વડોદરા : સ્માર્ટસીટી વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા વિકાસલક્ષી કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો હોવાના પોકળ દાવા વચ્ચે અટલાદરા તળાવમાં સર્જાયેલી ગંદકી સ્માર્ટ તંત્રનું ચિત્ર સ્પષ્ટ કરે છે.બે વર્ષ પહેલાં જ 85.55 લાખના ખર્ચે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી હતી.તેમ છતાં તળાવની આ હાલત બનતા શહેર શિવસેનાના સંગઠક દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. શહેરના અટલાદરા તળાવમાં પણ જંગલી વેલા તેમજ અસહ્ય ગંદકી થતા આસપાસ રહેતા લોકો સહિત ખાસ કરીને સિનિયર સિટીજનો મુશ્કેલીમાં મુકાયા છે.આ અંગે શહેર શિવસેનાના સંગઠક ચેતન નામદેવ કલંબેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્વામીનારાયણ મંદિરની પાછળ આવેલા અટલાદરા તળાવનું 2 વર્ષ પહેલાં 85.55 લાખના ખર્ચે બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે બ્યુટીફીકેશન ની કામગીરી તો પુર્ણ થઇ નથી.
સાથે તળાવમાં ખૂબ જ ગંદકી થઈ છે.સ્માર્ટ સિટીમાં તળાવો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો તેમ છતાં અટલાદરા તળાવની હાલત ખરાબ છે. બ્યુટીફીકેશનના નામે લાખોનો ખર્ચો કર્યો તો આ પૈસા ગયા ક્યાં ? વહેલી તકે તળાવની સફાઇ કરવામાં નહીં આવે તો શિવસેના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.જેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેમ જણાવ્યું હતું. શહેરના ગોત્રી, તાંદલજા ,લક્ષ્મીપુરા ગોરવા વગેરે તળાવની હાલત પણ ખરાબ છે .ત્યાં પણ તળાવમાં સતત ગંદકી જામી રહેલી હોય છે. કોર્પોરેશન દ્વારા તળાવના બ્યુટીફીકેશન પાછળ કરોડોના ખર્ચ પછી પણ તળાવની જાળવણી બરાબર નહી થતા તેમજ ગટરના ગંદા પાણી બંધ નહીં કરાવતા આ સ્થિતિનું નિર્માણ થાય છે તેમ સામાજિક કાર્યકર નું કહેવું છે.