ભરૂચ: ઝઘડિયાના રાજપારડી (Rajpardi) ગામે ઝેરોક્ષ (Xerox) તથા પ્રિન્ટના (Print) બિલના બાકી પૈસાની લેવડદેવડની તકરારમાં એક ઇસમને માર માર્યો હોવા બાબતે ત્રણ ઇસમ સામે ફરિયાદ (Complaint) થઈ હતી.
રાજપારડીના વિકાસ જયંતીલાલ વસાવા એક એન.જી.ઓ.માં કામ કરે છે. તેઓ રાજપારડી ચોકડી પર આવેલા એસ. કુમાર ફોટો સ્ટુડિયો નામની દુકાનમાં એનજીઓના ઓફિસના કામ માટેના ઝેરોક્ષ અને પ્રિન્ટ કઢાવતા હતા. ફરિયાદમાં જણાવાયા મુજબ ઝેરોક્ષ અને પ્રિન્ટના બિલની રૂ.૩૦૦૦ જેટલી બાકી રકમ પેઠે તેમણે રૂ.૧૫૦૦ જમા કરાવ્યા હતા. તેથી બાકીના રૂ.૧૫૦૦ જમા કરાવવા વિકાસ ફોટો સ્ટુડિયોની દુકાને ગયો હતો. ત્યારે દુકાનના માલિક સચિનભાઇએ જણાવ્યું કે, તમારે રૂ.૪૨૦૦થી વધારે બાકી હતા.
વિકાસે સચિનને જણાવ્યું હતું કે, રૂ.૩૦૦૦ બાકી હતા અને તે પૈકી અગાઉ મેં રૂ.૧૫૦૦ જમા કરાવ્યા હતા. આ સાંભળીને સચિનભાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યા હતા. અને રૂ.૪૨૦૦ તમારે ચૂકવવા પડશે. આમ કહીને વિકાસભાઇ સાથે ઝપાઝપી કરીને મારવા લાગ્યા હતા. તે દરમિયાન ફોટો સ્ટુડિયોની દુકાનમાં કામ કરતો વણાકપોરના નિકુંજ પરમાર તેમજ સંજાલીના સેફલી નામના ઇસમોએ પણ સચિનનું ઉપરાણું લઇને વિકાસને માર માર્યો હતો. આ ઝઘડા દરમિયાન વિકાસને માથામાં કાનના ઉપરના ભાગે લોખંડની પાઇપ વાગી જતાં ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિકાસે અવિધા સરકારી દવાખાને સારવાર લીધી હતી. ઘટના બાબતે વિકાસ વસાવાની ફરિયાદને લઇ રાજપારડી પોલીસે સચિન છગન પંચાલ, નિકુંજ પરમાર તેમજ સેફલીના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ભરૂચની નવી નગરીમાં કંપનીના હેલ્પર સહિત ૩ને ચાર જણાએ માર મારતાં પોલીસ ફરિયાદ
ભરૂચ: ભરૂચની નવી નગરીમાં કંપનીમાં કોન્ટ્રાક્ટ હેલ્પર તરીકે કામ કરનાર યુવક સાથે ફળિયાના ચાર જણાએ અગાઉની અદાવત રાખીને માથામાં લોખંડનો પંચ ઈજા કરી હતી. આ તકરારમાં યુવકનો સગો ભાઈ તેમજ માસીયાઈ ભાઈ દોડી આવતાં તેઓને પણ માર માર્યો હતો.
ભરૂચના ત્રણકૂવા નવી નગરીમાં રહેતા ૨૧ વર્ષીય ગણેશ દશરથ વસાવા દહેજની ફાર્મનીક કંપનીમાં હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. તા.૩૧/૩/૨૦૨૨ના રોજ રાત્રે તેના મિત્ર તેમજ તેનો ભાઈ વિશાલ વસાવા ફાટક પાસે બેઠા હતા. એ વખતે ફળિયાનો કરણ મહેશ વસાવાએ અગાઉની બોલાચાલીની રીસ રાખીને ગણેશ વસાવા સાથે ઝઘડો કર્યો હતો. આ તકરારમાં કરણ વસાવાએ હાથમાં પહેરેલું લોખંડનું પંચ ગણેશ વસાવાને મારી દેતાં લોહી નીકળ્યું હતું. આ તકરારમાં તેમની માસીના દીકરા રાજવીર વસાવા અને ભાઈ વિશાલ વસાવાને અરવિંદ વસાવા, અજય નવીન વસાવા, અને મનીષ રમેશ વસાવાએ માર માર્યો હતો. ઈજાગ્રસ્ત ગણેશ વસાવાને લોહી વધુ નીકળતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ગણેશ વસાવાએ ફરિયાદ આપતાં બી-ડિવિઝનમાં પોલીસ ચાર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.