા હોવાથી લગ્નના સાત વર્ષ સુધી આ પ્રકારની કોઈ વાત ઉચ્ચારી ન હતી અને હવે જ્યારે હું અભ્યાસ કરીને નોકરી શરૂ કરી ચૂકી છુ ત્યારે હું માતા બનવા જઈ રહી છુ જેની મને ખુશી છે.’
જોબ માટે નહીં પણ સંતાનના ભવિષ્ય માટે પણ અભ્યાસ જરૂરી છે: સોનલ પટેલ
લગ્ન બાદ નવસારી સ્થાઈ થયેલા સોનલબેન પટેલ જણાવે છે કે, ‘મારા અને મારી મોટી બહેનના લગ્ન એક જ દિવસે કરવાના હોવાથી ફકત 19 વર્ષની ઉંમરમાં જ મારા લગ્ન થઈ ગયા હતા જેથી હું મારૂ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકી ન હતી. પરંતુ લગ્ન બાદ મે એક્સટર્નલ વિધ્યાર્થી તરીકે એસ વાય અને ટી વાય ની પરીક્ષા આપીને મારૂ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. અને LLBના અભ્યાસ માટે ફોર્મ પણ ભર્યું હતું. પણ અમારું કુટુંબ સયુક્ત હોવાથી અને બાળકો તથા કેટલીક સામાજીક જવાબદારી નિભાવવાની હોવાથી LLBમાં એડમિશન લઇ શકી નહી અને જોબ પણ કરી નહીં શકી. પણ જ્યારે મારા દીકરાનું ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવાનું વિચાર્યું ત્યારે શાળાની શર્ત એવી હતી કે માતા કે પિતા કોઈપણ એક વ્યક્તિએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ અને મારું ગ્રજ્યુએશન પૂર્ણ થયું હોવાથી એ સમયે મારૂ ભણતર કામ લાગ્યું.’ સોનલ બહેન વધુમાં જણાવે છે કે, આગળ જતાં મને ચાન્સ મળશે તો પરિવારથી જવાબદારી સાથે સાથે LLB નો અભ્યાસ પૂર્ણ પણ કરીશ અને સાથે જ જોબ પણ કરવાની ઇચ્છા છે.
શીખવાની કોઇ ઉંમર નથી હોતી: પલ્લવીબહેન ધોળકિયા
કહેવાય છે ને કે શીખવાની કોઈ ઉમર નથી હોતી. અને આ વાક્યને સાર્થક કરી બતાવ્યુ છે પલ્લવીબેન ધોળકિયાએ. પલ્લવી બહેનની ઉમર હાલમાં 70 વર્ષની છે અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે 60 વર્ષની ઉંમરે સુગમ સંગીતની તાલીમ લઈને સૌને ચોંકાવી દીધા હતા. પલ્લવીબહેને વર્ષ 1968 માં ઓલ્ડ ssc ની પરીક્ષા પાસ કરી હતી અને તેમને આગળ ભણવું હતુ, પરંતુ લગ્ન બાદ સામાજિક જવાબદારીઓમાં એવા ખૂંપી ગયા કે અભ્યાસ માટે વિચારવાનો સમય જ નહીં મળ્યો. આમ ને આમ તેઓ દીકરીઓના માતા પણ બન્યા અને આજે તો તેમની દીકરીઓ પણ મા બની ચૂકી છે. પલ્લવીબહેન જણાવે છે કે,’ મને સંગીતનો વારસો મારા પિતા તરફથી મળ્યો હતો જેથી હું સારું ગાઈ શકતી હતી અને કેટલાક ઇનામો પણ મેળવ્યા હતા, પરંતુ તે સમયે કોઈ કલાસિસ ન હોવાથી મારી પાસે સંગીતની કોઈ ડિગ્રી ન હતી જેથી જયારે દીકરીઓ લગ્ન બાદ સાસરે ચાલી ગઈ અને સુરતમાં જ આ અંગેના અભ્યાસ વિષે જ્યારે મે જાણ્યું ત્યારે મે ફરી મારો શોખ જીવંત કરવાનું વિચાર્યું અને સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં 60 વર્ષની વયે સુગમ સંગીતની તાલીમ લીધી અને વિશેષ યોગ્યતા સાથે પ્રથમ વર્ગમાં પરીક્ષા પણ પાસ કરી. શરૂઆતમાં કલાસમાં જતાં થોડું અજુગતું લાગતું હતું કારણ કે મને શીખવનારા મારા ટીચરની ઉંમર પણ મારા કરતાં ઓછી હતી પરંતુ મારા હસબંડના સપોર્ટના કારણે આજે હું આટલી જૈફ વયે પરીક્ષા પાસ કરનાર મારી જ્ઞાતિની સર્વપ્રથમ મહિલા છુ.’
સસરાએ PTC કરાવીને પગભર બનાવી: ઇન્દુબહેન ચૌધરી
નિવૃત ટીચર ઇન્દુબહેન જણાવે છે કે, ‘મારાં જ્યારે લગ્ન થયાં ત્યારે મે દસમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. હું સુરત નજીકના એક ગામડાંમાં રહેતી હોવાથી એ સમયમાં આગળ ભણવા માટે સુવિધાઓનો પણ અભાવ હતો અને મારાં માતા પિતા ખેતી કરીને જ ગુજરાન ચલાવતાં હોવાથી તેમને સ્ત્રી શિક્ષણ વિષે કોઈ જ્ઞાન ન હતું. પરંતુ મારાં સસરા શિક્ષક હોવાની સાથે સાથે એક સ્વતંત્ર સેનાની પણ હતા અને આથી તેમણે મને આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરી અને PTC માં એડમિશન અપાવ્યું. મેં જ્યારે PTC માં એડમિશન લીધું ત્યારે મારો મોટો દીકરો 10 માસનો જ હતો એટલે એને સંભાળવો ખૂબ જ મુશ્કેલ હતો પણ મારા હસબન્ડનો પણ ખૂબ જ સપોર્ટ હતો અને એ દીકરાને સાચવી લેતાં. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનની ખૂબ જ તકલીફ હતી અને ફોન પણ ન હોવાના કારણે હું સાંજે ક્યારે ઘરે પહોંચું એ નક્કી ન હતું જેથી મારા હસબન્ડ સાઇકલ લઈને મારા દીકરા સાથે મારા આવવાનાં રસ્તા પર મને લેવા માટે આવતા.’ આગળ તેઓ જણાવે છે કે, ‘ એ સમયે ભલે તકલીફ પડી પણ આજે હું મારા હસબન્ડ હયાત ન હોવા છતાં પેન્શનના સહારે આરામથી મારી જિંદગી વિતાવી શકું છુ. ત્યારે આજે તો આધુનિક સુવિધાઓ વચ્ચે આપણે રહીએ છીએ તો દરેક દીકરીઓને હું એ જ સલાહ આપીશ કે પગભર બનો જેથી સ્વમાનભેર પોતાની જિંદગી જીવી શકશો.’
કહેવાય છે ને કે ‘મન હોય તો માળવે જવાય’ અને આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આ મહિલાઓ અને એમના જેવી અનેક મહિલાઓ સફળ રહી છે જેમણે લગ્ન બાદના અનેક પડકારો અને જવાબદારીઓ પૂર્ણ કરવા સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જો કે આજે લોકોની અને ખાસ કરીને સાસરિયાંઓની માનસિકતા પણ બદલાઈ છે અને તેઓ પણ વહુને આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન આપી રહ્યાા છે જે આજનાં સમયની માંગ છે. કારણ કે માતા ભણેલી હશે તો બાળકોમાં ઉચ્ચ સંસ્કાર રેડવાની સાથે સાથે તેને અભ્યાસમાં પણ યોગ્ય મદદ કરવા માટે સક્ષમ બનશે.